પાંચ રાજ્યોના પરિણામો : જનાદેશ કંઈક અલગ જ સંકેત આપે છે! - Sandesh
  • Home
  • Election
  • પાંચ રાજ્યોના પરિણામો : જનાદેશ કંઈક અલગ જ સંકેત આપે છે!

પાંચ રાજ્યોના પરિણામો : જનાદેશ કંઈક અલગ જ સંકેત આપે છે!

 | 8:08 am IST
  • Share

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો રવિવારે જાહેર થયાં તેમાં ઘણા સંકેતો રહેલા છે. બંગાળમાં મમતાનો સતત ત્રીજો વિજય, ભાજપનો બીજા ક્રમના સૌથી મોટા પક્ષ અને રાજ્યના વિપક્ષ તરીકે ઉદય, કોંગ્રેસ અને ડાબેરીઓના સુપડા સાફ, તે ઉપરાંત આસામમાં ભાજપને બીજી તક, કેરળમાં એલડીએફને બીજી તક તથા તમિલનાડુમાં ડીએમકેની સત્તા વાપસી, પોંડીચેરીમાં ભાજપનો પરાજય પણ સુકાન એનડીએના હાથમાં આવ્યું હતું. આ નવા જ સમીકરણો રાજ્યોની સ્થાનિક સ્થિતિ અને રાજકારણ અંગે કંઈક જુદા જ સંકેત આપે છે.

કેન્દ્રીય સ્તરે વિપક્ષી નેતાનો ચહેરો બદલાશે?

બંગાળમાં મમતાનો સતત ત્રીજો વિજય તથા કોંગ્રેસ અને ડાબેરીઓનો સદંતર પરાજય એ બાબત સુચવે છે કે હવે ટીએમસી મોટો પક્ષ બની રહ્યો છે. મહારાષ્ટ્રની ચૂંટણી થઈ ત્યાં સુધીમાં એનસીપીના વડા શરદ પવાર વિપક્ષનો ચહેરો ગણાતા હતા અને તેમના થકી તમામ પક્ષો આગળ આવવા પણ ઈચ્છતા હતા. હવે આ સમીકરણો બદલાયા છે. મમતાએ બંગાળ સર કરીને પોતાનું કદ સૌથી મોટું હોવાનું સાબિત કરી આપ્યું છે. છેલ્લાં બે લોકસભા ઈલેક્શનથી સત્તા ઉપર રહેલા ભાજપને પડકારીને બંગાળમાં પોતાની સત્તા ટકાવી રાખી અને સાબિત કરી આપ્યું કે, કેન્દ્રમાં તે વિપક્ષી નેતાગીરી સંભળવા નવો અને મજબૂત ચહેરો બની શકે તેમ છે.

સ્થાનિક પક્ષો વધારે મજબૂત થયા

બંગાળમાં ટીએમસી, કેરળમાં વિજયન સત્તા ઉપર વાપસીમાં અને એક દાયકા બાદ તમિલનાડુમાં ડીએમકે સત્તા ઉપર પહેલી વખત પરત આવી હતી. આ ત્રણેય રાજ્યોના પરિણામો જે હોય તે પણ પરિમાણો એકદમ સ્પષ્ટ છે. બંગાળ, કેરળ અને ડીએમકેએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, સ્થાનિક સ્તરે હજી પણ તેમનો દબદબો છે અને મજબૂત છે.

કોંગ્રેસની પડતી ચાલુ જ રહી છે

કોંગ્રેસ છેલ્લાં એક દાયકમાં પાતાળમાં જતી રહી છે. ગાંધી પરિવાર છેલ્લાં ઘણા સમયથી વિરોધ અને વિદ્રોહનો સામનો કરી રહ્યો છે. આ સ્થિતિમાં હવે બંગાળમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું, અસમ અને કેરળમાં કારમો પરાજય મળ્યો અને પોંડિચેરીમાં સત્તા ગુમાવી દીધી. તેના કારણે સીધી રીતે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં ફરે એક વખત ઉધામા થવાના છે.

કેન્દ્ર સરકાર ઉપરથી વિશ્વાસ ઘટી રહ્યો છે?

પાંચ રાજ્યોમાં થયેલું વ્યાપક મતદાન અને પરિણામો દર્શાવે છે કે, લોકોને હવે કેન્દ્ર સરકાર ઉપર વિશ્વાસ જ નથી. કોરોનાને કાબુ કરવામાં જે રીતે સરકારે થાપ ખાધી છે તેને પગલે પ્રજા સ્વાભાવિક રીતે નારાજ છે. તે ઉપરાંત ઈતિહાસ ઉપર નજર કરીએ તો યુપીએની બીજા ટર્મ પછી જે સ્થિતિ દેશમાં હતી તેવી જ સ્થિતિ હાલમાં ભાજપ સરકાર વિરોધી જોવા મળી રહી છે. આ વખતે બંગાળમાં ભાજપની બેઠકો વધી પણ લોકસભામાં તેને જેવો આવકાર મળ્યો હતો તેવો ઉમળકો આ પરિણામોમાં દેખાયો નથી.

દ.ભારતમાં ભાજપને રાહ જોવી પડશે

કેરળ, તમિલનાડુ અને પોંડિચેરીમાં ભાજપ ખાતું પણ ખોલાવી શક્યો નથી. તમિલનાડુમાં તેણે એઆઈએડીએમકે સાથે જોડાણ કરેલું હતું છતાં તેનો ગજ વાગ્યો નહીં. તમિલનાડુમાં તે ચાર બેઠક જીતી ગયો અને પોંડિચેરીમાં ગઠબંધન સરકાર બનાવશે છતાં તેની સ્પષ્ટ અસર દેખાતી નથી.

પક્ષપલટુઓ ઉપર વિશ્વાસ નથી

આ ચૂંટણીમાં જનતાએ પક્ષ પલટુઓને પણ નકારી કાઢવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. બંગાળમાં ૩૦ નેતાઓ ટીએમસી છોડીને ભાજપમાં ઘુસ્યા હતા અને તેમાંથી માત્ર છનો જ વિજય થયો જ્યારે બાકીના ઘરભેગા થઈ ગયા. તમિલનાડુમાં પણ ડીએમકે છોડીને આવેલી મહિલા નેતા હારી ગઈ હતી.

મુસ્લિમ મતદારોએ ભાજપ વિરોધી વલણ યથાવત્ રાખ્યું

મુસ્લિમ મતદારોએ આ વખતે ભાજપ વિરોધી વલણ જાળવી રાખ્યું હતું. બંગાળમાં ભાજપ હિંદુ મતદારોને રિઝવવા મથતો રહ્યો અને મુસ્લિમ મતદારોનો પણ સાથ ગુમાવ્યો. મુસ્લિમોએ અસાદુદ્દીન, મમતા અને કોંગ્રેસ તથા લેફ્ટને મત આપી દીધા. કેરળમાં પણ મુસ્લિમ મતદારોએ યુડીએફ અને એલડીએફને મત આપ્યા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો