ફ્લાઇટમાં બોમ્બની માહિતીથી મુંબઈ એરપોર્ટ પર અફરાતફરી

126

મુંબઈ, તા.૧૧

મલેશિયાની ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાની શંકા છે એવી આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સી ઇન્ટરપોલ તરફથી મળેલી માહિતી સીબીઆઇએ આપતા સોમવારે રાતે મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મલેશિયા એરલાઇન્સની બે અને મલિંડો એરની એક એમ કુલ ત્રણ ફ્લાઇટો રોકી દેવાઇ હતી અને તેના મુસાફરો અને તેમના સામાનની સઘન તપાસ હાથ ધરાઈ હતી. એ તપાસમાં કશંુ ન મળી આવ્યા બાદ એ ફ્લાઇટ રવાના કરાઈ હતી, પણ એ ફ્લાઇટ તેમના ગંતવ્યસ્થાન પર પહોંચે ત્યાં સુધી તેનું સતત મોનિટરિંગ કરાયું હતું. જોકે આ ઘટનાને કારણે ફ્લાઇટો ચારથી પાંચ કલાક મોડી પડી હતી. સીઆઇએસએફ, મુંબઈ પોલીસ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.  આ વિશે વધુ માહિતી આપતા એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સંભાળતી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ ઓ.પી.સિંહે કહ્યું હતું કે સીબીઆઇને ઇન્ટરપોલ તરફથી માહિતી મળી હતી કે ક્વાલાલુંપુરની ફ્લાઇટમાં બોમ્બ મુકાવાનો છે. એથી એ ત્રણે ઔફ્લાઇટનું સઘન ચેકિંગ કરાયું હતું.

કન્ટ્રોલરૂમને પણ નનામો કોલ આવ્યો હતો

ઇન્ટરપોલે તો માહિતી આપી હતી પણ એ પછી એરપોર્ટના કન્ટ્રોલ રૂમમાં પણ એક નનામો ફોન આવ્યો હતો જેણે ક્વાલાલુંપુરની ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાનું જણાવ્યું હતું. જોકે એ ફોન વિશે તપાસ કરતાં એ ફોન વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ ) દ્વારા કરાયો હોવાનું માલૂમ પડયું હતું.