Flood Situation Worsens In Assam, 18 Dead, Over 9.5 Lakh Affected
  • Home
  • India
  • આસામના 23 જિલ્લાઓમાં પૂરપ્રકોપ, 9.3 લાખ લોકો અસરગ્રસ્ત, 18નાં મોત

આસામના 23 જિલ્લાઓમાં પૂરપ્રકોપ, 9.3 લાખ લોકો અસરગ્રસ્ત, 18નાં મોત

 | 6:25 am IST

। ગુવાહાટી ।

દક્ષિણી-પશ્ચિમી ચોમાસાને કારણે દેશના ઘણા ભાગોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં મેઘમહેર તો આસામમાં પૂરપ્રકોપ સર્જાયો છે. આસામના ૨૩ જિલ્લાઓમાં પૂરપ્રકોપ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં ૯.૩ લાખ લોકો વત્તાઓછા પ્રમાણમાં પૂરને કારણે અસરગ્રસ્ત પામ્યા છે તથા પૂર સંબંધિત ઘટનાઓમાં ૧૮ લોકોનાં મોત થયાં છે. .સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે રાજ્યના ઘેમાજી, લખીમપુર, વિશ્વનાથ, ઉદલપુરી દરાંગ, નાલબારી, બારપેટા, કોકરારઝાર, ધુબરી જિલ્લાની ૯ લાખ કરતા પણ વધારે વસતીને અસર પહોંચી છે. પૂરમાં ફસાયેલા લોકોના બચાવ માટે રેસ્કયૂ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં ધૂળભરેલી આંધી બાદ વરસાદ

સોમવારે સાંજે રાજધાની દિલ્હીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધૂળભરી આંધી બાદ વરસાદ પડયો હતો. દિલ્હીની સાથે સાથે, યુપી, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડયો હતો.ચોમાસા દરમિયાન મધ્ય ભારતમાં ધાર્યા કરતાં ઘણો વધારે વરસાદ પડયો છે. વરસાદને કારણે દેશની અનેક નદીઓ ભયજનક સપાટી ઉપર વહી રહી છે અને આજુબાજુના ગામડાઓ પર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે.મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ૮૮ ટકા વધારે વરસાદ પડયો છે. હવામાન કેન્દ્ર ભોપાલના અધિકારી જીડી મિશ્રાએ કહ્યું કે પ્રદેશમાં ૧૪ જૂનના રોજ ચોમાસંુ શરૂ થયું હતું અને લગભગ દશ દિવસ સુધી સક્રિય રહ્યું હતું.

બારપેટા જિલ્લો સૌથી વધારે અસરગ્રસ્ત, ૧.૩૫ લાખ લોકો બેઘર બન્યા

પૂરની સૌથી વધારે અસર બારપેટા જિલ્લામાં થઈ છે. બારપેટા જિલ્લામાં ૧.૩૫ લાખ વસતી, ધેમાજીમાં લગભગ ૧ લાખ અને નાલબારીમાં ૯૬ હજાર લોકોને વત્તાઓછા પ્રમાણમાં અસર પડી છે. ગત ૨૪ કલાકની અંદર SDRF, જિલ્લા પ્રશાસન સહિત તમામ એજન્સીઓએ પાંચ જિલ્લાઓમાંથી ૯૩૦૩ લોકોને બચાવ્યા છે. હાલમાં રાજ્યના ૨૦૭૧ ગામ પૂરની ચપેટમાં છે અને ૬૮ હજાર હેક્ટર કરતાં પણ વધારે પાક તબાહ થયો છે.

૨૪ કલાકમાં ૯,૦૦૦ કરતાં વધારે લોકોને સુરક્ષિત બહાર કઢાયા

SDRF દ્વારા જારી કરાયેલ બુલેટિનમાં કહેવામાં આવ્યું કે SDRF, જિલ્લા પ્રશાસન, નાગરિક સુરક્ષા વિભાગોએ પાંચ જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯,૦૦૦ કરતાં પણ વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢયા છે તથા હજુ પણ બીજા ઘણા લોકો પૂરનાં પાણીમાં ફસાયેલાં છે તેમને બહાર કાઢવાનું કામકાજ ચાલી રહ્યું છે.  રાજ્યના ૨૦૭૧ ગામ પૂરની ચપેટમાં છે અને ૬૮ હજાર હેક્ટર વિસ્તારનો પાક તબાહ થયો છે. ૨૭ હજાર પણ વધારે લોકોને શેલ્ટરહોમમાં રખાયા છે. ઘણી જગ્યાએ બ્રહ્મપુત્ર નદી ખતરાનાં નિશાનની ઉપર વહેવા લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન