ફુલેકાની મોસમ : હિમાચલની કંપનીનું ૬,૦૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું - Sandesh
  • Home
  • Ahmedabad
  • ફુલેકાની મોસમ : હિમાચલની કંપનીનું ૬,૦૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું

ફુલેકાની મોસમ : હિમાચલની કંપનીનું ૬,૦૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું

 | 3:36 am IST

નવી દિલ્હી, તા. ૧૩

દેશમાં અત્યારે ફુલેકાઓની મોસમ જામી હોય તેમ એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં વિજય માલ્યા કરોડોનું કરી વિદેશ જતા રહ્યા ત્યાર બાદ નીરવ મોદી અને મેહલુ ચોક્સી પણ દેશની વિવિધ બેન્કોને ૧૩,૦૦૦ કરોડનો ચૂનો ચોપડીને નાસી ગયા. ત્યારબાદ રાજસ્થાનની અને દિલ્હીની પેઢીઓના કૌભાંડો સામે આવ્યા હતા. રોટોમેક કાંડ પણ હજી ચર્ચામાં જ છે ત્યાં હિમાચલ પ્રદેશની એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશની ઈન્ડિયન ટેક્નોકેમ કંપની દ્વારા બેન્કો અને સરકારને ૬,૦૦૦ કરોડનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીફાઈન્ડ નોબેલ એલોય બનાવતી કંપની ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કાર્યરત હતી. આ દરમિયાન તેણે અનેક બેન્કો પાસેથી કરોડોની લોન લીધી હતી અને સરકારને પણ ટેક્સ ચોરી દ્વારા નુકસાન પહોંચાડયું હતું.

વિધાનસભામાં મુદ્દો ચગ્યો

હિમચાલ પ્રદેશની વિધાનસભામાં આ મુદ્દો ચગ્યો હતો જેના કારણે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓનં ધ્યાન તે તરફ ખેંચાયું હતું. અખબારી અહેવાલો પ્રમાણે સીપીએમના ધારાસભ્ય રાકેશ સિંહા દ્વાર આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવાયો હતો. તેને પગેલ પોલીસે ફરિયાદ દાખલ કરીને વિગતે તપાસ હાથ ધરી છે.

૨,૧૭૫ કરોડનો વેટ ભર્યો જ નથી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની દ્વારા ૨,૧૭૫.૫૧ કરોડનો વેટ ભરવામાં જ આવ્યો નથી. ટેક્સ વિભાગે પણ જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો દ્વારા વેટમાંથી રાહત લેવામાં આવી હતી. આ મુદ્દે એક્સાઈઝ અને ટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વેટમાં કરેલી ચોરી ઉપરાંત કંપનીએ બેન્ક, ઈન્કમટેક્સ વિભાગ અને અન્ય સંસ્થાઓના ૪,૦૦૦ કરોડ જેટલી રકમ આપવાની બાકી છે. બાકી લેણામાં બેન્કના ૩,૫૦૦ કરોડ, આઈટી વિભાગા ૭૮૦ કરોડ અને પીએફના ૧૫-૨૦ કરોડ તથા લેબર ડિપાર્ટમેન્ટ અને ઈલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના પણ ઘણા પૈસા ચૂકવવાના બાકી છે. તમામ રકમ ભેગી કરવામાં આવે તો આંકડો ૬,૫૦૦ કરોડ સુધી પહોંચ્યો છે. સીપીએમના નેતાએ આરોપ મૂક્યા હતા કે, આ કેસમાં ઢાંકપીછોડ કરવામાં આવી છે. ૨૦૧૪માં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા કંપનીની કામગીરીમાં ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી. કંપનીએ આ મુદ્દે ખુલાસા ન આપતા કંપની સીલ કરવામાં આવી હતી. ૨૦૧૪થી કંપની બંધ હતી પણ આ કેસમાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નહોતી. ચાર વર્ષે આ કૌભાંડમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

;