એફએમસીજી, ટેલિકોમ અને ખાનગી બેન્કોના શેર્સની આગેવાનીએ શેરબજાર વધ્યું   - Sandesh
  • Home
  • Business
  • એફએમસીજી, ટેલિકોમ અને ખાનગી બેન્કોના શેર્સની આગેવાનીએ શેરબજાર વધ્યું  

એફએમસીજી, ટેલિકોમ અને ખાનગી બેન્કોના શેર્સની આગેવાનીએ શેરબજાર વધ્યું  

 | 12:14 am IST

। મુંબઈ ।

એફએમસીજી, ટેલિકોમ અને ખાનગી બેન્કોના શેર્સની આગેવાનીએ શેરબજાર બુધવારે સતત ત્રીજા સત્રમાં વધ્યું હતું. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો અને સ્થાનિક રોકાણકારો દ્વારા ચાલુ રહેલી ખરીદીને કારણે સેન્ટિમેન્ટ સુધર્યું હતું.  બેન્ક, ઓટો અને ફાર્મા શેર્સમાં ભાવવધારો જોવાયો હતો. મેટલ અને એનર્જી શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, તાતા મોટર્સ, એચડીએફસી, ઇન્ડસઇન્ડ બેન્ક અને આઇટીસી વધ્યા હતા જ્યારે યસ બેન્ક, તાતા સ્ટીલ, ગેઇલ, એચપીસીએલ, હીરો મોટો કોર્પ, ઓએનજીસી અને બીપીસીએલ ઘટયા હતા.

દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૩૧.૯૮ પોઇન્ટ વધી ૩૬,૨૧૨.૯૧ અને નિફ્ટી ૫૩ પોઇન્ટ વધી ૧૦,૮૫૫.૧૫ ઉપર બંધ થયાં હતાં.  ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઇન્ડસઇન્ડ બેન્કનો ચોખ્ખો નફો ૪.૬ ટકા વધી રૂ.૯૮૫.૦૪ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૯૩૬.૨૫ કરોડ હતો. બજાજ કોર્પના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ૯ ટકા વધી રૂ.૬૦.૧ કરોડ થયો હતો. રૂ.૩૨૪.૮૯ કરોડના ઓર્ડર મળવાને પરિણામે ટેરા સોફ્ટવેરનો ભાવ રૂ.૮.૭૫ વધી રૂ.૫૨.૫૦ થયો હતો. ૧૧મી જાન્યુઆરીની બોર્ડની મિટિંગમાં શેર્સ બાયબેક કરવા અને સ્પેશિયલ ડિવિડન્ડ આપવાની બાબતને ધ્યાનમાં લેવાશે એમ ઇન્ફોસિસે જણાવ્યા બાદ શેર રૂ.૬.૦૫ વધી રૂ.૬૭૬.૧૦ થયો હતો.

બંધન બેન્ક અને ગૃહ ફાઇનાન્સના વિલીનીકરણને પરિણામે માત્ર એચડીએફસીને લાભ થશે. છેલ્લાં બે દિવસમાં બંધન બેન્ક અને ગૃહ ફાઇનાન્સના શેર્સમાં અનુક્રમે ૧૦ તથા ૨૦ ટકા ઘટાડો થયો છે.   શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીનું બોર્ડ બોન્ડ્સ અને એનસીડીના પબ્લિક ઇશ્યૂ દ્વારા રકમ ઊભી કરવા વિચારણા કરશે. આથી, શેરનો ભાવ રૂ.૧૮.૭૦ વધી રૂ.૧,૨૦૯.૯૦ થયો હતો. શેર્સ બાયબેક કરવાની દરખાસ્ત બાદ એનએમડીસીનો શેર એક તબક્કે ૩.૯ ટકા ઘટી રૂ.૯૧.૨૦ થયો હતો. શેર દીઠ રૂ.૯૮ના ભાવે ૧૦.૨૦ કરોડ શેર્સ બાયબેક કરવાની દરખાસ્તને કંપનીએ મંજૂરી આપી છે.  યુરોપના બિઝનેસની ચિંતાએ તાતા સ્ટીલનો શેર ઘટયો હતો. શેર રૂ.૧૨.૧૫ ઘટી રૂ.૪૭૯.૨૦ ઉપર બંધ થયો હતો. ૨૦૧૮ના વર્ષમાં ભારતનાં જેએલઆરના વેચાણમાં ૧૬.૨૩ ટકા વધારો થયો હોવાના અહેવાલે તાતા મોટર્સનો શેર રૂ.૩.૧૦ વધી રૂ.૧૮૩.૦૫ થયો હતો.  બેન્કો દ્વારા રિઝોલ્યુશનની યોજનાના અહેવાલે જેટ એરવેઝનો શેર રૂ.૧.૧૫ ઘટી રૂ.૨૪૪.૨૦ થયો હતો.  ઓરલ .ડિલિવરી ઇન્શ્યૂલીન અને ઇન્શ્યૂલીન એનેલોગ માટેની ટેક્નોલોજી અંગે પેટન્ટને અમેરિકાએ મંજૂરી આપ્યા બાદ ટ્રાન્સજેન બાયોટેકના શેર્સમાં ૫ ટકાની ઊપલી ર્સિકટ લાગી હતી.   મારુતિ સુઝુકીનું ડિસેમ્બરમાં વાહનોનું ઉત્પાદન ૧૨ ટકા ઘટી ૧.૦૭ લાખ યુનિટ થયું હતું જે ગયા વર્ષે સમાન ગાળામાં ૧.૨૨ લાખ યુનિટ હતું.

પ્રભાત ડેરી એનિમલ ન્યૂટ્રિશન બિઝનેસમાં ઝંપલાવવાનો ઇરાદો ધરાવે છે. કેટલ ફીડ, ન્યૂટ્રિશન સપ્લિમેન્ટ અને એનિમલ જેનેટિક્સનો તેમાં સમાવેશ થાય છે.

DII દ્વારા શેરબજારને ટેકો 

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દ્વારા શેરબજારને ટેકો પૂરો પાડવાની કામગીરી મંગળવારે ચાલુ રહી હતી અને તેમના દ્વારા રૂ.૬૯૮.૧૭ કરોડના શેર્સની ખરીદી કરવામાં આવી હતી જ્યારે વિદેશી રોકાણકારો (FII) દ્વારા રૂ.૫૫૩.૭૮ કરોડના શેર્સનું વેચાણ કરવામાં આવ્યું હતું.

મીડિયા શેર્સમાં તેજી  : સરકારે જાહેરખબરના દરમાં ૨૫ ટકા વધારો કર્યો હોવાના અહેવાલે મીડિયા શેર્સમાં તેજી જોવા મળી હતી. એચટી મીડિયા, જાગરણ પ્રકાશન અને ડીબી કોર્પના શેર્સ ૮થી૧૭ ટકા વધ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;