જો આ રીતે કરશો ડાયરી લખવાની શરૂઆત, તો પડી જશે મજા - Sandesh
 • Home
 • Lifestyle
 • જો આ રીતે કરશો ડાયરી લખવાની શરૂઆત, તો પડી જશે મજા

જો આ રીતે કરશો ડાયરી લખવાની શરૂઆત, તો પડી જશે મજા

 | 12:26 pm IST

સ્વસ્થ રહેવા માટે ભાવનાઓને વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે એટલું જ નહીં, એને કઈ રીતે અને કયા માધ્યમથી વ્યક્ત કરવામાં આવે છે એ પણ એટલું જ મહત્વનું છે. કોઈ વ્યક્તિને આપણે મનની વાત કહી દઈએ તો ભાવના વ્યક્ત થઈ જાય છે અને આપણે હળવા થઈ જઈએ છીએ, પરંતુ એ જ વાત તમે કોઈને ન કહી અને લખો તો એના ફાયદા વધુ છે. જો કે લખવાથી આપણે ફક્ત હળવા નથી થતા, પરંતુ પોતાના વિચારને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને આ વિચારોને ભાવનાઓની દૃષ્ટિએ નહીં પરંતુ તર્કની મદદથી મૂલવીએ છીએ, કારણકે જ્યારે વ્યક્તિ લખતી હોય ત્યારે તેના મન પર મગજ હાવી થઈ જાય છે અને ઘણી વખત ફાલતુ, મહત્વ ન આપવા જેવી લાગણીઓ જે પ્રેક્ટિકલ જીવન સાથે સુસંગત નથી બેસતી એનો તાળો મળી જાય છે. એટલે કે એને મનમાંથી દૂર કરી શકાય છે. લખવાથી વ્યક્તિની અંદર પોતાની ભાવનાઓ, પોતાની પરિસ્થિતિઓ અને પોતાનાં કાર્યો વિશેની સ્પક્ટતા આવે છે જે તેને પોતાની જિંદગીમાં આવતી અવાંછિત લાગણીઓ અને બિનજરૂરી સ્ટ્રેસથી દૂર રાખવામાં મદદ કરે છે.

કઇ રીતે કરશો શરૂઆત?

 • ઘણા લોકો ઇચ્છતા હોય છે કે તેઓ ડાયરી લખવાની શરૂઆત કરે, પરંતુ તેઓ લખી નથી શકતા, કારણકે શું લખવું એ તેમને સૂઝતું નથી. પહેલી વાર ડાયરી લખવાની શરૂઆત કરનારા લોકોએ શું ધ્યાનમાં રાખવું એ જાણીએ.
 • ડાયરી લખવા માટે બને ત્યાં સુધી રાતનો સમય પસંદ કરો. બધાં કામ પતાવીને સૂતાં પહેલાં ડાયરી લખો. આમ કરવાથી રાત્રે ઊંઘ પણ સારી આવશે.
 • જો કશું સૂઝે નહીં તો મન પર નજર કરો. જે લાગણી ઉદ્ભવતી હોય અથવા આખા દિવસ દરમ્યાન કોઈ મહત્વનો બનાવ બન્યો હોય એનાથી લખવાની શરૂઆત કરો.
 • ઘણા લોકો શરૂમાં એક પેજ લખે અને પછી તેમને લાગે કશું છે જ નહીં લખવા માટે. આવી કન્ડિશનમાં ધીરજ રાખો.
 • ડાયરી એક આદત છે. લાગણીને શબ્દમાં ઢાળીને પાના પર ઉતારવાની આદત ધીમે-ધીમે વિકસશે. મનમાં નહીં વ્યક્ત કરેલી લાગણીઓને વ્યક્ત થતાં ક્યારેક સમય લાગે છે. એ સમય તમારે આપવો પડશે.
 • ડાયરીમાં ભાષાની ભૂલો પર ધ્યાન ન આપો.
 • ડાયરી કોઈ વાંચી જશે તો કેવું વિચારશે એવું માનીને ન લખો, નહીંતર તમે તમારી સાથે પ્રામાણિક નહીં રહી શકો.
 • ડાયરીને ફરી વાંચવાની કોઈ ખાસ જરૂર નથી. અને જો તમે વાંચો છો તો પણ કોઇ વાંધો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન