પાક. ત્રાસવાદ સામે પગલાં લે : બિશ્કેકમાં મોદીની સાફ વાત - Sandesh
  • Home
  • World
  • પાક. ત્રાસવાદ સામે પગલાં લે : બિશ્કેકમાં મોદીની સાફ વાત

પાક. ત્રાસવાદ સામે પગલાં લે : બિશ્કેકમાં મોદીની સાફ વાત

 | 2:45 am IST

। બિશ્કેક  ।

ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપવા કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે એરફોર્સનાં ખાસ વિમાન દ્વારા બે દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. તેમનું માનસ હવાઈમથકે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. SCOની બેઠક પહેલા મોદીએ ચીનનાં પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે ભારત અને ચીન વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનાવવા ડેલિગેશન કક્ષાની મંત્રણા કરી હતી. ચીન અને ભારત વચ્ચે બીજી અનૌપચારિક મંત્રણા યોજવા મોદીએ જિનપિંગને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. બંને દેશનાં નેતાઓએ દ્વિપક્ષીય રાજકીય અને આર્થિક સંબંધો વધુ ગાઢ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક કોમ્યુનિકેશનને પ્રગાઢ બનાવવા પર ભાર મુકાયો હતો. બંને દેશનાં નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ પ્રગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારત અને ચીન વચ્ચેની વેપાર ખાધ દૂર કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. આ ઉપરાંત એશિયા ખંડમાં પ્રવર્તતા પ્રાદેશિક પ્રશ્નોને ઉકેલવાનાં મુદ્દા પણ ચર્ચાયા હતા. લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય મેળવવા માટે જિનપિંગે ગયા મહિને જ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ જિનપિંગ સાથેની મંત્રણાને અત્યંત ફળદાયી ગણાવી હતી.

મિટિંગ પહેલા ચીને સંકેતો આપ્યા હતા કે, ચીનનાં પ્રેસિડેન્ટ શી જિનપિંગ ટ્રમ્પની વેપાર રક્ષણવાદ અને શસ્ત્ર તરીકે ટેરિફનાં એકપક્ષીય ઉપયોગની નીતિનો સામનો કરવા તેમજ લડવા માટે કેટલાક દેશોનો સંયુક્ત મોરચો રચવા માગે છે. ભારતનો તેમને સાથ મળશે તેવી આશા છે.

મોદીનો પાક.ને કૂટનીતિક ફટકો : પાક. એરસ્પેસનો ઉપયોગ કર્યા વિના બિશ્કેક પહોંચ્યા

ડોનાલ્ડ ટ્રમ્પની રક્ષણવાદની નીતિ સામે લડવા માટે ચીનને ભારતના ટેકાની આશા

ભારત દ્વારા અમેરિકાથી આયાત કરવામાં આવતી કેટલીક ચીજવસ્તુઓ અને ખાસ કરીને મોટરસાઇકલ હાર્લી ડેવિડસન પર લાદવામાં આવેલી ૫૦ ટકા જેટલી ડયૂટી ટ્રમ્પને આંખનાં કણાની જેમ ખૂંચી રહી છે. ટ્રમ્પ આ મુદ્દ ભારત સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં અમેરિકા અને ભારત વચ્ચે પણ કોલ્ડ ટ્રેડવોર છેડાઈ શકે છે. ચીનને આશા છે કે ટ્રમ્પની આવી રક્ષણવાદની નીતિ સામે લડવા માટે ભારત ચીનને ટેકો આપશે.

મધ્ય એશિયાની સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરાશે

મોદી SCOમાં મધ્ય એશિયાની સમસ્યાઓ, વૈશ્વિક સુરક્ષા, બહુપક્ષીય આર્થિક સહયોગ, લોકો વચ્ચે સંપર્ક વધારવા તેમજ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ ચર્ચશે. તેઓ કિર્ગિસ્તાનનાં રાષ્ટ્રપતિ સૂરોનબે જિનબેકોવ અને ઈરાનનાં રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે પણ ચર્ચા કરશે.

મોદી અને પાક.નાં પીએમ ઇમરાન ખાન SCOમાં પહેલીવાર આમનેસામને : મંત્રણા નહીં

SCOની બેઠકમાં ભારતનાં પીએમ મોદી અને પાક.ના પીએમ ઇમરાન ખાન પહેલીવાર આમનેસામને આવ્યા હતા. જો કે મોદીએ તેમની સામે જોયું પણ નહોતું અને તેમની સાથે મંત્રણા પણ કરવાના નથી. મોદીએ જિનપિંગ અને પુતિન સાથે મંત્રણાઓ કરી હતી પણ જ્યાં સુધી પાક. આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે કોઈ મંત્રણા યોજાશે નહીં.

મોદીએ કિર્ગિસ્તાનનાં બિશ્કેક જવા માટે પાકિસ્તાનનાં એરસ્પેસનો ઉપયોગ કર્યો ન હતો. તેઓ ઓમાન અને ઈરાનના એરસ્પેસ પરથી કિર્ગિસ્તાન ગયા હતા. આમ તેમણે પાક.ને કૂટનીતિક ફટકો માર્યો હતો. પુલવામા હુમલા પછી બંને દેશો વચ્ચેનાં સંબંધો તંગ બન્યા હતા અને પાક. દ્વારા ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરવામાં આવી હતી.

મોદી અને પુતિન વચ્ચેની મંત્રણામાં ડિફેન્સ અને એનર્જી મુદ્દે ભાર મુકાયો

કિર્ગિસ્તાનનાં પાટનગર બિશ્કેક યોજાનાર SCO સમિટ પહેલા ભારતનાં પીએમ મોદી અને રશિયાનાં પ્રેસિડેન્ટ પુતિન વચ્ચે સત્તાવાર દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી. ડેલિગેશન કક્ષાની આ મંત્રણામાં બંને નેતાઓએ ભારત અને રશિયાને સ્પર્શતા ડિફેન્સ અને એનર્જી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રે પરસ્પર સહયોગ મજબૂત બનાવવા પર ભાર મુક્યો હતો. ભારત અને રશિયાએ બંને દેશો વચ્ચેનો વેપાર વધારવા તેમજ રોકાણ વૃદ્ધિ માટે પગલા લેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

વેપાર અને રોકાણ વૃદ્ધિ માટે પગલાં લેશે

ઓસાકામાં યોજાનાર G-૨૦માં ભારત, રશિયા અને ચીનની ત્રિપક્ષીય મિટિંગ યોજવા વિચારણા હાથ ધરાઈ હતી. મોદી અને પુતિને બંને દેશો વચ્ચેનાં વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ભારતનાં વિદેશ સચિવ ગોખલેએ પ્રેસ મીટમાં કહ્યું હતું કે, પુતિને મોદીને સપ્ટેમ્બર ૨૦૧૯માં રશિયાનાં વ્લાદિવોસ્ટોક ખાતે યોજાનાર ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું જેનો મોદીએ સ્વીકાર કર્યો હતો.

અમેઠીમાં એકે -૨૦૩ રાઈફલની ફેક્ટરી સ્થાપવા માટે મોદીએ પુતિનનો આભાર માન્યો

અમેઠીમાં એકે -૨૦૩ રાઈફલ્સનું ઉત્પાદન કરવા માટે ફેકટરી સ્થાપવા માટે મોદીએ પુતિનનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ ખાસ કરીને એનર્જી, સ્કીલ્ડ મેનપાવર, વેપાર વૃદ્ધિ, ભારતીય રેલવેને વધુ આધુનિક બનાવવા તેમજ સંરક્ષણ સહયોગ વધારવા મુદ્દે ચર્ચા કરી હતી. ભારતનાં સ્કીલ્ડ સંસાધનનાં ઉપયોગનો મુદ્દો ચર્ચાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન