ટ્રેડવોરના પગલે ચીનને ભારે નુકસાન, ઔદ્યોગિક ઉત્પાદન ૧૭ વર્ષના નીચલા સ્તરે - Sandesh
  • Home
  • World
  • ટ્રેડવોરના પગલે ચીનને ભારે નુકસાન, ઔદ્યોગિક ઉત્પાદન ૧૭ વર્ષના નીચલા સ્તરે

ટ્રેડવોરના પગલે ચીનને ભારે નુકસાન, ઔદ્યોગિક ઉત્પાદન ૧૭ વર્ષના નીચલા સ્તરે

 | 2:42 am IST

। બેઇજિંગ ।

અમેરિકા સાથે ટ્રેડવોરના કારણે ચીનની ઇકોનોમીને પણ વિપરીત અસર થઈ રહી છે અને એથી ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન ૧૭ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે. એટલું જ નહીં, પ્રોપર્ટીમાં રોકાણનો ગ્રોથ રેટ પણ ડિસેમ્બર મહિના બાદ અત્યાર સુધીના સૌથી ઓછા સ્તરે રહ્યો છે.

ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર ૪.૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. જૂનમાં આ આંકડો ૬.૩ ટકા હતો. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરના કારણે અમેરિકાએ ચીનથી આવતી અનેક વસ્તુઓ પર વધારે ટેરિફ લાદી દીધાં છે. વળતામાં ચીને પણ અમેરિકાથી આયાત થતી ચીજો પર વધારે ટેરિફ લગાવ્યાં છે. આ આંકડાથી ખબર પડે છે કે ચીનમાં ઘરઆંગણાની માગણી પણ સુસ્ત છે. કારખાનાઓમાં ઉત્પાદનમાં ઘટાડો, નિકાસમાં ઘટાડો અને બેન્કો પાસેથી લોન લેવાના દરમાં ઘટાડાના પગલે ચીન સરકારને એ વાતે મજબૂર કરી દીધી છે કે અર્થવ્યવસ્થાને રાહત આપવા માટે સરકાર કોઈ રાહત પેકેજ લઈને આવે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના બીજા ત્રિમાસિકમાં ચીનની ઇકોનોમીમાં વધારો ગત ૩૦ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. ચીનના ઉદ્યોગપ્રધાને જુલાઈ મહિનામાં કહ્યું હતું કે આ વર્ષે ઔદ્યોગિક ઉત્પાદનનો લક્ષ્ય ૬ ટકા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે.

ચીનમાં જથ્થાબંધ વેચાણમાં વધારાનો દર નિરાશાજનક છે. ચીનમાં જુલાઈ મહિનામાં સ્ટીલનું ઉત્પાદન નરમ રહ્યું છે અને જથ્થાબંધ વેચાણમાં માત્ર ૭.૬ ટકાનો વધારો થયો છે. જૂનમાં આ દર ૯.૮ ટકા રહ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન ચીનના ફિક્સ્ડ એસેટ ઇન્વેસ્ટમેન્ટમાં ૫.૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. ચીનમાં પ્રોપર્ટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના ગ્રોથ રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે એ ચિંતાની વાત છે. આ દુનિયાની બીજા નંબરની ઇકોનોમી છે અને પ્રોપર્ટીમાં રોકાણ વિકાસ માટે મુખ્ય ડ્રાઇવિંગ ફોર્સ છે. જુલાઈમાં પ્રોપર્ટીમાં રોકાણમાં ૮.૫ ટકાનો વધારો થયો છે, જૂનમાં આ આંકડો ૧૦.૧ ટકા હતો.

ચીન અને અમેરિકા વચ્ચે ગયા વર્ષે જુલાઈમાં ટ્રેડવોરનો આરંભ થયો હતો. એ સમયે અમેરિકાએ પહેલી વાર ચીનના ઉત્પાદનો પર નવા ટેરિફ લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન