ચટપટુ સુરતી ઉંધીયું બનાવીને ઘરમાં બધાને કરી દો ખુશ

ઉતરાયણને આડે હવે એક દિવસ બાકી છે તો આ દિવસે તમે જાત જાતના પકવાન બનાવી શકો છો તો આજે અમે તમારા માટે એક ખાસ રેસિપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને ઉંધીયું લોકો બજારમાંથી લાવીને ખાતા હોય છે. પરંતુ અમે તમારા માટે સુરતી ઉંધીયુંની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સુરતી ઉંધીયું…
સામગ્રી
1 કિલો – સુરતી પાપડી
250 ગ્રામ – તુવેરના લીલવા
100 ગ્રામ – બટાકા નાના
100 ગ્રામ – શક્કરિયા
100 ગ્રામ – રતાળુ
2 નંગ – ટામેટા
1 ચમચી – ખાંડ
1/2 કપ – દૂધ
5-6 નંગ – રવૈયા
200 ગ્રામ – નાળિયેરનું ખમણ
1 ઝૂડી – લીલા ધાણા
1 ઝૂડી – લીલું લસણ
7 નંગ – લીલા મરચાં
1 મોટો – કટકો આદું
2 ચમચી – તલ
1 ચમચી – ગરમ મસાલો
2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું
1 ચપટી – હીંગ
જરૂરિયાત મુજબ – તેલ
બનાવવાની રીત
સૌ લીલા ધાણા અને લીલા લસણને છોલી, બારીક સમારી ધોઈ કોરા કરવાં. તેમાં નાળિયેરનું ખમણ, લીલા મરચાંના કટકા, આદુંનું છીણ, તલ, મીઠું, મરચું અને ગરમ મસાલો નાંખી મસાલો તૈયાર કરવો. હવે મૂઠિયાં બનાવવા માટે 1/2 ઝૂડી મેથીની ભાજીને સમારી ધોઈ તેમાં 150 ગ્રામ ચણાનો લોટ, મીઠું, હળદર મચરું, થોડી ખાંડ, દહીં અને તેલનું મોણ નાંખી કણક બાંધી મૂઠિયા બનાવી તેલમાં તળી, તૈયાર કરી રાખવા. ત્યાર પછી બટાકાને છોલી, રવૈયા જેમ કાપી તેમાં લીલો મસાલો ભરવો. રીંગણના પણ રવૈયા ભરવાં. રતાળું અને શક્કરિયાંને છોલી, મોટાં કટકા કરવા. ટામેટાના બારીક કટકા કરવા. હવે પાપડીની નસ કાઢી, બે ભાગ કરી તેના દાણા કાઢવા તેમાં તુવેરના લીલવા મીક્સ કરવા તેને ધોઈ મીઠું, 1 ચમચી સોડા અને અજમો નાંખી પાપડી ચોળવી. બટાકા, શક્કરિયાં અને રતાળુંના કટકાને મીઠું અને સોડા નાંખી, રગદોળી, તૈયાર રાખવા. એક મોટી તપેલીમાં વધારે તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, પાપડી-તુવેરના લીલવા વઘારવા. 1/2 કપ દૂધ નાંખવું. કારણ કે દૂધ નાંખવાથી દાણા સુંવાળા થાય છે. બરાબર મિક્સ કરી ઢાંકી દેવું. ઢાંકણ ઉપર પાણી રાખવું. પાંચ મીનીટ પછી રતાળું – શક્કરિયાંના કટકા મૂકવા. પછી તેના ઉપર બટાકા-રીગણાના રવૈયા ગોઠવી, ટામેટાના કટકા મૂકવા. ખૂબ જ ધીમા તાપે ઢાંકણ ઢાંકીને શાક ચઢવા દેવું. પાપડી અને શાક બફાવા આવે એટલે ખાંડ અને મૂઠિયાં મૂકી દેવાં. થોડી વાર પછી રવૈયાં ભરી મૂકવા અને લીલો મસાલો જે વધ્યો હોય તે ભભરાવી દેવો. બરાબર સિઝાઈને તેલ નીકળે એટલે ઉતારી લેવું. તૈયાર છે સુરતી ઉંધિયું