કેળા-મેથીનું સ્વાદિષ્ટ શાક આ રીતે બનાવો ઘરે - Sandesh
  • Home
  • Food & Travel
  • કેળા-મેથીનું સ્વાદિષ્ટ શાક આ રીતે બનાવો ઘરે

કેળા-મેથીનું સ્વાદિષ્ટ શાક આ રીતે બનાવો ઘરે

 | 3:37 pm IST

આજે અમે તમારા માટે ગુજરાતની એક ખુબજ અલગ રીતની સ્વાદથી ભરપૂર વાનગી લઇને આવ્યા છીએ. હળવી કડવી મેથી અને મીઠા કેળાના કોમ્બીનેશનથી આ વાનગી બનાવવામાં આવી છે. તો કેળા અને મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતી સમુદાયના વૃદ્ધોને આ પ્રકારની વાનગી ખૂબ પસંદ આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કેળા અને મેથીનું શાક.. જે બનાવવામાં ખૂબ સહેલું અને સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી
2 કપ – પાકા કેળા (સમારેલા,છોલેલા)
6 કપ – મેથી (ઝીણી સમારેલી)
3 ચમચી – તેલ
1 ચમચી – રાઇ
3/4 ચમચી – હીંગ
1 ચપટી – બેકિંગ સોડા
3 ચમચી – આદુ-લીલા મરચાંની પેસ્ટ
3/4 ચમચી – હળદર
2 ચમચી – લાલ મરચું
1 ચમચી – ધાણાજીરૂ
2 ચમચી – ખાંડ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક નોન-સ્ટિક કઢાઇમાં તેલ ગરમ કરો અને રાઇ ઉમેરો. જ્યારે રાઇ ચટકે અને તેની સુગંધ આવે એટલે તેમા હીંગ અને મેથી ઉમેરીને મધ્યમ આંચ પર 2 મિનિટ રાખો. ત્યાર પછી તેમા બેકિંગ સોડા અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને ધીમી આંચ પર મેથીને નરમ થાય સુધી ચઢવા લો. હવે તેમા આદુ-મરચાની પેસ્ટ ઉમેરો. તે પછી તેમા હળદર, લાલ મરચું, ધાણા જીરૂ પાઉડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને હવે વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો. મધ્યમ આંચ પર 3-4 મિનિટ ચઢવા દો. હવે તેમા કેળા ઉમેરી હળવા હાથે હલાવો અને 2 મિનિટ રાખો. તૈયાર છે કેળા-મેથીનું ટેસ્ટી શાક. જેને તમે રોટલી સાથે ગરમા-ગરમ સર્વ કરો.