Food Recipe Paneer chilli
  • Home
  • Food & Lifestyle
  • આ રીતે બનાવો પનીર ચીલી, ખાવાવાળા આંગળીઓ ચાટતા રહી જશે

આ રીતે બનાવો પનીર ચીલી, ખાવાવાળા આંગળીઓ ચાટતા રહી જશે

 | 6:19 pm IST
  • Share

પનીરમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. પછી ભલે તે લગ્ન હોય, ઘરે મિત્રોનું ગેટ-ટુ-ગેધર હોય, પનીરની એક અથવા બીજી વાનગી હંમેશા તમારા મેનુમાં કોઈ પણ વિચાર કર્યા વગર હોય છે. આજે જાણી લો પનીરની એક મજેદાર વાનગીની રેસીપી – પનીર ચીલી. આ વાનગી ઘરે બનાવો અને તમારા પરિવારના સભ્યોને પ્રેમથી પીરસો. જો તમે આ રીતે પનીર ચીલી બનાવશો તો ખાનારા આંગળીઓ ચાટતા રહી જશે.

તૈયારીનો સમય : 10 મિનિટ. બનાવવાનો સમયઃ 10 મિનિટ. 4 વ્યક્તિ માટે.

સામગ્રી

  • 2 કપ તાજા પનીરના ચોરસ ટુકડા
  • 2 ટેબલસ્પૂન મેંદો
  • 4 ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • મીઠું, સ્વાદાનુસાર
  • તેલ, તળવા માટે
  • 2 ટેબલસ્પૂન તેલ, રાંધવા માટે 
  • 2 લીલાં મરચાં, લાંબી ચીરી પાડેલાં
  • 1 ટેબલસ્પૂન ખમણેલું આદું
  • 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
  • 1/2 કપ પાતળી સ્લાઇસ કરેલો લીલા કાંદાનો સફેદ ભાગ
  • 1 ટીસ્પૂન સોયા સોસ
  • 1 ટેબલસ્પૂન ચિલી સોસ
  • થોડાં ટીપાં વિનેગર

સજાવવા માટે

  • 1/4 કપ ઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ

રીત

એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું અને 1/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.

પછી તેમાં પનીરના ટુકડા મેળવી હલકા હાથે પનીર પર મિશ્રણનું પડ તૈયાર થઇ જાય ત્યાં સુધી મિક્સ કરી લો.

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના થોડાથોડા ટુકડા મેળવી, તે દરેક બાજુએથી હલકા બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી બાજુ પર રાખો. 

બીજા એક પહોળા નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલાં મરચાં મેળવી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સાંતળી લો.

પછી તેમાં આદું અને લસણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.

તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ ઉમેરીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો.

પછી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

પછી તેમા ફ્રાય કરેલા પનીરના ટુકડા, સોયા સોસ, ચિલી સોસ અને વિનેગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1થી 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.

લીલા કાંદાના લીલા ભાગ વડે સજાવીને તરત જ પીરસો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો