ખોરાકને સુરક્ષિત રાખવા કરો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ખોરાકને સુરક્ષિત રાખવા કરો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ

ખોરાકને સુરક્ષિત રાખવા કરો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ

 | 12:54 am IST

સ્વસ્થ રહેવા માટે સ્વચ્છ, સુરક્ષિત અને પૌષ્ટિક આહાર લેવો જોઇએ. અત્યારે લોકોનું જીવન ભાગદોડવાળું બની ગયું છે. ઘરની મહિલા પોતાના પતિને ઓફિસના ટિફિનમાં, બાળકોને લંચબોક્સ પેક કરીને પૌષ્ટિક ખોરાક આપતી હોય છે, તથા જો પોતે પણ નોકરી કરતી હોય તો તે પણ સવારે વહેલા બનાવેલો ખોરાક બપોરે જમતી હોય છે. તો સવારે વહેલા બનાવેલા ખોરાકમાં ઘણીવાર વરાળના કારણે પાણી વળતું હોય છે, ક્યારેક ગરમીના કારણે ખોરાક બગડી પણ જતો હોય છે. તો આવી સ્થિતિમાં ખોરાકને બેક્ટેરિયા મુક્ત રાખવા માટે એલ્યુમિનિયમ ફોઇલ બેસ્ટ ઓપ્શન છે.

લાંબા સમય સુધી ખોરાકને સુરક્ષિત રાખવામાં મદદરૂપ

ગરમ ખોરાકને પેક કરવામાં આવે તો ખોરાક હોવાના કારણે પાણી વળતું હોય છે, જેને આપણે વરાળ જામી એમ પણ કહીએ છીએ. ગરમ ખોરાકમાં વરાળ જામવાથી ખોરાક પણ ભીનો થઇ જાય છે. તેથી જ્યારે વ્યક્તિ ટિફિન ખોલે ત્યારે તે ખોરાક ખાવાલાયક રહેતો નથી. તેથી ખોરાકને લાંબા સમય સુધી ગરમ રાખવા તથા સુરક્ષિત રાખવા માટે સિલ્વર ફોઇલનો ઉપયોગ કરી શકો છો.

વરાળ અને ગરમીથી ખોરાકનું રક્ષણ કરે છે

મોટાભાગે ખોરાક બગડી જવાનું કારણ વાતાવરણમાં રહેલી ગરમી છે. તેથી જો સિલ્વર ફોઇલનો ઉપયોગ કરવામાં આવે તો તે ખોરાકને ગરમી સામે રક્ષણ કરે છે. સિલ્વર ફોઇલના મટીરિયલમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેને એલ્યુમિનિયમ ફોઇલ પણ કહેવામાં આવે છે. એલ્યુમિનિયમના કારણે ગરમીથી તથા ગરમ ખોરાકમાં થતી વરાળથી પણ ખોરાકનું રક્ષણ કરે છે.

પેક કરવું વધારે સરળ

એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક પેક કરવામાં આવે, તો તે ખોરાક બગડતો નથી, તેના કારણે રેસ્ટોરન્ટ્સમાં આ ફોઇલમાં જમવાનું પેક કરવામાં આવે છે. ઘરે બનાવેલી રસોઇને પણ એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરીને તમે ઓફિસ લઇ જઇ શકો છો. રોટલી પરોઠા પેક કરવા માટે ફોઇલને લાંબુ કરો, તેમાં રોટલી પરોઠા મૂકીને તેની ગોળ ગોળ રિંગની જેમ વીંટો, ત્યાર બાદ ફોઇલને દબાવશો તો રોટલી, પરોઠા પેક થઇ જશે. શાક પેક કરવા માટે ડબ્બામાં શાક ભરીને તેની પર સિલ્વર ફોઇલ લગાવીને ઢાંકણ બંધ કરો.

આ ઉપરાંત સિલ્વર કંટેનર પણ બજારમાં મળતા હોય છે, જે ડિસપોઝેબલ હોય છે. એક વખત ઉપયોગ કરીને ફેંકી શકો છો. આ એલ્યુમિનિયમ કંટેનરનો ઉપયોગ તમે ટ્રાવેલિંગમાં કરી શકો છો, સાથે ક્યારેક કોઇ ગેસ્ટને તમારે જમવાનું આપવું હોય તો પણ તમે કંટેનરમાં પેક કરી શકો છો.

બેક્ટેરિયાથી ખોરાક સુરક્ષિત

ફક્ત ગરમીના કે વરાળના કારણે જ ખોરાક બગડે છે, પરંતુ તેની સાથે ખોરાક લાંબા સમય સુધી સાધારણ પેકિંગમાં પેક કરેલા ખોરાકમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઇ શકે છે. એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાક પેક કરવામાં આવે તો તેનાથી હાનિકારક બેક્ટેરિયા ખાદ્ય-પદાર્થોને સ્પર્શ કરી શક્તા નથી. તેથી ખોરાક સુરક્ષિત રહે છે.