દારૂબંધીની નિષ્ફળતા માટે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દારૂબંધીની નિષ્ફળતા માટે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ

દારૂબંધીની નિષ્ફળતા માટે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ

 | 4:57 am IST

ઘટના અને ઘટન  :- મણિલાલ એમ. પટેલ

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ રાજકીય પક્ષોને અનેક પ્રજાકીય પ્રશ્નોની યાદ આવશે, કેમ કે આવા પ્રશ્નો તેમને માટે મતબેન્કનો મુદ્દો હોય છે. તેમને તેના નિકાલ, નિરાકરણ કે અમલીકરણમાં કોઈ રસ હોતો નથી. જો તેમને સમસ્યાનાં સમાધાનમાં રસ હોય તો ચૂંટણી સિવાયના સમયે પ્રજાનાં વ્યાપક હિતમાં સર્વસંમતિથી આવા પ્રશ્નો ઉકેલવા જોઈએ પણ કોઈ પક્ષ સત્તામાં આવે યા કોઈ વિપક્ષમાં આવે પ્રજા બિચારીનાં નસીબમાં તેની રોજબરોજની નાની-કનડતી સમસ્યાઓનો ઉકેલ આવે તેવા અચ્છા દિન જોવાનું ક્યારે આવશે તે સૌને મૂંઝવતો પ્રશ્ન છે. આપણી લોકશાહી લોકો માટે નહીં પણ રાજકીય પક્ષોની સત્તા માટે હોય તેવી સ્થિતિ સર્જાતી જાય છે.

હમણાંથી અનામતનો પ્રશ્ન પાછો આરંભાયો છે. અનામતમાં ‘મત’ શબ્દ જ જાણે હવે રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું જાય છે. એવી જ રીતે પુનઃ દારૂબંધીનો પ્રશ્ન પણ ચર્ચાના ચકડોળે ચડયો છે. આ બધા પ્રજાકીય પ્રશ્નો ને સમાજની સમસ્યાઓ ચૂંટણી પહેલાં હોય જ છે પણ ઉકેલ માટે કશા ગંભીર પ્રયાસો થતા નથી. ચૂંટણી સુધી આવાં લાકડાં સળગતાં રખાય છે, કેમ કે તેની રાખમાં પણ રાજકીય પક્ષોને ‘મત’ની ખુશ્બો આવતી હોય છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ કોથળામાંથી અનેક નિત્ય નવાં બિલાડાં નીકળતાં જશે.

દારૂબંધી માટે ગુજરાત દેશમાં નમૂનેદાર રાજ્ય છે પણ એ માત્ર કહેવા પૂરતું કાગળ પર છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેવું આપણે બહાર ગૌરવથી કહીએ પણ દારૂબંધી કેવી સદંતર નિષ્ફળ ગઈ છે તે તો માત્ર ગુજરાતીઓ જ જાણે છે. ક્યાં દારૂ ગળાય છે, ક્યાં વેચાય છે, ક્યાં પીવાય છે તે પોલીસ અને મીડિયા સૌ-અરે સામાન્ય માણસો પણ જાણે છે, આમ છતાં જાહેર હોબાળો થાય ત્યારે બે-ત્રણ દિવસ પોલીસ અડ્ડાવાળાને કહી દે કે બંધ કરી દેજો, આથી બંનેનું કામ થઈ જાય છે. ગાંધીજીએ ગ્રામોદ્યોગની કલ્પના કરેલી પણ આજે ગામેગામ દારૂનો ગ્રામોદ્યોગ વિકસ્યો છે. જે ગાળનાર ને અમલ કરનાર બંને માટે રોજી ને કમાણી નવું સાધન બન્યો છે.

ગુજરાતમાં કેમ દારૂબંધી સફળ થતી નથી તે પણ સૌ જાણે છે, કેમ કે દારૂબંધી શરૂ થયા પછી ભાગ્યે જ કોઈ એવો થોડો સદનસીબ સમય આવ્યો હશે કે પ્રજાને તેનો કડક અમલ જોવા મળ્યો હોય, જ્યારે જ્યારે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દારૂબંધીના અમલ માટે ભૂતકાળમાં હતી ત્યારે તેનો સારો અમલ પણ થયો હતો. ગુજરાતમાં બાબુભાઈ જ. પટેલનાં શાસનમાં દારૂબંધીનો ખૂબ સારો અમલ હતો, ત્યાર બાદ કોમી તોફાનોમાં હંમેશાં દારૂના અડ્ડાવાળાનો રાજકીય ઉપયોગ થતો હતો. તે ડામવા અમરસિંહ ચૌધરીનાં શાસન સમયે પણ દારૂબંધીનો અમલ પ્રમાણમાં ઘણો સારો હતો. કેશુભાઈ પટેલના પ્રથમ ચાર માસનાં શાસનમાં દારૂનો એક પણ અડ્ડો ચાલતો ન હતો. આમ જ્યારે જ્યારે અમલ માટે રાજકીય ઇચ્છાશક્તિ મજબૂત અને પ્રબળ હતી ત્યારે દારૂબંધીનો સારો અમલ ટૂંકા સમય માટે પણ થતો જોવા મળ્યો છે. મૂળ વાત એ છે કે, જો દારૂ મળતો, ગળાતો કે વેચાતો જ બંધ થાય તો લોકો ક્યાંથી પીશે? આ તો છૂટથી જાહેરમાં શહેરથી માંડીને ગામડાં સુધી મળે છે એટલે પીનારનું પ્રમાણ પણ દિન-પ્રતિદિન વધતું જાય છે. જે જ્ઞાતિઓમાં દારૂ પીવો એ આબરૂ ખોવા જેવું ગણાતું ત્યાં હવે વધુ પીવાવા લાગ્યો છે, ત્યાં હવે પીવો એ પ્રતિષ્ઠાનો મુદ્દો ગણાય છે. એક જમાનામાં પીનારને કોઈ લગ્ન માટે કન્યા પણ આપતું નહીં. આજે પીનાર પરણ્યા પછી પત્નીઓને ઢીંચીને ઢીબી નાખતા જોવા મળે છે. એક જમાનામાં રાજકારણમાં પણ પીનારા જૂજ હતા, આજે નહીં પીનારા જૂજ છે. આજે દારૂના ધંધામાં પણ ક્યાંક નેતાઓનાં નામ સંભળાય છે.

દારૂબંધીના અમલ માટે સરકારની અમલની ઇચ્છાશક્તિની સાથે સાથે પ્રજાકીય જાગ્રતિનો મુદ્દો પણ એટલો જ મહત્ત્વનો છે, જો કોઈ દારૂ પીવે જ નહીં તો દારૂ ગાળવા કે પીવાની પ્રવૃત્તિ ચાલી જ કેવી રીતે શકશે? લોકોની માગ છે માટે તેનું ઉત્પાદન અને વેચાણ થાય છે. આપણે ત્યાં બરાબર અમલ ન થાય ત્યારે તેને દૂર કરવાની કે કાયદેસર કરવાની વાતો શરૂ થાય છે. ગાંધીજી માટે દારૂબંધી પ્રજાકીય કેળવણીનો મુદ્દો હતો. દુર્ભાગ્યે મત મેળવવા ચૂંટણીમાં હજુયે દારૂબંધી હોવા છતાં વત્તા-ઓછા પ્રમાણમાં ઉમેદવારો છૂટથી મતદારોને દારૂ પિવડાવે છે પછી સત્તામાં આવે ત્યારે કેવો અમલ કરાવી શકે? પહેલાં તો દારૂ પીનારને ટિકિટ આપવા માટે પણ ધ્યાન રાખવામાં આવતું હતું. આજે નહીં પીનારા નેતાઓ કાંકરામાંથી થોડા ઘઉં વીણી લેવા જેવી વાત છે.

હવે તો દારૂમાં પણ પ્રગતિ થઈ છે. મહિલા બુટલેગરોની સંખ્યા વધી છે, કેમ કે બહેનો સલામતીપૂર્વક સારી રીતે ધંધો કરી શકે. વચ્ચે એક મહિલા પોલીસઅધિકારીએ જેમને રોજીની જરૂર હોય અને રોજી માટે દારૂનો ધંધો કરતી હોય તેવી મહિલા બુટલેગરોને વૈકલ્પિક રોજી આપવાનું અભિયાન શરૂ કર્યું હતું. તે એક પ્રેરણાદાયી કાર્ય હતું. દારૂબંધી માટે પ્રતિબદ્ધ હોય તેવા કડક અમલદારને અમલનું કામ સોંપાતું નથી. પહેલાં પોલીસમાં દારૂબંધીનો અલગ વિભાગ હતો તે ઘણા સમય પહેલાં બંધ કરીને પોલીસને તે કામ સોંપાયું. બહુ હોબાળો થાય એટલે અડ્ડાઓ પર દરોડા પડે પણ કોઈ બુટલેગરને પકડીને દાખલારૂપ સજા થઈ હોય તેવું ભાગ્યે જ બને છે અને બે-ત્રણ દિવસ બાદ બધું રાબેતા મુજબ ચાલુ થઈ જાય છે. પીનારને તો ગંભીરતાથી લેવાતો જ નથી એટલે કોઈ ડર રહ્યો નથી. આજે તો કમનસીબે એવો સમય આવ્યો છે કે દારૂના અડ્ડાવાળા રેડ કરવા જનાર પર પોલીસફરિયાદો નોંધાવતા થઈ ગયા છે!

ગાંધીજી માટે દારૂબંધી જનહિતનો વ્યાપક રચનાત્મક કાર્યક્રમ હતો. ૧૯૨૧માં આઝાદી પહેલાં ભારતના પૂર્વ કાર્યકારી વડા પ્રધાન ગુલઝારીલાલ નંદાએ અમદાવાદમાં અંગ્રેજ શાસનમાં દારૂનાં પીઠાઓ પર વ્યાપક પિકેટિંગ કર્યું હતું, તો મોરારજી દેસાઈની એવી દારૂબંધી પ્રત્યેની પ્રતિબદ્ધતા હતી કે તેમની હયાતીમાં કોઈ દારૂબંધી ઉઠાવવાની કે હળવી કરવાની હિંમત પણ કરતું નહોતું. દારૂબંધી સૌથી વધુ ફાયદાકારક બહેનો માટે છે. અનેક રાજ્યોમાં બહેનોએ આંદોલનો કર્યાં છે. બિહારમાં બહેનોના આગ્રહથી જ દારૂબંધી દાખલ થઈ છે. ગુજરાતનાં ઘણાં ગામોમાં સ્વૈચ્છિક દારૂબંધી પીવા ને ગાળવા પર કડક રીતે અમલી છે.

દ્યોગિક વિકાસ અને આરોગ્યનાં નામે દારૂનું ચલણ વધ્યું છે. ગુજરાતનો દ્યોગિક વિકાસ ગુજરાતની દારૂબંધીને આભારી છે. અહીં શ્રમિકોની સ્થિતિ, શિક્ષણ અને આરોગ્યમાં પરિવર્તન જોવા મળે છે. જાણીતા ઉદ્યોગપતિએ એક વાર કહેલું કે ઉદ્યોગપતિઓ ગુજરાતમાં દારૂ પીવા નહીં પણ ઉદ્યોગો સ્થાપવા આવે છે અને તે પણ ગુજરાતની દ્યોગિક શાંતિને કારણે, પીવા માટે દારૂ તો ગુજરાત બહાર ઘણો મળે છે.

ગુજરાતમાં કરોડોનો દારૂ પકડાય છે તો નહીં પકડાતો હોય અને પીવાતો હશે તે આંકડો કેટલો બધો મોટો હશે.

દારૂબંધીના સફળ અમલ માટે સરકારની પ્રચંડ પ્રતિબદ્ધતા ને રાજકીય ઇચ્છાશક્તિ તથા વ્યાપક સામાજિક જાગ્રતિ અભિયાનની જરૂર છે. દારૂબંધી બાદ ગુજરાતમાં પ્રજાકીય જાગ્રતિ માટે નશાબંધીમંડળ નામની સ્વૈચ્છિક સંસ્થા પણ સરકારી સહાયથી શરૂ કરાઈ હતી જેમાં અનેક ગાંધીવાદી પુરુષોએ આજીવન કાર્ય કર્યું. શોખ ખાતર ભણેલી કે શહેરી પ્રજા પીવે છે પણ ગામડાંનો ગરીબ તો દુઃખનો ગમ ભૂલવા પીવે છે. મૂળ વાત એ છે કે જો પીનાર જ નહીં હોય અને પીનાર હશે તો પણ મળતો જ નહીં હોય તો લોકો ક્યાંથી પીશે? રાજ્યમાં બનતો કે બહારથી આવતો દારૂ અટકાવવાની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિની અત્યંત આવશ્યકતા છે, તેના અભાવે જ ૧૯૬૦થી દારૂબંધી હોવા છતાં જોઈએ તેવો અમલ થયો નથી, થતો નથી. રાજકીય લાભાલાભ માટેના કામચલાઉ કાર્યક્રમથી કે અમલના સરકારી દેખાડાથી પ્રજાનો કશો શુકરવાર વળવાનો નથી.