લડાકુ મમતા બેનરજી માટે હારનું કોઈ મહત્ત્વ નથી - Sandesh
  • Home
  • Columnist
  • લડાકુ મમતા બેનરજી માટે હારનું કોઈ મહત્ત્વ નથી

લડાકુ મમતા બેનરજી માટે હારનું કોઈ મહત્ત્વ નથી

 | 2:44 am IST

રાજકીય લેખાંજોખાં : વિનોદ પટેલ

૨૦૦૪માં તૃણમૂલ કોંગ્રેસ ભાજપનો સાથીપક્ષ હતો. એ સમયે તૃણમૂલ કોંગ્રેસની એટલી કરારી હાર થઈ હતી કે તેમાં મમતા બેનરજી માત્ર તેમની કોલકાતા સાઉથની બેઠક જ જાળવી શકેલાં. મમતા બેનરજીને સંસદમાં કનડવામાં માર્કસવાદીઓએ કશું બાકી રાખ્યું નહોતું. એ સમયે ભાજપે અનેકવાર મમતા બેનરજીને વિકટ પરિસ્થતિમાંથી ઉગાર્યા હતા. ૨૦૦૬માં મમતા બેનરજીએ કોંગ્રેસ સાથે જોડાણ કરીને વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી, પરંતુ આ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તેમની ભયંકર હાર થઈ હતી.

મુદ્દો એ છે કે મમતા બેનરજી માટે ચૂંટણીઓમાં હાર એ કોઈ નવાઈની વાત નથી. જો કે ૨૦૦૯ પછી મમતા બેનરજીના દિવસો ફર્યા અને તેમને લોકસભા ઉપરાંત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જ્વલંત સફળતા મળી. એક સમયે સામ્યવાદીઓ અને માર્કસવાદીઓના ગઢ મનાતા પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ પુરવાર કર્યું કે કોઈ અવિજેય નથી. તમે મહેનત કરો તો ભલભલા મહારથીઓને હરાવી શકો, પરંતુ હવે મુસીબત એ થઈ છે કે મમતા બેનરજીએ કોમ્યુનિસ્ટો સામે જે વ્યૂહ અપનાવ્યો હતો તે જ વ્યૂહ અમિત શાહે મમતા બેનરજી સામે અપનાવ્યો છે. મૂળમાં મમતા બેનરજીને તેમનો જીતનો અશ્વમેઘ યજ્ઞા ભાજપ દ્વારા અટકાવવામાં આવ્યો તે રુચ્યું નથી.

૨૦૧૯ની સામાન્ય ચૂંટણી મમતા બેનરજી માટે મહત્ત્વની એટલા માટે હતી તે તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે સુવર્ણ તક હતી જે વેડફાઈ ગઈ છે. મમતા બેનરજીને આશા હતી કે લોકસભાની ૪૦ બેઠકો જો તેમને મળે અને રાષ્ટ્રીય સ્તરે વિરોધપક્ષો જીતે તો તેમને વડાં પ્રધાન બનતાં કોઈ અટકાવી શકશે નહીં, પરંતુ મતદારો ભેદી માયા છે. પશ્ચિમ બંગાળના અનુભવી નેતાઓ આ બાબત સારી રીતે જાણે છે. ૧૯૯૬માં જ્યોતિ બસુ અને ૨૦૦૪માં પ્રણવ મુખરજી વડા પ્રધાન બનતાં બનતાં રહી ગયા હતા. આ બંને પીઢ નેતાઓની સરખામણીમાં મમતા બેનરજીનો કોઈ ક્લાસ નથી, પરંતુ રાજકારણ એ અશક્યને શક્ય કરી બતાવવાની રમત છે. મતદારોએ અન્ય વડા પ્રધાનપદના દાવેદારોને પણ ભાવ આપ્યો નહોતો. ૧૯૮૯માં રામકૃષ્ણ હેગડે અને એન.ટી. રામારાવ પણ મતદારોનો મિજાજ પારખવામાં માત ખાઈ ગયા હતા. તો ૨૦૦૯માં માયાવતીને પણ મતદારોએ તેમની જગ્યા બતાવી દીધી હતી. મમતા બેનરજીએ ૧૯ જાન્યુઆરીએ કોલકાતામાં વિરાટ મહાગઠબંધનની રેલી યોજી વિજયઘોષણા જ કરવાની બાકી રાખી હતી. પરંતુ મતદારોએ ભાજપને ૪૨માંથી ૧૮ બેઠક આપી તેમનો મિજાજ બતાવી દીધો. મમતાને પોતાના જ રાજ્યમાં ૪૨માંથી માત્ર ૨૨ બેઠક મળતાં જ તેમનાં સ્વપ્ના ચકનાચૂર થઈ ગયા હતા.

મમતા બેનરજી માટે આ હાર પચાવવી કઠણ છે. તેઓ રાજકારણના અખાડામાં એક મંજાયેલાં ખેલાડી છે. તેમણે હાર થઈ તે પછી જે પ્રદેશોમાં ભાજપને ટેકો મળ્યો છે ત્યાં વાતાવરણ મુશ્કેલ બનાવી દીધું છે. એક અટકળ એવી પણ થઈ રહી છે કે મમતા બેનરજી હવે ગૃહપ્રધાન બનેલા અમિત શાહને ઉશ્કેરવા માટે આ હિંસાનો દોર ચલાવી રહ્યા છે. જો અમિત શાહ ઉશ્કેરાઈને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિશાસન લાદે તો મમતા બેનરજીને શહીદ બનવાનો મોકો મળે. તેઓ આમ કરીને તેમને કેન્દ્ર સરકાર દબાવી રહી છે એમ બતાવી ફરી એકવાર બંગાળીઓને પટાવી ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાનું વર્ચસ ફરી સ્થાપવા માગે છે.

પરંતુ મુશ્કેલી એ છે કે અમિત શાહ જેવા ચતુર વ્યૂહરચનાકાર તેમની જાળમાં એમ સહેલાઈથી ફસાઈ જાય તેમ નથી. ભાજપે હાલ તો મમતાના હિંસાચાર સામે ભોગ બનેલી પાર્ટીની ભૂમિકા અપનાવી છે. આમ સહાનુભૂતિ રળીને ભાજપ મમતા બેનરજીને તેમની જ રાજરમતમાં માત કરવા માગે છે. બીજી તરફ મમતા બેનરજી હવે લોકસભાની ચૂંટણીમાં હાર થયા બાદ તેમના પક્ષમાં શિસ્તનો ચાબુક ચલાવવાની સ્થિતિમાં રહ્યા નથી. તેમને વાજબી રીતે જ ડર છે કે

અમિત શાહ તેમના પક્ષ ટીએમસી, કોંગ્રેસ અને માર્કસવાદીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પટાવી ભાજપ ભેગા કરી લેશે. મમતા બેનરજીને ડર છે કે જો તેઓ હાલ પક્ષમાં આકરાં પગલાં લે તો તેમનો પક્ષ છોડવા માટે તૈયાર તત્ત્વોને મોકળું મેદાન મળી જાય અને ભાજપના અમિત શાહ તેનો લાભ ઉઠાવવાનું ચૂકે તેમ નથી. આમ હાલ તો મમતા બેનરજીએ હળવે હલેસે કામ લેવાનું નક્કી કર્યું છે.

અમિત શાહે દેશમાં ભાજપના વિકાસ માટે જે રીતે કામ કર્યું છે તે જોતાં તેમને મમતા બેનરજીને માત આપવામાં મોટી મુશ્કેલી પડે તેમ નથી. પરંતુ મમતા બેનરજી એક પીઢ અનુભવી રાજકારણી છે. તેમણે સતત કેન્દ્ર સરકારના નિર્ણયોનો વિરોધ કર્યો છે. તેમણે નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરી દર્શાવ્યું છે કે અગાઉનું આયોજન પંચ બહેતર હતું. હવે ભાજપે પણ તેમના આ પ્રખર વિરોધી નેતાને ધ્યાનમાં રાખી રાજકારણના ખેલ કરવા પડશે.

હાલ પશ્ચિમ બંગાળ ફરી એકવાર ત્રિભેટે આવીને ઊભું રહ્યું છે. એક સમયે સામ્યવાદીઓને સતત ટેકો આપી આખા દેશમાં નોખો ચીલો ચાતરનાર બંગાળીઓને જ્યારે સમજાયું કે સામ્યવાદીઓની વિચારધારાનો હવે વ્યહવારમાં કોઈ અર્થ રહ્યો નથી ત્યારે તેમણે સામ્યવાદીઓને તડકે મૂકી મમતા બેનરજીને સત્તા સોંપી હતી. પરંતુ હવે મમતા બેનરજીનો વિકલ્પ ભાજપ બની રહ્યો છે ત્યારે જો ભાજપ બંગાળીઓ માટે વિકાસદૂત બની રહેશે તો બંગાળીઓ ભાજપને આવકારતાં અચકાશે નહીં. આખરે તો આ જ મમતા બેનરજીએ તાતાના નેનો પ્લાન્ટનો વિરોધ કર્યો હતો. જેને પરિણામે નેનો પ્રોજેક્ટને તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન મોદી હાઇજેક કરી ગયા હતા. મમતા બેનરજીએ કરેલી આ એક મોટી વ્યૂહાત્મક ભૂલ હતી. આ ઘટનાને કારણે એવો મેસેજ ગયો કે બંગાળમાં માત્ર શાસન બદલાયું છે પણ માનસિકતા તો એની એ જ છે. હવે મમતા જો ભૂલ કરશે તો બંગાળીઓ તેમને કદી માફ નહીં કરે. જો આમ થશે તો સામ્યવાદીઓને એકલે હાથે ભારે પડનારા મમતા દીદી ભાજપના હસ્તે ઇતિહાસનાં પન્નાઓમાં ધરબાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન