ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં અશક્ય લાગતો રેકોર્ડ નોંધાયો, જાણી તમને પણ થશે આશ્ચર્ય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં અશક્ય લાગતો રેકોર્ડ નોંધાયો, જાણી તમને પણ થશે આશ્ચર્ય

ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં અશક્ય લાગતો રેકોર્ડ નોંધાયો, જાણી તમને પણ થશે આશ્ચર્ય

 | 6:46 pm IST

ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે ત્યારે ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં અશક્ય લાગતો રેકોર્ડ નોંધાયો છે. ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી ફોર્ડ ટ્રોફી ટૂર્નામેન્ટમાં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટના જો કાર્ટર અને બ્રેટ હેમ્પટને લિસ્ટ એ મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતાં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના વિલેમ લુડિકની એક ઓવરમાં ૪૩ રન ઝૂડયા હતા. આ જોડીએ બાંગ્લાદેશના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અલાઉદ્દીન બાબુ દ્વારા એક ઓવરમાં ૩૯ રન આપવાના રેકોર્ડને તોડયો હતો. અલાઉદ્દીને ૨૦૧૩માં ઢાકા પ્રીમિયર લીગની મેચમાં ૩૯ રન આપ્યા હતા. ચિગુમ્બુરાએ અલાઉદ્દીનની ઓવરમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. અલાઉદ્દીને એક નો બોલ નાખતાં આ ઓવરમાં સાત બોલ નખાયા હતા.

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સામેની મેચમાં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટના હેમ્પટને લુડીકની ઓવરના પ્રથમ બે બોલમાં બે છગ્ગા લગાવ્યા હતા જે પૈકી એક બોલ ઊંચો હોવાથી નો બોલ અપાયો હતો. તે પછીના બોલે તેણે ત્રીજો છગ્ગો ફટકાર્યા બાદ ત્રીજા બોલે એક રન લઈ કાર્ટરને સ્ટ્રાઇક આપી હતી. પોતાની પાંચમી લિસ્ટ એ મેચ રમી રહેલા કાર્ટરે બાકીના ત્રણેય બોલે છગ્ગા ફટકારી ૪૩ રન લીધા હતા. વિલેમ લુડિકની આ આવર પહેલાં બોલિંગ ફિગર ૯-૦-૪૨-૧ હતા પરંતુ આ ઓવરમાં ૪૩ રન આવતાં તેની બોલિંગ ફિગર ૧૦-૦-૮૫-૧ થઈ ગઈ હતી.

આ મેચમાં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ટીમે ૯૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી આ જોડીએ છઠ્ઠી વિકેટ માટે ૧૭૮ રન જોડયા હતા. હેમ્ટન લિસ્ટ એમાં પોતાની પ્રથમ સદી ફટકારવાનું ચૂક્યો હતો જ્યારે કાર્ટરે સદી નોંધાવી હતી. નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટનો છઠ્ઠી વિકેટ માટે શ્રેષ્ઠ ભાગીદારીનો પણ રેકોર્ડ હતો. આ પહેલાં ટીમ તરફથી બીજે વોટલિંગ અને પીટર મેક્ગ્લેશને ૧૫૦ રનની ભાગીદારી નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન