Foreign Minister Of Pakistan Talking About China-Pakistan Relation
  • Home
  • Featured
  • જિનપિંગ ભારત આવે તે પહેલા જ પાક.નું મોટું નિવેદન, ચીન સાથેનાં સંબંધો પર બોલ્યા કુરૈશી

જિનપિંગ ભારત આવે તે પહેલા જ પાક.નું મોટું નિવેદન, ચીન સાથેનાં સંબંધો પર બોલ્યા કુરૈશી

 | 3:54 pm IST

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન કાશ્મીરનાં મુદ્દા પર સમર્થન મેળવવા માટે ચીનનાં પ્રવાસે છે. બીજી તરફ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે ભારત આવી રહ્યા છે. મંગળવારનાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી છે. પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી કાર્યાલયે પ્રેસ રીલીઝ કરીને કહ્યું કે, ઇમરાન ખાને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને કાશ્મીર મુદ્દા પર વલણ સ્પષ્ટ કરવાને લઇને આભાર માન્યો છે.

પાકિસ્તાને ચીનનો માન્યો આભાર

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર પર ચીનનાં વિદેશ મંત્રી વાંગ યીનાં મજબૂતીથી પક્ષ રાખવાને લઇને આભાર માન્યો. જો કે ઇમરાન ખાનની શી જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન ચીન તરફથી કાશ્મીર મુદ્દે હજુ સુધી કોઈ આક્રમક નિવેદન આવ્યું નથી. પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાને કહ્યું કે, “ચીને દરેક મુશ્કેલ સમયમાં પાકિસ્તાનની મદદ કરી છે અને તેઓ ચીનની આર્થિક મદદને ક્યારેય નહીં ભૂલે.”

કાશ્મીર પર રણનીતિથી પાક-ચીન આગળ વધી રહ્યા છે

આ દરમિયાન પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીથી જ્યારે મંગળવારનાં કાશ્મીર પર પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે, “પાકિસ્તાન-ચીન કલમ 370 હટ્યા બાદથી કાશ્મીર મુદ્દા પર પારસ્પરિક રણનીતિથી આગળ વધી રહ્યા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇમરાન ખાને મુદ્દો ઉઠાવ્યો તો ચીનનાં સ્ટેટ કાઉન્સિલે પણ પોતાના નિવેદનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરીને ચિંતા વ્યક્ત કરી હતી.”

દરેક પગલું ભરતા પહેલા એક-બીજાને વિશ્વાસમાં લઇએ છીએ

કુરૈશીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં 11-12 ઑક્ટોબરનાં થનારા ભારત પ્રવાસને લઇને પણ ટિપ્પણી કરી છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે, “આ તેમની અને અમારી જ ઇચ્છા હતી કે મુલાકાત પહેલા એક-બીજાને વિશ્વાસમાં લેવામાં આવે. શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂર્ણ થયા બાદ ચીની નેતૃત્વ પાકિસ્તાનને સંપૂર્ણ જાણકારી આપશે. અમારા સંબંધનું સ્વરૂપ એવું છે કે અમે દરેક પગલું ભરતા પહેલા એક-બીજાને વિશ્વાસમાં લઇએ છીએ.”

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં દારૂ નહીં મળતો હોય તો રાજનીતિ છોડી દઈશ ગેહલોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન