સુરત : બિલ્ડિંગ અચાનક એક તરફ નમી જતા, રહેનારાઓના જીવ અદ્ધર થયા - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત : બિલ્ડિંગ અચાનક એક તરફ નમી જતા, રહેનારાઓના જીવ અદ્ધર થયા

સુરત : બિલ્ડિંગ અચાનક એક તરફ નમી જતા, રહેનારાઓના જીવ અદ્ધર થયા

 | 8:02 pm IST

સલાબતપુરા પોલીસ સ્ટેશન પાછળ ઇદગાહ ગલીમાં આવેલી નૂરાની હાઉસ નામની ચાર માળની બિલ્ડિંગ આજરોજ અચાનક નમી પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઘંટીમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે બિલ્ડિંગ વાઈબ્રેટ થતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બિલ્ડિંગને લોખંડના મજબૂત ટેકા મરાયા બાદ લોકોએ પોતા-પોતાના ઘરોમાંથી ઘરવખરી સહિતનો સામાન કાઢી આખી બિલ્ડિંગ ખાલી કરી હતી.

બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે બપોરે ફાયર બ્રિગેડને સલાબતપુરા પોલીસ સ્ટેશન પાછળ ઇદગાહ ગલીમાં આવેલી નૂરાની હાઉસ નામની ચાર માળની બિલ્ડિંગ નમી ગઈ હોવાનો કોલ મળ્યો હતો. બનાવની જાણ થતા માનદરવાજા ફાયર સ્ટેશનના લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચાર માળની આ બિલ્ડિંગમાં એક માળ પર એક ફ્લેટ આવ્યો છે અને અહીં ચાર પરિવારના ૧૭ સભ્યો રહે છે. ફાયર ઓફિસર ક્રિષ્ણા મોઢએ જણાવ્યું હતું કે, આશરે ૩૦-૩૫ વર્ષ જૂની આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ઘંટી આવેલી છે. જેમાં રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે બિલ્ડિંગ વાઈબ્રેટ થઈ હતી. જેને પગલે ઘરોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. બપોરે ફાયર બ્રિગેડને જાણ થતા લાશ્કરો ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. બીજી બાજુ પાલિકાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારોએ બિલ્ડિંગ ખાલી કરાવવા સૂચના આપી હતી.

ગ્રાઉન્ડ ફ્લોર પરનો એક પિલર ખૂબ ખરાબ રીતે ડેમેજ થઈ ગયો. આ ઘટના બની હોવાનું અનુમાન છે. બિલ્ડિંગને લોખંડના મજબૂત ટેકા મરાયા બાદ લોકોએ પોતા-પોતાના ઘરોમાંથી ઘરવખરી સહિતનો સામાન કાઢી આખી બિલ્ડિંગ ખાલી કરી હતી. બિલ્ડિંગ ઉતારી લેવા નિર્ણય લેવાયો હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું. બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.