ખુશબૂદાર ઝટકા પીડા નથી આપતા - Sandesh

ખુશબૂદાર ઝટકા પીડા નથી આપતા

 | 1:21 am IST

વિશ્વવ્યાપી : નમન મુનશી

ટીવી-સિનેમામાં બતાવવામાં આવતી બીજી ટૂથપેસ્ટની જાહેરાતમાં પણ ખુશબૂની અસર હેઠળ છોકરી, છોકરાના મોઢામાંથી આવતી સુગંધ પર મોહિત થઇ જાય છે તો પરફ્યૂમની એડમાં ખુશબૂ આઠ-દસ દેખાવડી છોકરીઓ આકર્ષી લાવે છે. સુવાસ, સુગંધ, ખુશબૂ માટે અંગ્રેજીમાં શબ્દ છે ‘અરોમા’. મૂળે ગ્રીક, વાયા લેટિન એવો આ અંગ્રેજી શબ્દ આજકાલ ચા-કોફીથી માંડી કયામત તક અસર કરે છે.

અરોમાનો સીધો ગુજરાતી અર્થ તો સુવાસ કે સુગંધ. પણ સુગંધથી કંઈક વિશેષ, મીઠી સુગંધ કે દિલ- દિમાગના તાર ઝણઝણાવી મૂકે એવી ખુશબૂ, બહુ તીવ્ર નહીં. ગરમ કોફી કે ચામાંથી આવતી સુગંધ એટલે અરોમા.

કુદરતે દરેક પ્રાણીમાત્રમાં એક અરોમા-ગંધ (મેલ-ફિમેલ બંનેમાં અલગ), પ્રાકૃતિક સૌંદર્ય માટે તેમજ ઓપોઝિટ સેક્સની વ્યક્તિને આકર્ષવા પ્રદાન કરેલી છે પણ મનુષ્ય સ્વભાવ પ્રમાણે માણસે એમાંય સર્જન-વિસર્જન કરીને ઘણું પરિવર્તન લાવી દીધું છે.

ઇજિપ્તના લોકો આ માટે મુખ્યત્વે જવાબદાર છે. ઇજિપ્તવાસીઓ ધાર્મિક પ્રસંગોથી માંડી દફ્નાવવા સુધી સુગંધી પદાર્થનો ઉપયોગ કરતા જે આજે આખા વિશ્વને ઘેલું લગાડનાર મિલિયન, બિલિયન, ટ્રિલિયન ડોલરનો ઉદ્યોગ બની ગયો છે. ફૂલોના અર્કમાંથી બનતાં અત્તર મોંઘાં હોય છે, તેનો ઉપયોગ પણ અંશમાત્ર કરવાનો. રૂના નાના પૂમડામાં અત્તર લગાવી કાનમાં ખોસવાનું ચલણ આજેય પ્રચલિત છે પણ કુદરતી, કૃત્રિમ કે કાલ્પનિક ખુશબૂ ફ્લાવવામાં સ્પ્રેનો ફળો ખૂબ જ મોટો છે.

પરફ્યૂમ એ સુગંધિત આવશ્યક તેલ, સુગંધિત સંયોજનોનું મિશ્રણ છે, આધુનિક પરફ્યૂમરીની શરૂઆત ૧૯મી સદીના અંતમાં થઇ હતી. ટેક્નોલોજીને કારણે સુગંધ છાંટવા સાથે લોકોને મંત્રમુગ્ધ કરવાનું પણ આસાન થઇ ગયું છે. વ્યક્તિની કુદરતી ગંધ-દુર્ગંધ ઉત્તેજના (નેચરલ ઇન્સ્ટિન્ક્ટ) માટે મહત્ત્વનું તત્ત્વ હતું, જે આ બાહ્ય છંટકાવે ખતમ કરી નાખ્યું છે. આજે પરસેવો જે શરીરને અંદરથી સ્વસ્થ રાખવા જરૂરી છે તે દુર્ગંધમાં ખપાવાય છે. નર-નારીની આંતરિક ખુશબૂ, સામેની વ્યક્તિને આકર્ષવા પૂરતી હતી, પરંતુ હવે પહેલાં સુગંધિત સાબુથી નહાવ અને પછી ખૂબ બધું પરફ્યૂમ છાંટો જેથી તમે સામેવાળી કોઈપણ વ્યક્તિ પર તમારો પ્રભાવ પાડી શકો. આજે લેડિઝ કે જેન્ટ્સનો પરસેવો નોર્મલ નહીં એબ્નોર્મલ મનાય છે.

પરસેવાની ગંધ સૂગનું કારણ ન બનવું જોઈએ. આજે જાહેરાતોએ શરીરની અંદરથી આવતી ગંધને નાનમમાં ખપાવી દીધી છે જે વર્ષો પહેલાં સહજ સ્વીકાર્ય હતી. આજે કોઈ ગરીબ વ્યક્તિ કે લારી ખેંચનાર બાજુમાં આવીને ઊભો રહે તો લોકો આઘાપાછા થઇ જાય, નાક પર રૂમાલ મૂકે.

આરોગ્ય અને પર્યાવરણ મુદ્દાઓ પણ ચર્ચામાં રહે જ છે. કુદરતી કે કૃત્રિમ બંને પરફ્યૂમ તેની અંદર વપરાતા પદાર્થોને લીધે, આરોગ્ય તેમજ પર્યાવરણની સમસ્યા બને જ છે.

પરફ્યૂમનાં કેટલાંક સુગંધી તત્ત્વો અમુક લોકોને અસ્થમાની તકલીફ કરે છે, તો કેટલીક વ્યક્તિઓ માથાના દુખાવા કે ચામડીની એલર્જી, ઊબકા આવવાની પણ ફ્રિયાદ કરે છે. કેટલાંક સંશોધનો ચામડીની બળતરાનું કારણ પરફ્યૂમમાં વપરાતા પદાર્થોના સંયોજનને કારણભૂત માને છે. કેટલાંક રિસર્ચ કેન્સર માટેનું કારણ પણ આમાં વપરાતા અમુક એસિડિક પદાર્થોને ગણે છે.

આપણને શરીર, કપડાં પર ભરપૂર સેન્ટ છાંટવાની આદત પડી ગઈ હોય છે. એ જ ખુશબૂદાર ઝટકો છે. પરફ્યૂમની સુગંધ મગજ ઉપર એક માદક અને નશીલી અસર કરે છે, સામી વ્યક્તિ થોડીક વાર માટે આ ખુશબૂથી ભ્રમિત પણ થઇ જાય, પરંતુ શરૂમાં એક કે બે સ્પ્રેથી તમને પોતાને સરસ લાગતુ પરફ્યૂમ ધીમેધીમે પાંચ-સાત-દસ સ્પ્રે પછી તમારા મગજને સંતોષ પમાડે છે. જે ૧૦૦ એમ.એલની બોટલ પહેલાં મહિનો ચાલતી હોય તે જ ધીમેધીમે ૧૦ દિવસમાં પૂરી થઇ જાય. આ એક મનોવૈજ્ઞાનિક ખેલ છે.  આવું જ સાબુ માટે કે અન્ય સુગંધી પ્રોડક્ટ માટે પણ થાય જ છે. હકીકતમાં આવાં ઈત્ર-અત્તર અમુક ખાસ પ્રસંગ માટે લાભકારક છે પણ રોજિંદો વપરાશ શારીરિક, માનસિક અને પર્યાવરણની સમસ્યા પણ ઊભી કરે છે.

એક અગરબત્તી કે લોબાન સમગ્ર ઘરને પ્રફુલ્લિત કરી શકે છે. પણ મન રૂમ-સ્પ્રેથી ટેવાઈ ગયું છે. વસ્તુ ખરીદવા એની ગુણવત્તા કરતાં એની સુગંધ વધારે મહત્ત્વપૂર્ણ લાગે છે. આખા વિશ્વનો ફ્રેગરન્સ-પરફ્યૂમ ઉદ્યોગ, ૨૦૨૪ સુધીમાં ૪૮ બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

વિશ્વની ટોપ પરફ્યૂમ સેલ્સ કંપનીમાં ‘એવન પ્રોડક્ટ્સ ઇંકોર્પોરેશન’ લંડન, યુનાઇટેડ કિંગડમ (આશરે ૭૦ દેશોમાં સેલ્સ), ‘ચેનલ એસ.એ’ પેરિસ ફ્રાન્સ, ‘કોટી ઇંકોર્પોરેશન’ ન્યૂયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સ, ‘લોરિયલ એસ.એ’ ક્લિચી, ફ્રાંસ (કંપની પાસે ૨૦૧૮માં ૫૦૫ પેટન્ટ નોંધાયેલી છે અને વિશ્વભરના ૧૫૦ દેશોમાં તેનું અસ્તિત્વ છે) તેમજ ‘એલવીએમએચ’ પેરિસ, ફ્રાન્સ અને ‘નેચુરા કોસ્મેટિકોસ એસએ’ સાઓ પાઉલો બ્રાઝિલ છે.

સુગંધના આ વ્યાપારમાં જોર કા ઝટકા ધીરે સે… કરીને કરોડોની કમાણી કરી જાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન