ફ્રાન્સની ઇવાનેનું અમદાવાદમાં રક્તપીડિતોની સેવામાં જીવન સમર્પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ફ્રાન્સની ઇવાનેનું અમદાવાદમાં રક્તપીડિતોની સેવામાં જીવન સમર્પણ

ફ્રાન્સની ઇવાનેનું અમદાવાદમાં રક્તપીડિતોની સેવામાં જીવન સમર્પણ

 | 1:39 am IST

સરી જતી કલમ :- પ્રભાકર ખમાર

માનવીનો દૃષ્ટિફલક જ એનું જીવન કેવું ભવ્ય અને સિદ્ધપૂર્ણ બનાવવું તે નક્કી કરી આપે છે. એ સાહસો ખેડે છે, અજાણી ધરતી પર પગ મૂકે છે અને એમાં સ્વનિર્ધારિત આદર્શોનું સુખદ્ સાનિધ્ય માણે છે. પ્રસિદ્ધિના મોહનો જેમને કદી વિચાર જ આવ્યો નથી એવા અનેક વિદેશીઓએ ગુજરાત સહિત ભારતના વિવિધ પ્રદેશોને પોતાની સેવાલક્ષી કર્મભૂમિ બનાવીને આરોગ્ય, શિક્ષણ, સમાજ સુધારણા, પછાતવર્ગ સેવા જેવા અનેક ક્ષેત્રોને જીવન ન્યોછાવર કર્યું છે. એમાં ડોક્ટર, કૂક, મધર ઇવાન ફાધર ડિસોઝા, ફાધર વાલેસ, સિસ્ટર રોજા જેવા અનેક વિદેશીઓએ ગુજરાતમાં ગુજરાતી બનીને ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના આદર્શને જીવનમાં મૂર્તિમંત કર્યો છે. આવા મહાનુભાવોના જીવનકાર્ય વિશે લખીએ તો માનવ માત્ર માટે એક પ્રેરણાત્મક અ દ્બજહ્વીખા ઇતિહાસનું સર્જન થઈ જાય, એવી એમની સેવા છે.

મધર ઇવાનની વાત કરીએ તો એમને નિર્ણય કર્યો કે, ”મારી જિંદગી હું રક્તપીડિતોની સેવામાં ખર્ચીશ.” અને એ સંકલ્પને સાકાર કરવા એમને અમદાવાદને પસંદ કર્યું. ૧૯૫૦ની એ સાલ હતી. ભારતની આઝાદીના અજવાળાને હજુ તો ત્રણ-ચાર વર્ષ જ થયા હતા. એ અરસામાં મધર ઇવાન એશઆરામની જિંદગીનો ત્યાગ કરી રક્તપીડિતોની સેવાનું વ્રત લઈ પોતાની ત્રણ યુવાન મહિલાઓ સાથે અમદાવાદને આંગણે અમીભર્યા હૈયે પગ મૂક્યો હતો. રક્તપીડિતોની સેવા એ જ એમના જીવનનું ધ્યેય હતું. એ કાર્યમાં જ જીવન સમર્પણનો ઉચ્ચ અને ઉમદા હેતુ હતો. એ રક્તપીતિયાઓની દુનિયા હતી. એ સમયે ત્યાં પગ મૂકતા પણ માનવી ભય અને ગભરાણની લાગણી અનુભવે એવી સ્થિતિ હતી.

રક્તપીતિયા એટલે સર્વથી ત્યજાયેલી, એમના હાથ પગની પરુ નીતરતા હોય, એમની દુર્ગંધ સહી ન શકાય, એમનું દર્દ બેચેન બનાવી મૂકે ! એવા આશરે સો જેટલા રોગી સ્ત્રી પુરુષો અહીં આશ્રય પામ્યા હતા. એ સૌની બહેન-માતા બની ઇવાન અને સાથેની ત્રણ સાધવીઓ દિવસ રાત સુશ્રુષા કરતી હતી. જીવનભર રક્તપીડિતાઓની સેવાનું વ્રત લેનાર આ ચાર મહિલાઓ વહેલી સવારે ઊઠી, પ્રભુની પ્રાર્થના કરી, રાતના નવ સુધીનો બધો જ સમય આ સર્વથી ત્યજાયેલા માનવીઓની સેવામાં ગાળતી હતી. એ સમય તેમના મુખ ઉપર પ્રેમ અને કરુણાનું અનન્ય સ્મિત રમતું હતું.

આ ચાર સાધવીઓમાં મુખ્ય સેવિકા ઇવાનની ઉંમર ૬૬ વર્ષની હતી. તેમણે ફ્રાન્સમાંથી હિંદ આવી રક્તપીતિયાઓના આશ્રમનું સંચાલન સ્વીકાર્યું હતું. અહીં આવે એમને એક દશકો થઈ ગયો હતો. પ્રસિદ્ધિથી દૂર રહેતાં આ ઇવાનને એક વરિષ્ઠ પત્રકાર કકલભાઈ કોઠારી મળવા ગયા.

પત્રકારે તેમને પૂછયું, ”મધર, આ સેવાકાર્ય ક્યાં સુધી ચાલુ રાખશો ?”

મધરે જવાબ આપ્યો : ”મારી આંખો મિંચાય ત્યાં સુધી.”

પત્રકારે બીજો પ્રશ્ન કર્યો : ”તમને ફ્રાન્સ કદી યાદ આવતું નથી ?”

”હવે તો હિંદ મારો દેશ છે, જેવા તમે હિન્દી એવી હું હિન્દી.” મધર ઇવાનની આંખો આ ઉદ્ગાર સાથે ઓજસ્વિતા સાથે ચમકી રહી હતી. પત્રકાર અવાક્ બની હૃદયથી મધર ઇવાનને વંદન કરી પોતાની જાતને ધન્યતા અને રોમાંચકતા અનુભવી આગળ વધ્યો. બાજુમાં લેબોરેટરી હતી.

લેબોરેટરીમાં સિસ્ટર એગ્નસ નામના બીજા ભગિની કામ કરતાં હતાં. યુવાન, અત્યંત મનોહર ગોરું મુખારવિંદ, તંદુરસ્ત ભરાવદાર શરીર, આશરે ત્રીસથી વધારે નહીં તેટલી ઉંમર, જૈન સાધ્વીઓ પહેરે છે એવા શ્વેત વસ્ત્રોનું પરિધાન, એવા એ ભગિની એગ્નસ વૈજ્ઞાનિક રીતે રોગ-પરીક્ષણનું કાર્ય કરતાં હતાં.

પત્રકારે એમને પ્રણામ કરી પૂછયું, ”તમે હિંદ ક્યારે આવ્યાં ?”

”૧૯૫૦ ડિસેમ્બરની ૩૧મી તારીખે.”

”તમારું વતન પણ ફ્રાન્સ ?”

”હા, પેરિસ નજીકના એક ગામડાંમાં મારો જન્મ થયો છે.”

પત્રકારના પ્રશ્નોના જવાબમાં એગ્નસે તેમના જીવનની વિગતો આપતા કહ્યું, ”હું અઢાર વર્ષની થઈ અને મેં સંકલ્પ કર્યો કે, રક્તપીડિતોની સેવામાં જીવન ગાળીશ. હું પેરિસ ગઈ અને ત્યાં છ વર્ષ સુધી મેં પરિચારિકાની તાલીમ લીધી. વિજ્ઞાનની પદવી પ્રાપ્ત કરી અને પછી હું હિંદ આવી.”

”તમારા માતા-પિતાએ તમને સંમતિ આપી હતી ?”

ભગિની એગ્નસે હસતાં હસતાં સહજભાવે જવાબ આપ્યો, ”પ્રભુએ મને પ્રેમદીક્ષાની પ્રેરણા કરી એમાં માતા-પિતા કેમ અંતરાય નાખી શકે ?” ભગિની એગ્નસની પાસે જ એક પુરુષ દર્દી બેઠો હતો. તેના બંને પગ ખવાઈ ગયા હતા. પત્રકારે એ ફ્રેન્ચ સાધ્વીને પૂછયું, ”તમને કદી ચેપ ચોંટવાનો ભય લાગતો નથી ?”

એગ્નસે ખૂબ જ સરળતાથી પ્રતિભાવ આપ્યો, ”એમાં ભય લાગે તો સેવાનું કામ કેમ ચાલે ?” એગ્નસે વધુ વાતચીતમાં એવી માહિતી આપી કે, ”મારા જેવી ચારસો જેટલી મહિલાઓ હિંદભરમાં જુદા જુદા સ્થળે રક્તપીડિત આશ્રમોમાં માનવ કર્તવ્ય સ્વરૂપે સેવા આપી રહી છે.”  સર્વ તબીબી સેવાઓમાં રક્તપીતિયાઓની સેવા કઠિન છે. એક પડકાર છે. એવી સેવાને જીવન સમર્પિત કરનારી એ વિદેશી સાધ્વીઓની જોડ જગતમાં બહુ ઓછી જોવા મળે છે. પ્રભુ માનવદેહમાં વસે છે એવી સંતોની લોકોક્તિ અન્વયે દુઃખી-દર્દી માનવીની સેવા કરનારી એ ભગિનીઓએ અમદાવાદને-ગુજરાતને પાવન કર્યું છે. વર્ષો પછી પણ એમની માનવસેવામાં પ્રેમળ જ્યોતનો પ્રકાશ માનવતાને અજવાળી રહ્યો છે. હિંમતનગર પાસેના એક ગામમાં સુરેશભાઈ સોની પણ આ પ્રકારની માનવસેવા કરી રહ્યા છે.

અને છેલ્લે…!

નરસિંહ મહેતાએ ગાયેલું અને ગાંધી બાપુને પ્રિય એવા ભજનની અમર પંક્તિઓ કાનમાં ગુંજી રહી છે.

વૈષ્ણવજન તો તેને જ કહીએ 

જે પીડ પરાઈ જાણે રે.” 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;