મફ્ત મેળવવાની વૃત્તિ...! - Sandesh

મફ્ત મેળવવાની વૃત્તિ…!

 | 3:53 am IST

રિલેશનના રીલેસનઃ રવિ ઈલા ભટ્ટ

મફ્ત મેળવવાની વૃત્તિ કેવી અને કેટલી હોવી જોઈએ. તેના વિશે જો ચર્ચા કરવા બેસીએ તો દિવસોના દિવસો પસાર થઈ જાય પણ તેને સુધારવાની કે આંગણી ચિંધવાની વાત આવે તો આ જ બેઠકમાંથી બધા એક પછી એક ખસી જાય અને એટલું જ કહેતા હોય કે અમે તો ક્યારેય કશું ફ્રી લેતા નથી. કંઈક મફ્ત મળતું હોય તો તેને લઈ જ લેવાનું તે આપણને તમામને ગમે જ છે. તેમાં કંઈ ખોટું નથી. કેટલું લેવું, ક્યારે લેવું અને કેવી રીતે લેવું તે ખૂબ જ મહત્ત્વનું છે. તમે જે માગણી કરો છો તેનાથી સામેની વ્યક્તિને કેટલો બોજ પડશે અથવા તો સામેની વ્યક્તિ તમારા વિશે શું અભિપ્રાય બાંધશે તે આપણે વિચારતા જ નથી. જે તે સમયે સામેની વ્યક્તિ દ્વારા મફતિયા વૃત્તિ વિશે ટોણો મારવામાં આવે ત્યારે આપણી અંદર રહેલું સ્વમાન ક્રાંતિકારી બનીને બહાર આવે છે.

આ વૃત્તિ અંગે કેટલાક ઉદાહરણો જોવા જેવા છે. હમણાં એક મિત્રનો ફેન આવ્યો કે, આપણે ગરમીના દિવસોમાં લોકોને છાશ વિતરણ કરીએ. અમે કેટલાક મિત્રો જોડાયા અને એક અઠવાડિયા સુધી છાશ વિતરણનું નક્કી કર્યું. ચાલતા જતાં, સાઈકલ લઈને જતાં અને પેડલ રિક્ષાવાળા લોકોને રાહત રહે તે માટે બોટલમાં છાશ ભરીને પણ આપતા. આ દરમિયાન ટૂ વ્હિલર પર જનારા લોકોની ભીડ વધવા લાગી. કાઉન્ટર પાસે આવીને વ્હિકલ પાર્ક કરે અને પાંચ-છ ગ્લાસ ઠપકારી જાય. એકાદ-બે દિવસમાં તો સારી એવી ભીડ થવા લાગી. આ દરમિયાન એક વિચિત્ર અનુભવ થયો. એક દિવસ બપોરે છાશ વિતરણ ચાલતું હતું ત્યાં બરાબર રસ્તાની બીજી બાજુ એક લાલ રંગની ગાડી ઊભી રહી. તેમાંથી ડ્રાઈવર ઉતરીને આવ્યો અને છાશ પીવા લાગ્યો. બે-ત્રણ ગ્લાસ પીધા પછી તેણે શરમાતા સ્વરે માત્ર મિત્રને પૂછયું કે, થોડી છાશ બોટલમાં ભરી આપશો. પેલાએ ભરી આપી પણ જોવા જેવું એ હતું કે, આ છાશ તેના માટે નહીં પણ ગાડીની અંદર એસી ચાલુ રાખીને બેઠેલા તેમના માલિક અને તેમની પત્ની માટે હતી. ત્યાર પછીના દિવસે પણ આવી જ રીતે ગાડી આવી અને ઊભી રહી અને ડ્રાઈવર થોડી મોટી બોટલ સાથે આવ્યો. મારાથી રહેવાયું નહીં એટલે મેં કહ્યું કે તમારા શેઠને પણ બહાર બોલાવો. શેઠ આવ્યા એટલે અમારા વખાણ કરવા લાગ્યા. મોટી બોટલ અંગે મારા સવાલનો જવાબ આપતા એટલું જ બોલ્યા કે, મને થયું કે, છાશ સારી છે તો ભરી જઈએ, ઓફ્સિમાં પ્યૂન અને અન્ય ડ્રાઈવરોને પીવા ચાલશે. તમે જ વિચારો કે આવા લોકો શું દાન કરવાના અને પુણ્ય કમાવાના.

બીજી મફતિયા વૃત્તિ આવે છે સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં. અહીંયા ચાહક અને સમર્થક થઈને ફ્રનારા મફતિયાઓનો તોટો નથી. કોઈ કાર્યક્રમમાં જાઓ એટલે દાદ આપતા થાકે નહીં અને કાર્યક્રમ પૂરો થયા પછી જો પુસ્તક અથવા તો સીડી ખરીદવાની વાત આવે એટલે શક્ય એટલી ઝડપથી અને કોઈ જોઈ ન જાય તે રીતે ઓડિટોરિયમની બહાર નીકળી જવાનું. બહાર જવાનું શક્ય ન બને તો બહાના શરૂ કરવાના. હમણાં તો વાંચવાનો સમય જ નથી રહેતો. આ તો કાર્યક્રમ હતો એટલે થોડી વાર આવી ગયા. હજી બે મહિના શિડયુલ ટાઈટ છે પછી શાંતિથી પુસ્તક લાવીને વાંચીશ અથવા તો સીડી ખરીદીને વાંચીશ. તેનાથી ઉપરના લેવલના મફ્તીયાઓ તો એમ કહે, યાર તું વાંચી લે પછી મને આપજેને હુંય વાંચી લઈશ. મારા ઘરે મારા સિવાય બીજા કોઈને આમાં રસ નથી એટલે હું લઈ જઈશ તો ખર્ચ કર્યાનો કકળાટ કરશે. મારા ઘરનાને આ બધું પસંદ નથી એટલે હું તમારી પાસેથી પુસ્તક લઈને વાંચી લઈશ અને પાછું આપી જઈશ.

ત્યાર પછી આવે સંગીત, નાટક અને અન્ય કાર્યક્રમોના મફ્ત પાસ માગનારાઓનો વર્ગ. આ વર્ગ અત્યંત શાંત, સૌમ્ય અને દિલથી મફતિયો હોય છે. તેઓ કલાની કદર કરવાનું જાણે છે, પણ પૈસા ખરચીને નહીં. મફ્તમાં પાસ આપો અને તે પણ સામેથી પૂછીને આપો કે તમારે મફ્ત પાસ જોઈએ છે. તો આપણી કલાને દાદ આપવાનો ઉપકાર કરવા આવતા હોય તેમ કહે કે, હા પાંચ-દસ આપજો તો આવીશું. હમણાં જ મને આ અનુભવ તો ઘણા થયા છે. મારા મિત્રનું નાટક હતું તેની થોડીઘણી ટિકિટ વેચવાની જવાબદારી મારા માથે હતી. તેણે મને કહ્યું કે, વેચાય એટલી વેચજે બાકી ફ્રી આપી દેજે. લગભગ ૧૦૦ પાસ હતા.

મને એમ કે આપણે ત્યાં કલારસિકોનો મોટો વર્ગ છે, ટિકિટો આમ ચપટી વગાડતા વેચાઈ જશે. મેં વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટા અને એસએમએસ દ્વારા ટિકિટ વેચવા મૂકી. મોંઘામાં મોંઘી ટિકિટ બસ્સો રૂપિયા સુધી પણ નહોતી. મારા અનુભવગત આૃર્ય વચ્ચે માત્ર પચ્ચીસ ટિકિટ વેચાઈ. ઘણા લોકોએ ફેન ઉપર અભિનંદન પાઠવ્યા, ખૂબ જ સરસ કામ કરો છો તેવી દાદ આપી પણ પાસ ખરીદવાની વાત નહોતા કરતા. છેવટે મારે ફ્રીથી એ જ વોટ્સએપ, ફેસબુક અને સોશિયલ મીડિયાનો આધાર લઈને વધેલા પાસ ફ્રીમાં આપવાની જાહેરાત કરવી પડી. સાહેબ, માત્ર ગણતરીની મિનિટોમાં તો પ્રતિક્રિયા આવવા લાગી. મારા પાંચ પાસ રાખજો, મારા દસ રાખજો. જેને પહેલો ટિકિટ વેચવાનો મેસેજ ગયો હતો અને પછી ફ્રી પાસનો મેસેજ ગયો તેઓ જો સ્પેસિફ્કિ જવાબ આપતા હતા કે મારા પાંચ ફ્રી પાસ રાખજો.

મિત્રો, આ ઘટના મારી સાથે બની છે તેવું નથી. આ ઘટના દરરોજ અનેક લોકો જોડે બનતી હોય છે અને બનતી રહેશે. આપણા લોકોમાં રહેલી મફતિયા વૃત્તિ ક્યારેય દૂર થવાની નથી. ખાસ કરીને કલા અને સાહિત્યના ક્ષેત્રે આવા મફતિયાઓનું ચલણ વધારે છે. ભીડ ભેગી કરવા મફતિયા બોલાવવા પડે તે વાત અલગ છે પણ જ્યારે કોઈ પોતાનું કે સ્વજન સાહસ કરતું હોય ત્યારે તેને સપોર્ટ કરવાના બદલે મફ્ત મેળવવાની વૃત્તિ અયોગ્ય છે. ખિસ્સામાં લાખો રૂપિયા લઈને ફ્રતા લોકો પાંચસો રૂપિયાના પાંચ પાસ ન ખરીદી શકે અથવા તો પંદર વીસ લાખની ગાડીમાંથી ડ્રાઈવરને મફ્તની છાશ ભરવા મોકલે એવો બોદો સમાજ છે આપણો. હવે આપણે જ નક્કી કરવાનું છે કે, આ મફતિયા વૃત્તિને કેટલો વેગ આપવો અને કેટલો નહીં. બાકી મફતિયાઓએ તો નક્કી જ કરી રાખ્યું છે કે, તમે જે કરશો તે તેમાં મફ્ત કંઈક હશે તો આવીશું, મળીશું, લઈશું અને માણીશું બાકી તો… આપણને ખબર જ છે.

[email protected]