વારંવાર વાવાઝોડાનો શિકાર બંગાળની ખાડી કેમ બને છે ? - Sandesh
  • Home
  • Columnist
  • વારંવાર વાવાઝોડાનો શિકાર બંગાળની ખાડી કેમ બને છે ?

વારંવાર વાવાઝોડાનો શિકાર બંગાળની ખાડી કેમ બને છે ?

 | 12:51 am IST

સ્નેપ શોટ

ઓરીસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભયંકર તબાહી મચાવનાર વાવાઝોડું અમ્ફાન હવે ધીમું પડયું છે. પરંતુ ધીમું પડતાં પહેલા આ વાવાઝોડાએ ભારે ખાનાખરાબી મચાવી દીધી છે.  પશ્ચિમ બંગાળમાં બે જિલ્લાઓ બરબાદ થઇ ગયા છે. જ્યારે ઓરીસ્સામાં પણ ઘણું બધુ નુક્સાન થયું છે. પશ્ચિમ બંગાળની મુલાકાત પછી વડાપ્રધાન મોદીએ રૂપિયા એક હજાર કરોડની સહાય પશ્ચિમ બંગાળ માટે જાહેર કરી છે. જોકે ઔપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ સહાયથી સંતોષ નથી. મમતા બેનર્જીનું કહેવું છે કે પશ્ચિમ બંગાળને એક લાખ કરોડનું નુક્સાન થયું છે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે રાજ્યના ૭ થી ૮ જિલ્લામાં તબાહી મચી છે અને રાજ્યની ૬૦ ટકા વસ્તી વાવાઝોડાથી અસરગ્રસ્ત થઇ છે. મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં આવેલી આ મુશ્કેલી કોઇ રાષ્ટ્રીય મુશ્કેલીથી ઘણી બધી વધારે છે. જોકે એક વાત આ તોફાનમાં સારી એ રહી કે, વડાપ્રધાનને આવકારવા એરપોર્ટ પર મમતા બેનર્જી જાતે ગયા હતા અને મોદીની સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. બે વિરોધી વિચારસરણી વાળા નેતાઓ જ્યારે પ્રજાજનોની મુશ્કેલ ઘડીમાં એક સાથે દેખાય અને પ્રજાને મદદ કરવા હાથ મિલાવે ત્યારે આ વાત સારી લાગતી હોય છે.

અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં  જે તબાહી મચાવી છે. તે અંગે યુનાઇટેડ નેશનનું કહેવું છે કે, અમ્ફાન વાવાઝોડુંએ ૨૦૦૯માં આવેલા એલા વાવાઝોડા કરતાં પણ વધારે વિનાશકારી છે. એલા વાવાઝોડાએ દક્ષિણી બાંગલાદેશ અને પૂર્વ ભારતમાં આજથી ૧૧ વર્ષ પહેલા આવ્યું અને મોટી ખાનાખરાબી સર્જી હતી. અત્યારે અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ઔમોબાઇલ સેવા અને ઇલેક્ટ્રિક સેવા ખોરવાઇ ગઇ છે. બાંગ્લાદેશની પણ હાલત ખરાબ છે. બાંગ્લાદેશમાં વાવાઝોડાથી અંદાજે ૧ કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે અને ૫૦ લાખ કુટુંબો ઘર વગરના થઇ ગયા છે. યુનિસેફનું કહેવું છે કે બાંગ્લાદેશ અને ભારતમાં ઓછામાં ઓછા ૧.૯ કરોડ બાળકો પુર અને ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બને તેવી આશંકા છે.

સવાલ એ છે કે, વાવાઝોડાની વાત આવે છે ત્યારે મોટાભાગે બંગાળની ખાડી જ કેમ ભોગ બનતી હોય છે. વાવાઝોડાંનો છેલ્લા ૧૨૦ વર્ષનો ઇતિહાસ જોઇએ તો આ વર્ષોમાં આવેલા વાવાઝોડામાં ૧૪ ટકા વાવાઝોડુ અને ૨૩ ટકા ભયંકર ચક્રવાત અરબી સાગરમાં આવ્યો છે જ્યારે ૮૬ ટકાં વાવાઝોડુ અને ૭૭ ટકા ચક્રવાત બંગાળની ખાડીમાં આવ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે અરબી સાગરની સરખામણીમાં બંગાળની ખાડીમાં વધારે તોફાનો અને વાવાઝોડું આવવાનું કારણ હવાનો પ્રવાહ છે, પૂર્વ કિનારે આવેલ બંગાળની ખાડીની સરખામણીએ પશ્ચિમી કિનારે આવેલ અરબી સાગર વધારે ઠંડો રહે છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ઠંડા સમુદ્રની સરખામણીએ ગરમ સાગરમાં તોફાન વધારે આવે છે. ઔઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે, દુનિયાના ૩૬ સૌથી ઘાતક ટ્રોપિકલ સાઇકલોનમાંથી ૨૬ ઔસાઇકલોન બંગાળની ખાડીમાં આવ્યા છે. બંગાળની ખાડીમાં આવતા તોફાનની ભારતમાં સૌથી વધુ અસર ઓરીસ્સામાં જોવા મળી છે આ ઉપરાંત ભારતના અન્ય રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ પણ આ તોફાનોની અસરમાં આવી જાય છે. બંગાળની ખાડીમાં વધુ તોફાન આવવાનું બીજંુ કારણ એ છે કે દેશના પૂર્વી કિનારા સાથે જોડાયેલ રાજ્યોની ભૂમિ, પશ્ચિમ કિનારે આવેલા રાજ્યો કરતા વધારે સપાટ છે. જેના કારણે પૂર્વ કિનારે આવેલું તોફાન મેદાનોમાં થઇને છેક અંદર સુધી તબાહી મચાવે છે જ્યારે પશ્ચિમ કિનારે આવેલું તોફાન પર્વતો અને ટેકરીઓને ટકરાઇને તેની દિશા બદલી નાખે છે.

ભારતમાં એ જોવાયું છે કે, દેશને અસર કરનાર પાંચ સમુદ્રી તોફાનોમાંથી સરેરાશ ચાર તોફાનો દેશના પૂર્વ કિનારે અસર કરે છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ દક્ષિણ – પૂર્વી બંગાળની ખાડી અને આદાંમાનના દરિયાથી શરૂ થનારા તોફાનો ઉપરાંત પેસિફિક ઓશનથી આવતા તોફાનો દક્ષિણી ચીન સાગર થઇને બંગાળની ખાડી સુધી પહોંચી જાય છે. આજ કારણ છે કે, આપણા દેશનો પૂર્વ કિનારો હંમેશા દબાણમાં રહે છે. આમ જોવા જઇએ તો તોફાનો અરબી સાગરમાં  પણ બને છે. પરંતું ભારતના પશ્ચિમ તટને છોડીને આ તોફાનો ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. પૂર્વ તટ પર આકાર લેતા તોફાનો વધારે તાકાતવર હોય છે. જો હવાની ગતિ ૧૧૯ થી ૨૨૧ કિલો મીટર પ્રતિ કલાક હોય તો તેને પ્રચંડ તોફાન માનવામાં આવે છે.

મોસમ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એપ્રિલથી ડિસેમ્બર સુધી તોફાનોની ઋતુ હોય છે. પરંતુ ૬૫ ટકા તોફાનો વર્ષના અંતિમ ૪ મહિનાઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે આવે છે. બંગાળની ઉત્તરીય ખાડી પર આકાર લેતું વાવાઝોડું ગંગાના મેદાની વિસ્તારોમાં ઉત્તર – પશ્ચિમ દિશામાં આગળ વધે છે. જેના કારણે મોટાભાગે ઉત્તર ભારતમાં વરસાદ થાય છે.  અરબી સાગરમાં સરેરાશ વરસાદ બહુ ઓછો થાય છે.

સમુદ્રી તોફાનોને કારણે  થતાં મૃત્યુનો આંકડો દુનિયાભરમાં બાંગ્લાદેશમાં  વધારે હોય છે. છેલ્લા ૨૦૦ વર્ષમાં દુનિયામાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને કારણે થયેલા કુલ મોતમાં ૪૦ ટકા મોત માત્ર બાંગ્લાદેશમાં થયા છે જ્યારે ભારતમાં ૨૫ ટકા મોત નોંધાયા છે. વાવાઝોડું આમ દરિયામાં જ્યાં વધારે ગરમી પડે તે જગ્યાએથી શરૂ ઔથાય છે. આના કારણે ઉત્તર ધ્રૂવની નજીક વિસ્તારોમાં આ વાવાઝોડું એન્ટિક્લોક વાઇસ આગળ વધે છે જ્યારે ભારતીય મહાસાગર વિસ્તારમાં આ વાવાઝોડું ક્લોક વાઇસ આગળ વધે છે.

ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેવલોપમેન્ટ રિસર્ચના એસેસમેન્ટ મુજબ દેશના પૂર્વ કિનારાઓ પર વસેલા રાજ્યોમાં આવતા વાવાઝોડામાં ૪૮ ટકા વાવાઝોડાં માત્ર ઓરીસ્સામાં જ્યારે ૨૨ ટકા આંધ્રપ્રદેશમાં આવે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ૧૮.૫ ટકા અને તામિલનાડુમાં ૧૧.૫ ટકા વાવાઝોડા આયાં છે. પશ્ચિમી કિનારામાં પૂર્વી કિનારાની સરખામણીમાં આ વાવાઝોડા ૮ ટકા ઓછા આવ્યા છે.

આમ જો વાવાઝોડાની તીવ્રતાની ખબર અગાઉથી જ પડી જાય તો રાજ્યોમાં થતું જાનમાલનું નુક્સાન મોટા પાયા પર બચાવી શકાય છે. આ માટે હવામાન ખાતાની આધુનિકતા પર ભાર મુકવો જરૂરી છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન