મિત્રની બહેન સાથે મૈત્રી એટલી આગળ વધી કે શરીરસંબંધ બંધાઈ ગયો  - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મિત્રની બહેન સાથે મૈત્રી એટલી આગળ વધી કે શરીરસંબંધ બંધાઈ ગયો 

મિત્રની બહેન સાથે મૈત્રી એટલી આગળ વધી કે શરીરસંબંધ બંધાઈ ગયો 

 | 5:37 am IST

યૌવનની સમસ્યા :- સોક્રેટિસ

સોક્રેટિસ સર, 

તમે સંદેશની બુધવારની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં યૌવનની સમસ્યા લખો છો તે અને માર્ગદર્શન આપો છો તે ગળે ઉતરી જાય એવું હોય છે. એટલે જ તો મનેય મારી ઊંઘ હરામ કરી દે એવી એક સમસ્યા તમને જણાવવી છે.

સર, મારી હકીકત જરા વિચિત્ર છે. હું જે સોસાયટીમાં રહું છું તેમાં મારો એક ખાસ મિત્ર લલિત રહે છે. અને બંને અલગ-અલગ સ્કૂલમાં હતા છતાં અમારી દોસ્તી નાનપણથી જ છે. અમે સાથે જ રમીએ અને લેશન પણ સાથે જ કરીએ. તેની બહેન રીના મારી જ સ્કૂલમાં હતી. એની સાથે પણ મારે ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. જોકે, મારા મિત્ર લલિતનો સ્વભાવ બહુ ઉગ્ર છે. એની બહેન સાથે કોઈ વાત કરો કે જોવે તેય એને ના ગમે. મારો એ મિત્ર હોવાથી હું બોલું ચાલુ તો વાંધો નથી. રીના અને અમે મોટા ભાગે સાથે જ આવતા જતા. પહેલાં પ્રાઇમરી સ્કૂલ બસમાં જતા અને પછી હાઈસ્કૂલમાં આવ્યા બાદ મેં બાઈક લીધી તેના પર હું તેને લઈ જતો અને લાવતો. અમારા બંને વચ્ચે દોસ્તી એવી આગળ વધી કે અમે શરીરસંબંધ સુધી પહોંચી ગયા ! સ્કૂલકાળથી જ ચાલુ થયેલા આ સંબંધમાં હું કોલેજમાં આવ્યો ત્યારે બ્રેક લાગી ગઈ. એના પરિવારે એને કોલેજ કરવાની ના પાડી દેતા અમારું મળવું ઓછું થઈ ગયું. એનો ભાઈ મારો મિત્ર લલિત એની બહેન લવમેરેજ કરે એમાં માનતો નથી. એ તો એવું કહેતો હોય છે કે તેની બહેન સાથે કોઈ જો લવનો પ્રયાસ કરશે તો એનું આવી બનશે. એ ખૂનામરકી કરે એવો છે.  એટલે રીના મારી સાથે સંબંધ બાંધતાય ખૂબ ડરતી હતી. એક દિવસે એણે મને કહ્યું કે આપણે લગ્ન નહીં કરી શકીએ અને શરીરસંબંધ પણ શક્ય નથી. જે થઈ ગયું તે થઈ ગયું ! મને ભૂલી જજે ! ક્યાંક લલિતને ખબર પડશે તો આપણને બંનેને મારી નાંખશે. પણ પછી એક દિવસ એકાંતમાં મળીને મારી પાસે ખૂબ રડીને કહ્યું કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ ! મેં તેને ઘરે વાત કરવા કહ્યું તો ના પાડે છે ! મેં કહ્યું કે હું મારા ઘરે વાત કરું અને તારા ઘરે કહેવડાવું તો પણ ના પાડે છે ! મારે શું કરવું એ જ સમજાતું નથી.. તમે જ કંઈક રસ્તો બતાવો તો સારુંં.

ભાઈ શરદ,

તારી અને રીના વચ્ચે નાનપણથી જ ફ્રેન્ડશિપ હતી તે ગાઢ બની. સતત સાથે રહેવાથી, મળતા રહેવાથી સંપર્ક વધતા વિજાતીય પાત્રો વચ્ચે પ્રેમ થઈ જાય અને તક મળતા જ શરીરસંબંધ બાંધવા મન લલચાઈ જાય તે માટે આકર્ષણ, ઉત્સુકતા અને રોમાંચ કારણભૂત હોય છે. કોઈપણ વ્યક્તિ યુવાવસ્થામાં પ્રવેશે એટલે તેને પ્રેમ અને વાસના પીડવા માંડે. જોકે, ઘણા કેસોમાં તો હજી કિશોરાવસ્થા હોય ત્યાં જ છોકરા-છોકરીઓ એકબીજા તરફ આકર્ષાઈને પછી લફરા કરતા થઈ જાય છે. શરીરસંબંધ બાંધી બેસે છે. અને પછી ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે. તમારો કેસ દોસ્તી અને પ્રેમનો છે. તારી લવર ભાઈથી ડરે છે એટલે પહેલા તો એણે તને ભૂલી જવાનું કહ્યું અને પાછી તને મળીને લગ્ન તો તારી સાથે જ કરવા કહે છે. પરંતુ પોતે કે તને એના ઘરે કહેવા દેવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં તો કંઈ ના થઈ શકે. તમારા કેસમાં રીનાએ થોડી હિંમત કરવી જરૂરી છે, પરંતુ તે તૈયાર થાય એમ નથી, એટલે તારે હિંમત કરવી પડશે. તેનો ભાઈ આખરે તારો મિત્ર છે. તું એને ખૂબ જ ધીરજપૂર્વક શાંતિથી વાત કરી જો. એનું રિએકશન જાણી લે. એ કંઈ સીધો તારા પર હુમલો કરશે એવું માની લેવાની જરૂર નથી. એ તેની બહેન પર ગુસ્સે થાય એવી શકયતા છે, પરંતુ આખરે એ તને જાણે છે, એટલે એ તમારા લગ્નમાં વાંધો નહીં ઉઠાવે. આ સિવાય તું તારા પરિવારને વાત કર અને તારા માતા-પિતા તમારા બંને વચ્ચેના ‘લવ’ની વાત બાજુએ રાખી ઓળખાણ હોવાથી માગું નાખે. એકબીજાના પરિવારોને જાણીએ છીએ એટલે સારું રહેશે એમ તેઓને સમજાવે. તું ભણેલો છે અને ઓળખીતો છે એટલે તરત માની જશે. આમાં એક વાત ખાસ યાદ રાખવી કે તમારા બંને વચ્ચે લવ થઈ ગયો છે તે વાત બહાર ના આવવા દેવી. તેનો પરિવાર હા પાડશે એટલે ભાઈ પણ વાંધો નહીં ઉઠાવે ! એને તો તેની બહેનને કોઈ લવ કરે અને તે કોઈને લવ કરે અને તે રીતે લફરું કરે એ પસંદ નથી, અને એવું થાય તો ખુનામરકી સુધી પહોંચે પરંતુ આ રીતે વર્તવાથી તેને એવો કોઈ ખ્યાલ જ નહીં થાય અને તે પણ ખુશ થશે. પણ ધારો કે તેનો પરિવાર નામકર જાય, તેનો ભાઈ પણ વિરોધ કરે તો શું ? એ મુદ્દો પણ વિચારી લેવો જોઈએ. આ પરિસ્થિતિમાં તમે બંને મક્કમ બનીને કોર્ટમાં મેરેજ કરી શકો. રક્ષણ માટે પોલીસનો સહારો પણ લઈ શકો. એટલું જ નહીં જરૂર પડે તો ભાગીને અન્યત્ર રહેવા પણ જઈ શકો. કોઈના ડરથી પ્રેમને ટૂંપો ના દેવાય.

જોકે, આવી બધી નોબત આવશે જ નહીં. તારે આ અંગે રીનાને સમજાવવી પડશે. એ જે રીતે ડરી રહી છે તે પરથી તો તે પોતે તેના ઘરે કોઈ વાત કહેવા તૈયાર થવાની જ નથી. એટલે તું એને મેં જણાવ્યો તે પ્લાન સમજાવી દે. તમારા બંને વચ્ચે લવ છે એ વાત ના કરવી અને તારા પરિવારને પણ લવની વાત કરવાને બદલે યુવતી જાણીતી, સારી અને ગમતી હોવાથી પોતે લગ્ન કરવા માંગતો હોવાથી માગું નાખવા તૈયાર કરવો રહ્યો. તેઓ તૈયાર જ ના થાય તો તારે તારા મમ્મી-પપ્પાને તમારા વચ્ચે લવ હોવાની વાત કરવી અને તેના ભાઈના સ્વભાવથી તેઓને વાકેફ કરવા, જેથી તેઓ પણ તૈયાર થશે. અને છતાં ના થાય તો તમારે બીજો ઉપાય જ કરવો પડશે. હિંમત કર્યા વિના કંઈ જ નહીં થઈ શકે અને સમય જતા પરિસ્થિતિ વિપરીત પણ બને. ધારો કે તેના માતા-પિતા કોઈ છોકરા સાથે તેનું ગોઠવી દે તો પછી શું ? સમસ્યા અઘરી બની જાય, એટલે આ દિશામાં ઝડપથી આગળ વધવું હિતાવહ છે.

[email protected]