મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે

 | 4:09 am IST

જૈન દર્શન: નરેશ એ. મદ્રાસી

અતીત અધ્યાયમાં “જૈન દર્શન” અંતર્ગત ચાતુર્માસિક આરાધના વિશે વિસ્તારથી સંવાદ કર્યો હતો. અઢાર પ્રકારના પાપસ્થાનકથી મુક્ત થવાના પુરુષાર્થ દ્વારા આત્માનું હિત સાધવાનો આ અધ્યાય સાચા જૈન માટે આદર્શ છે. પરંતુ વર્તમાન વ્યવસાયિક, વૈજ્ઞાાનિક અને તીવ્ર ગતિથી દોડતા આ યુગમાં તે પ્રકારની સાધનામાં શ્રદ્ધા થવી, શ્રદ્ધા કર્યા પછી આચરણ કરવું ક્યારેક અસંભવ અને અશક્ય લાગે છે. આવી નાજુક ક્ષણે માર્ગમાં સ્થિર થવા શું કરવું, એ લાખેણો પ્રશ્ર છે, અને તેનો ઉત્તર આદર્શ મહાપુરુષો, મર્હિષઓ તથા પૂર્વાચાર્યોના માર્ગદર્શન તથા સ્વંયના સંશોધનથી પ્રાપ્ત કરવાનો છે. સાંપ્રત અધ્યાયમાં આ વિષય પર સંવાદ કરીશું.

પૂર્વ અધ્યાયોમાં વિદિત કર્યું હતું કે અનંત જ્ઞાાન, દર્શન, ચારિત્ર્ય, વીર્ય આદિ આત્માના ગુણ છે. કર્મના આવરણથી તે ગુણ ક્ષીણ થાય છે. સાચી સમજનો અભાવ, ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાય, પાપ-વ્યાપારના ત્યાગની પ્રતિજ્ઞાાનો અસ્વીકાર તથા મન, વચન અને કાયાના અશુભ યોગ દ્વારા કર્મબંધન થતું હોય છે. તેનાથી મુક્ત થવા માટે, પૂર્વે વિદિત કરેલા ધર્મમાર્ગનું આચરણ કરવામાં આવે છે. આ ક્રિયાત્મક ધર્મ છે. તો ગુણાત્મક ધર્મનો પણ અનેરો મહિમા જૈન દર્શને પ્રસ્તુત કર્યો છે. બહિર્ભાવથી અંતરભાવની આ યાત્રાના કેટલાંક સોપાન વિશે વિચારણા કરીશું.

જૈન દર્શનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે વચન અને કાયાથી શુભ પ્રવૃત્તિ અને આચરણ કરાતું હોય છે ત્યારે મનનો શુભ યોગ, તે ધર્મનો ગુણાકાર કરતો હોય છે. મનના આ શુભ યોગ, ભાવ, વિચારણા એટલે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માહયસ્થ આદિ ભાવના. આવી ભાવનાની વિચારણા કરતા સહજ ગવાઈ જાય…

“બહિર્જગત ઘણું ફર્યા, ચાલ ભીતર ફરવા જઈએ,

માટી-ઢેફાં ઘણું ચર્યા, ચાલ સોનું ચરવા જઈએ,

પેટ-પેટારા ઘણાં ભર્યા, ચાલ મનને ભરવા જઈએ,

નદી-નાળા ઘણાં ભર્યા, ભવસાગર તરવા જઈએ”

આત્માનું અહિત કરે એવી અસંખ્ય પ્રવૃત્તિ આજ પર્યંન્ત મન, વચન અને કયા દ્વારા કરી છે, હવે તેમાંથી પરત ફરી, ભીતરની યાત્રા કરવી છે. માપી નહીં શકીએ તેટલો આહાર કર્યો છે. અવિવેકી દ્રષ્ટિથી ઘણું ખોટું કર્યું છે. હવે જાગૃત થઈ આત્માનું હિત કરનારી પ્રવૃત્તિ કરવી છે. સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના પેટારા ભર્યા પણ મનને સંતોષ નથી થયો. હવે મનને સંતોષ થાય તેવું સરસ જીવન જીવવું છે અને ખાબોચિયા, નાળામાં અશુદ્ધ થવાનું છોડીને ભવસાગરને પાર કરવો છે. આ ભવને નિખારે તેવી પ્રવૃત્તિ કરવી છે. નિમ્ન કક્ષાના પુરુષાર્થનો ત્યાગ કરીને ચરમ અને પરમ પુરુષાર્થ કરવો છે. આવી ભીતરની યાત્રા અને પરમ સંતોષની પ્રાપ્તિ તથા ભવ ભ્રમણને સાર્થક કરવા ક્રિયાત્મક અને ગુણાત્મક ધર્મનું શરણ ગ્રહણ કરવું છે. ઉપરોકત મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્ય ભાવનામાં આ સમગ્ર સંવાદનો સાર સમાયો છે. સાંપ્રત અધ્યાયમાં મૈત્રી ભાવનાની વાત કરવી છે.

સર્વે ભાવનામાં સૌ પ્રથમ મૈત્રી ભાવના છે. મૈત્રી શબ્દનું સૌંદર્ય જ અનેરું છે તો આ શબ્દનો ભાવાર્થ અને રહસ્ય પ્રશાંત મહાસાગર જેવો અફાટ અને પ્રગાઢ છે. આત્મદ્રવ્યનો સ્વીકાર કર્યા પૃાત, સર્વે આત્મા મારા મિત્ર છે અને સર્વે માટે મને મૈત્રીભાવ છે, એવી સંવેદના અને વિચારણા અનેક સમસ્યાઓનું સમાધાન કરે છે. જે નિમિત્ત અને દુઃખ મને વિચલિત કરે છે તે સર્વે નિમિત્ત અન્યના આત્માને પણ વિચલિત કરે છે. એવી વિચારણા અન્ય પ્રત્યે કરાતા અશુભ, અસત્ય વર્તનથી આપણને પરત કરે છે. પ્રત્યેક આત્મા મારા આત્મા જેવા જ ગુણ ધરાવે છે. કર્મના પ્રભાવથી મારા આત્માના ગુણ જેમ ક્ષીણ થાય છે તેમ તે કર્મના પ્રભાવથી અન્યના આત્માના ગુણ પણ ક્ષીણ થાય છે. તો તેવા પ્રસંગે નિમિત્તના પ્રભાવથી મારા પ્રત્યે દુર્વ્યવહાર કરતા અન્યના આત્મા પ્રત્યે શત્રુભાવ રાખવાથી હું પોતે, મારા આત્માનું જ અહિત કરું છું. આવી વિચારણા શત્રુભાવને શૂન્ય કરે છે અને મૈત્રીભાવની પ્રતિષ્ઠા કરે છે.

જૈન દર્શને પ્રસ્તુત કરેલો મૈત્રીભાવ અવર્ણનીય છે. શબ્દાતીત છે અને આ શબ્દ માત્રનું સ્મરણ, ઉચ્ચારણ અને સાચા હૃદયનું આચરણ આપણા પ્રત્યે શત્રુભાવ ધરાવતા વ્યક્તિના શત્રુભાવને પણ ક્ષીણ અને શૂન્ય કરી શકે છે. કર્મબંધનથી મુક્ત થઈ સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની આપણી માત્રાનું સૌ પ્રથમ સોપાન આ મૈત્રીભાવ છે. જ્યાં સુધી મૈત્રીભાવ ચરમ અને પરમ સ્વરૂપને નહીં સ્પર્શે ત્યાં સુધી કરાતી કોઈપણ પ્રકારની વિચારણા, વાણી અને આચરણ તેનું પરમ સ્વરૂપ પ્રાપ્ત નથી કરી શકતા. કોઈકને મારા પ્રત્યે દુર્ભાવ થયો છે તો પૃાદ્ ભૂમિકામાં તે વ્યક્તિના ઉદયમાં આવેલા તે પ્રકારના કર્મોનો પ્રભાવ છે અને તેવા સમયે પ્રતિક્રિયા સ્વરૂપ હું પણ શત્રુભાવ પ્રગટ કરીશ તો મારા આત્માના ગુણની ક્ષતિ કરી રહ્યો છું. આવી વિચારણા એ જ ભીતરની યાત્રા છે. આ ભીતરની યાત્રા કરતા સાચા અર્થમાં મન શ્રીમંત બને છે. ભવસાગર તરવાની તે પ્રથમ ક્રિયા છે.

સાચા હૃદયથી શત્રુભાવને વિસારી, માત્ર એક બીજા પ્રત્યે મૈત્રીભાવ વ્યક્ત કરીએ અને પરસ્પરના શત્રુભાવની વૃદ્ધિ કરતા નિમિત્ત અને કારણોનું સંશોધન કરી સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું તો વર્ષોનો શત્રુભાવ ક્ષીણ થશે અને ક્રમે કરીને શૂન્ય પણ થશે. આ પ્રમાણે જ અન્ય દેશ, સામ્રાજ્યનો વ્યવહાર હશે તો આ પૃથ્વી પર સ્વર્ગનું આવતરણ થશે. અસંભવ આ સ્વપ્ન સાકાર કરવા આપણા સ્વયંથી જ શુભારંભ કરી જગત સઘળાના મિત્ર બનીએ એ જ અધ્યાયનો સંદેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન