સેલફોનથી શસ્ત્રો સુધીઃ આત્મનિર્ભર થવાનો પડકાર - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સેલફોનથી શસ્ત્રો સુધીઃ આત્મનિર્ભર થવાનો પડકાર

સેલફોનથી શસ્ત્રો સુધીઃ આત્મનિર્ભર થવાનો પડકાર

 | 8:35 pm IST

કોઈપણ વ્યક્તિ કે રાષ્ટ્ર માટે આત્મસન્માન સૌથી મહત્ત્વનું સ્ટેટસ છે – આ સન્માન માટે આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે. હિન્દુસ્તાનમાં વડાપ્રધાનની અપીલ બાદ લોકોમાં આત્મનિર્ભરતાની આબોહવા સર્જાઈ છે. છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે હિન્દુસ્તાને છલાંગ લગાવી છે. ૧૯૫૧માં ૬ કરોડ ટન અનાજ પકવતા દેશમાં આજે અનાજનું ઉત્પાદન ૩૦ કરોડ ટનને આંબવા જઈ રહ્યું છે જેમાંથી ૨ કરોડ ટન ખેત ઉત્પાદનોની નિકાસ થાય છે. બેકગ્રાઉન્ડમાં ‘મેરે દેશકી ધરતી સોના ઉગલે-ઉગલે હીરે મોતી…’ ગીત વાગતું હોય તેવું આ રૂપકડું દૃશ્ય છે, પરંતુ ખેત મંત્રાલયના ડેટા જ દર્શાવે છે કે ભારત ઘઉંની અને ખાદ્યતેલોનો મોટો આયાતકાર દેશ છે.

ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સમાં ભારત ૧૦૩મા અને ઓક્સફામ ફૂડ અવેલિબિલિટી ઈન્ડેક્સમાં ભારત ૯૭મા ક્રમે છે. ૨૦૧૮ના ઈકોનોમિક સરવેમાં માથા દીઠ અનાજનો આંક ૪૮૭ ગ્રામ દર્શાવાયો હતો. જે ૧૯૬૧થી ૫૦૦ ગ્રામની નીચે જ રહ્યો છે. ૧૯૯૧માં માથા દીઠ અનાજ ૫૧૦ ગ્રામ સુધી પહોંચેલું પણ એ આંક ટકી શક્યો નથી.

પ્રતિ વ્યક્તિ વાર્ષિક ૧૮૬.૨ કિલો અનાજના ભારતના આંક સામે ૨૦૦૫માં ચીનમાં આ આંક ૪૫૦ કિલો, બાંગ્લાદેશમાં ૨૦૦ કિલો અને અમેરિકામાં ૧૧,૧૦૦ કિલો હતો.

ભારતમાં માથા દીઠ આવક રૂ.૬,૨૭૦થી વધીને ૯૩,૨૯૩ થઈ હોવા છતાં ખાનપાનનો સરવે દર્શાવે છે કે ગ્રામ્ય ભારતમાં ૩૦% અને શહેરોમાં ૨૦% જેટલાં જરૂરી તત્ત્વોની કમી જણાઈ છે. ૫૦% લોકો ખેતી સાથે સંકળાયેલા હોવા છતાં દેશમાં કૃષિક્ષેત્રે માત્ર ૧૦% ઈન્વેસ્ટમેન્ટ થયું છે. ખેતીપ્રધાન દેશમાં ભૂખમરો અને કેલરીની કમી દૂર કરવા એ આત્મનિર્ભર થવાની મુખ્ય શરતો છે.

અમેરિકામાં નાગરિકો અને પશુઓના પૂરતા વપરાશથી સરપ્લસ હોય એટલા જ ખાદ્યાન્નની નિકાસ થાય છે. ભારતમાં આવી પોલિસી નથી. દેશમાં પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશમાં સરપ્લસ ઉત્પાદન થાય છે પરંતુ દેશમાં ફૂડ મેનેજમેન્ટ બહુ કંગાળ છે. સ્ટોરેજ અને પરિવહનની આદર્શ વ્યવસ્થા ન હોવાથી અનાજનો બગાડ થાય છે. દુકાળનાં વર્ષાેમાં ભારતે ૬૦ લાખ ટન ઘઉંની આયાત કરેલી, આવું જ ખાંડ માટે થયેલું. અનાજના ઉત્પાદનના થોડા આંકડાથી ફૂડ સિક્યોરિટી થતી નથી. જાહેર વિતરણ વ્યવસ્થા અને આયાત-નિકાસ નીતિ બંને મહત્ત્વનાં છે. દેશમાં વિરોધાભાસી બાબત એ પણ છે કે માથા દીઠ અનાજ ઉપલબ્ધિ વધતી નથી ને દેશ ૧.૨ કરોડ ટન ચોખાની નિકાસ કરે છે. દેશમાં ૬૦% ખાદ્યતેલ અને એક તૃતિયાંશ કઠોળ આયાતી વપરાય છે.

DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના ચીફ સતીશ રેડ્ડીએ ગત વર્ષે જાહેરાત કરેલી કે આવતાં પાંચ વર્ષમાં ભારત સંરક્ષણક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જશે. ૭૩.૬૫ બિલિયન ડોલરનું ડિફેન્સ બજેટ ધરાવતા ભારતમાં સંરક્ષણના પ્રકલ્પોમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ ઉપર જોર મૂકવા સાથે મેરિટાઈમ સર્વેલન્સ એરક્રાફ્ટ્સ, પ્રિડેટર-બી, ડ્રોન માટે ૪.૬ બિલિયન ડોલરની અને ઈન્ડિયન નેવીને રશિયાથી ન્યૂક્લિયર સબમરીન અને સ્ટીલ્થ ફ્રીગેટ મળી શકે છે જેની ૪.૫૬ બિલિયન ડોલરની ડીલ થઈ છે.

સંરક્ષણના મોરચે વિશ્વમાં કદની દૃષ્ટિએ ઈન્ડિયન આર્મી ત્રીજા ક્રમે, એેરફોર્સ ચોથા અને નૌકાદળ સાતમા ક્રમે છે- પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં ચીન જેવા ‘પડોશી’ઓના કારણે ભારત માટે ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ માટે આત્મનિર્ભર થવાનો પડકાર છે જ. આમ છતાં પોખરણ-II પછી ભારત સુપરપાવર તરીકે ઉભરી રહ્યું છે. DRDOના મલ્ટિપલ રોકેટ લોન્ચર પિનાકા, આકાશ મિસાઈલ, અર્જુન બેટલ ટેન્ક શાનદાર ઉદાહરણો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે યુટિલિટી હેલિકોપ્ટર ધ્રુવ બનાવ્યું છે. મલ્ટિરોલ લાઈટ ફાઈટર તેજસ પણ મોટી સિદ્ધિ છે.

ભારત દ્વારા જે ચીજવસ્તુઓની મોટાપાયે આયાત થાય છે તેમાં ક્રૂડ ઓઈલ મોખરે છે. ૬૫ લાખ ટન વપરાશમાંથી ભારતનો ઇંધણનો વપરાશ આજે ૧.૮૦ કરોડ ટન છે. આયાતનું મૂલ્ય છે, ૧૭૭.૫ બિલિયન ડોલર. ભારતમાં વપરાતી ઈલેક્ટ્રોનિક આઈટમ્સમાંથી ૫૦% ચીનથી આવે છે. હવે તેમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોબાઈલ ફોનની આયાતનું વોલ્યૂમ ઘટીને પણ અત્યારે ૪૦ કરોડ ડોલર છે. ઓર્ગેનિક કેમિકલ, હેવી મશીનરી, પ્લાસ્ટિક, વેજિટેબલ ઘી, આયર્ન-સ્ટીલની પણ ભારત મોટાપાયે આયાત કરે છે.

વિશ્વના દેશોની સ્થિતિ જુઓ તો યુ.કે. ૩૮ ટકા ખાદ્યાન્ન આયાત કરે છે. સ્ટ્રોબેરી યુ.કે.માં પુષ્કળ થાય છે પરંતુ સ્પેનની સ્ટ્રોબેરી યુ.કે. સસ્તામાં મેળવે છે. ઓઈલનો ભંડાર ધરાવતું સાઉદી અરેબિયા ૮૦% ખાદ્યાન્ન આયાત કરે છે.

વિશ્વમાં ૧૬% લોકો બીજા દેશોના અનાજ પર નિર્ભર છે- આ આંક ૨૦૫૦માં ૫૦% થઈ જવાની ધારણા છે.

ઝૂમ ઇન

જિંદગી કી રાહોં મેં ઐસા અક્સર હોતા હૈ

ફેંસલા જો મુશ્કિલ હો વો હી બહેતર હોતા હૈ

ઝૂમ આઉટ

એક સૂરજ હોય તો શું થયું, ભલા ?

હોય છે, દિવસ બધાનો અલગ અલગ

fb/ jayesh thakrar wide angle

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન