ફ્રોમ રશિયા વિથ લવ - Sandesh

ફ્રોમ રશિયા વિથ લવ

 | 10:50 pm IST

વર્ષો પહેલાં જેમ્સ બોન્ડ શ્રેણીની એક ફિલ્મ બની હતીઃ ‘ફ્રોમ રશિયા વિથ લવ’ જે અત્યંત લોકપ્રિય ફિલ્મ સાબિત થઈ હતી.

આજે વાત ભારત રશિયા વચ્ચેના સંબંધોની છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ રશિયા જઈ આવ્યા. તેમણે વ્લાડિવોસ્તોક ખાતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મોડી રાત સુધી બેઠકો કરી. પીએમ મોદીએ પુતિન માટે ‘માય ફ્રેન્ડ પુતિન’ એવો શબ્દપ્રયોગ કર્યો. એ વખતે પ્રેસિડેન્ટ પુતિનની બોડી લેંગ્વેજ પણ ઉષ્માસભર અને મૈત્રીપૂર્ણ હતી.

પ્રેસિડેન્ટ પુતિનની સાથે થયેલી મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું: ‘ભારત અને રશિયા બંને દેશો કોઈપણ દેશના આંતરિક મામલાઓમાં બહારના હસ્તક્ષેપની વિરુદ્ધ છે.’

બંને દેશોના નેતાઓએ વેપાર, નિવેશ, તેલ અને ગેસ, પરમાણુ ઊર્જા, સુરક્ષા, અંતરીક્ષ અને સમુદ્રી સંપર્કમાં પરસ્પરનો સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. આર્િટકલ ૩૭૦ની બાબતમાં રશિયાએ ભારતને ખુલ્લું સમર્થન આપ્યું. ભારતની ગગનયાન પરિયોજના માટે પણ ભારતના અંતરીક્ષયાત્રીઓને ટ્રેનિંગ આપવા રશિયા સંમત થયું.

પ્રેસિડેન્ટ પુતિનની હાજરીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આડે હાથ લીધું. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાની બાબતમાં ભારત-રશિયાનું સ્પષ્ટ વલણ પાકિસ્તાન માટે એક સખત સંદેશ છે. આડકતરી રીતે પાકિસ્તાનની પીઠ પંપાળી રહેલા અમેરિકાને પણ સખત સંદેશ મોકલી આપવામાં આવ્યો કે ભારત અને રશિયાની મૈત્રી સાચુકલી, ટકાઉ અને મજબૂત છે.

એમાંય તામિલનાડુના કુડનકુલમ ખાતે આવેલા ભારતના પરમાણુ સંપન્નના નિર્માણમાં રશિયા સહયોગ કરશે એ વાત સ્પષ્ટ થતાં આખી દુનિયાને પણ એ સંદેશ ગયો છે કે ભારત અને રશિયા યુદ્ધ અને શાંતિ એ બંને સમયે એકબીજાની સાથે રહેશે.

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વર્ષોપુરાણા છે અને આ સંબંધોની શરૂઆત પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કરી હતી. નહેરુ એ વખતના સોવિયેત સંઘના સમાજવાદથી પ્રભાવિત હતા પરંતુ સામ્યવાદી વિચારધારા ભારતમાં લાવવા માંગતા નહોતા. એમણે એમાંથી ‘સમાજવાદ’ લીધો અને ભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થાની હેઠળ જ મોટાં મોટાં પબ્લિક સેક્ટર્સ વિકસાવ્યાં. એમની વિચારધારાને એ વખતના રાજકીય વિશ્લેષકોએ ‘ડેમોક્રેટિક સોસિયાલિઝમ’ અર્થાત્ લોકતાંત્રિક સમાજવાદ એવું નામ આપ્યું હતું.

ભારતને આઝાદી મળી તે પછી અમેરિકા અને રશિયા વચ્ચે અત્યંત તનાવપૂર્ણ સંબંધો હતા. ક્યારેક તો અણુયુદ્ધ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ હતી. એ દિવસોમાં નહેરુ અને સોવિયત સંઘનાં વડા નિકિતા ખુશ્ચોવ વચ્ચે નિકટની મૈત્રી હતી. ૧૯૫૫માં ખુશ્ચોવ ભારતની યાત્રાએ આવ્યા હતાં. એ વખતે જ તેમણે શ્રીનગરની ધરતી પર ઊભા રહી કહી દીધું હતું કે ‘જમ્મુ અને કાશ્મીર અંગે ફેંસલો થઈ ગયો છે અને તેનો ભારતીય સંઘમાં વિલય બાદ જમ્મુ અને કાશ્મીર ભારતનો જ અભિન્ન હિસ્સો છે.’

પાકિસ્તાને જ્યારે જ્યારે જમ્મુ અને કાશ્મીર પર પોતાની શેતાની નજર નાંખવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યારે રશિયા હંમેશાં ભારત સાથે ઊભું રહ્યું.

એ જ રીતે ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પણ રશિયાએ ભારતને જ સાથ આપ્યો. ૧૯૭૧ના યુદ્ધ વખતે પણ એમ જ થયું. પાકિસ્તાનના સમર્થનમાં અમેરિકાએ ભારતને ડરાવવા બંગાળની ખાડીમાં તેનો સાતમો નૌકાકાફલો મોકલ્યો જે અણુ શસ્ત્રોથી સજ્જ હતો. અમેરિકાની આ હરકત બાદ રશિયાએ સ્પષ્ટ એલાન કર્યું કે પાકિસ્તાનની મદદ માટે બંગાળની ખાડીમાં આવેલો અમેરિકાનો એટમિક સાતમો નૌકાકાફલો કાંઈ પણ હરકત કરશે તો તેની ‘ખૈર’ નથી. રશિયાની આ ચેતવણી પછી અમેરિકાનો સાતમો નૌકાકાફલો આવ્યો હતો તેવો જ ચૂપચાપ પાછો ચાલ્યો ગયો હતો.

ભારત અને રશિયાની મૈત્રીનાં અનેક ઉદાહરણો છે. રશિયામાં જ રહેતા અને રશિયામાં જ જન્મેલા રશિયન લેખક બોરિસ પાસ્તરનાક વર્ષો પહેલાં ‘ડો.ઝિવાગો’ નામની નવલકથા લખી હતી. એ કથા રશિયન ક્રાંતિની ભીતરની એક લવસ્ટોરી હતી પરંતુ એ વખતના સામ્યવાદી શાસકોને આ નવલકથામાં બોરિસ પાસ્તરનાકે વર્ણવેલી રશિયાની રાજકીય પરિસ્થિતિની વાસ્તવિક રજૂઆત ગમી નહીં. એ નવલકથા પર પ્રતિબંધ મુકાયો. રશિયામાં કોઈપણ અખબાર કે પ્રકાશક એ નવલકથા છાપવા તૈયાર નહોતા. ‘ડો.ઝિવાગો’ની હસ્તલિખિત પ્રત છુપાવીને ઈટાલી લઈ જવામાં આવી. આ નવલકથા સહુ પ્રથમવાર ઈટાલીમાં ૧૯૫૭માં પ્રગટ થઈ. આ જાણ્યા બાદ રશિયન સરકાર બોરિસ પાસ્તરનાક પર ખૂબ નારાજ થઈ ગઈ.

આ જ નવલકથાને ‘ન્યૂયોર્ક ટાઈમ્સની બેસ્ટસેલર બુક ‘ તરીકે નામના મળી. રશિયા વધુ ચીડાયું.

એવામાં ‘ડો.ઝિવાગો’ નવલકથા લખવા બદલ બોરિસ પાસ્તરનાકને નોબેલ પ્રાઈઝનો એવોર્ડ જાહેર થયો. આ કારણથી રશિયા ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું. સોવિયેત રશિયાની સરકારે આપેલી ધમકીના કારણે લેખક નોબેલ પ્રાઈઝ લેવા ન ગયા અને તે પછી પણ બોરિસ પાસ્તરનાકને જેલમાં મોકલી દેવાની કે દેશનિકાલ કરી દેવાની યોજના બનાવી. આ વાતની ખબર ભારતના એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પડી એટલે તેમણે તરત જ સોવિયેત રશિયાના વડા નિકિતા ખુશ્ચોવને સીધો પત્ર લખી બોરિસ પાસ્તરનાકને દેશનિકાલ ન કરવા સલાહ આપી. નહેરુની આ દરમિયાનગીરી બાદ ‘ડો.ઝિવાગો’ના લેખકને દેશનિકાલ કરવાની યોજના રશિયન સરકારે પડતી મૂકી. આવા હતા ભારત અને રશિયાના સંબંધો.

૧૯૬૦નાં વર્ષોમાં સોવિયેત સંઘ તરીકે ઓળખાતા રશિયામાં એ વખતના એક્ટર રાજ કપૂર પણ એટલા જ જાણીતા હતા. કે.અબ્બાસ લિખિત ફિલ્મો ‘શ્રી ૪૨૦’ અને ‘આવારા’ એ સામાન્ય લોકોની અને ફૂટપાથ પર રહેનારા ગરીબોની કથા પર બનેલી હતી. સમાજવાદી વિચારધારા પર આધારિત એ ફિલ્મો રશિયામાં પણ લોકપ્રિય થઈ હતી અને એ કારણે રાજ કપૂર પણ નહેરુ જેટલા જ રશિયામાં જાણીતા બન્યા હતા. રશિયન લોકો હિન્દી ભાષા સમજતા નહોતા છતાં ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીત ગાતા હતા. રાજ કપૂર નરગિસને લઈ રશિયા ગયા ત્યારે તેમનું જબરદસ્ત સ્વાગત થયું હતું. કેટલાક રશિયનો તો રાજ કપૂર અને નરગિસને ભૂલથી પતિ-પત્ની માની બેઠેલા.

આવું રશિયા વર્ષોથી ભારતને પ્રેમ અને બધી જ સહાય કરી ભારતની પડખે ઊભું રહ્યું છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-રશિયાના મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ લઈ જવામાં જબરદસ્ત કૂટનીતિક સફળતા હાંસલ કરી છે.

રેડ રોઝ :- દેવેન્દ્ર પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન