તરુણીઓને સલાહ : અજાણ્યાથી સાવચેત રહો - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • તરુણીઓને સલાહ : અજાણ્યાથી સાવચેત રહો

તરુણીઓને સલાહ : અજાણ્યાથી સાવચેત રહો

 | 2:36 am IST

સમાજતરંગ । દિપા સોની

મેઘા સ્કૂલની બહાર નીકળી. વરસાદ ચાલુ હતો. આમ તો ઘર બહુ દૂર ન હતું. પણ વરસાદમાં સ્કૂલ બેગ સાથે ઘર દૂર લાગતું હતું. થોડીવાર ઊભી રહી. રિક્ષા મળે તો ઘર સુધી રિક્ષામાં જવાનું વિચારતી હતી. ત્યાં જ તેમની પાડોશમાં રહેતો કેતન બાઇક લઇને નીકળ્યો. મેઘાને જોઇને ઊભો રહ્યો અને ઘર સુધી લિફ્ટ આપવાની ઓફર કરી. આમ તો મેઘાએ ક્યારેય કેતન સાથે વાત કરી ન હતી. બસ પાડોશીના સંબંધો ઓળખતી હતી. એક મિનિટ તો ખચકાઇ ગઇ. પણ વરસાદનું જોર જોઇને હા પાડી દીધી અને કેતનની બાઇક પર બેસી ગઇ. આમ તો ઘર નજીક હતું પણ પાણી ભરાયેલું હશે એમ કહીને કેતને બીજા રસ્તે બાઇક ચલાવી. રસ્તા પર વારંવાર બ્રેક મારતો અને સોરી કહેતો… મેઘા કંઇ બોલી ન શકી. રસ્તામાં કેતને કોફી પીવાની ઓફર કરી. મેઘાએ ના પાડી તો આગ્રહ કર્યો અને હાથ પકડયો. હવે મેઘાને તેની દાનત સમજાઇ ગઇ. તે હાથ છોડાવીને દોડી ગઇ… થોડે દૂર રિક્ષા મળતા તેમાં બેસીને ઘરે આવી ગઇ.

જીવનમાં આવા કેટલાય બનાવો બનતા હોય છે. જો સ્પષ્ટ શબ્દોમાં કે વર્તનથી ન જણાવીએ તો ગેરસમજ થાય છે અને સામેવાળાની હિંમત વધે છે. આવા સંજોગોમાં સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દેવી જોઇએ. જો કે અજાણ્યાનો વિશ્વાસ કરવો જ ન જોઇએ. સામાન્ય રીતે સ્કૂલની ઉંમર એટલે મુગ્ધાવસ્થા. આ અવસ્થામાં મનની સ્થિતિ બહુ નાજુક હોય છે. સારી… ખોટી વાતનો ભેદ સમજાતો નથી અને ગમે તેના પર વિશ્વાસ મૂકી દેવાય છે. ખાસ કરીને આ ઉંમરે યુવતીઓનું મન ઇન્દ્રધનુષી રંગોથી રંગાયેલું હોય છે. તે એવું ઇચ્છે છે કે એવું કંઇક કરીએ કે જેથી બધાનું ધ્યાન તેના તરફ જાય. તેમાં ક્યારેક ટીવી સિરિયલ પણ ભાગ ભજવે છે, અવનવી ફેશન કરીને યુવતીઓ બધાનું ધ્યાન પોતા તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. આવા સમયે ઘરના વડીલો કે મમ્મીની વાત કે શિખામણ ગમતી નથી. એવું લાગે છે કે મમ્મી આપણી સ્વતંત્રતાને રોકે છે, પણ એક વાત સમજી લો કે અપાતી સલાહ કે શિખામણ તમારા ભલા માટે જ છે. મમ્નીને સમાજનો તમારા કરતા વધારે અનુભવ હોય છે એટલે તેની વાત સાંભળવી. આ ઉંમરે કદાચ ખરાબ લાગે પણ ભવિષ્ય માટે ઉપયોગી થાય છે. ક્યારેક મુગ્ધાવસ્થામાં ઘરના સભ્યોની જાણ બહાર કોઇ નિર્ણય લેવાયો હોય તો ક્યારેક તે નિર્ણય ખોટો સાબિત થાય અને તમારે સહન કરવું પડે. આવું ન બને એટલે તમારા જીવનની દરેક ઘટનાની જાણકારી મમ્મીને તો આપવી જ જોઇએ. કયારેક અજાણતા થયેલ ભૂલ કે ખોટો નિર્ણય લેવાઇ જાય તો મમ્મીની સલાહ લેજો. મમ્મી ક્યારેય તમને ખોટી સલાહ નહીં આપે, ગુસ્સો પણ નહીં કરે… બસ બહાર નીકળવાનો રસ્તો દેખાડશે.

અજાણ્યા માણસોથી હંમેશાં સાવચેત રહેવું. જો તમે રસ્તામાં વિહિકલ પર જતા હો… અને ઉંમરલાયક સ્ત્રી કે નાના બાળકો કહે કે થોડે સુધી લિફ્ટ આપો… તો ભૂલ ન કરતા ક્યારેક બાળકો રસ્તા પર ઊભા ઊભા રડતા હોય અને તમને દયા આવી જાય તે સ્વાભાવિક છે. રડતા બાળકને ઘર સુધી મૂકી આવવાનું મન થાય તે સ્વાભાવિક છે. પણ હવે અસામાજિક તત્ત્વોની આ ચાલ છે. ઘર સુધી બાળકને મૂકવા ગયેલી યુવતીને વાસનાનો શિકાર બનાવે છે. આનાથી ઉત્તમ કે તેને રિક્ષાના પૈસા આપી દેવા. માનવતા કરવા જતા ક્યારેક મુશ્કેલીમાં મુકાઇ જવાય છે. આથી અજાણ્યાને લિફ્ટ ન આપવી.

આવી જ રીતે કોઇ મોબાઇલ માગે કે ઘરે ફોન કરવો છે. મોબાઇલ આપશો? તો તે પણ ન આપવો જોઇએ. તમારા મોબાઇલમાંથી કોલ કરીને તમારા નંબર મેળવી પછી ક્યારેક હેરાન કરે. ખોટું બોલવું પડે તો બોલી લેવું કે મારી પાસે મોબાઇલ નથી. પણ આપણો મોબાઇલ કોઇને ન આપવો. ક્યારેક ના પાડવાથી સામેની વ્યક્તિ ગુસ્સે થાય, આડું અવળું બોલે, શ્રાપ આપતા હોય તેવું બોલે. તો પણ ચિંતા ન કરવી. બસ ત્યાંથી નીકળી જવું.

રસ્તામાં કારમાં બેઠેલી વ્યક્તિ રસ્તો પૂછે તો વિચારજો કે રસ્તા પર આટલા બધા માણસો છે તો તમને જ કેમ પૂછયું? સૌથી સરળ માર્ગ છે કે ‘સોરી મને ખબર નથી…’ એમ કહીને નીકળી જવું. એવું નથી કે બધા ખરાબ જ હોય… પણ આપણને તો ખબર નથી કે સાચું કોણ? એટલે જવાબ આપવાનું જ ટાળવું.

ક્યારેક મુસાફરી કરતી વખતે અજાણ્યાને દોસ્ત ન બનાવવા… રેલવેની લાંબી મુસાફરીમાં ઘણીવાર આજુબાજુના લોકો સાથે વાતચીતનો વ્યવહાર બંધાઇ જાય છે, પણ તે વ્યવહાર રેલવે સુધી જ સીમિત રાખવો, ઘરનું સરનામું કે નંબર ન આપવા. ઘરે આવવાનું આમંત્રણ પણ ન આપવું. અસામાજિક તત્ત્વો હવે રેલવેમાં પણ કુટુંબ લાગે તેવી રીતે વર્તતા હોય છે. તમને લાગે કે આ તો પતિ-પત્ની અને તેની દીકરી છે, પણ બની શકે કે ત્રણેય વચ્ચે કોઇ સંબંધ જ ન હોય. સંબંધ હોય તો માત્ર બીજાને છેતરવાનો… એટલે મુસાફરી દરમિયાન ધ્યાન રાખજો.

નાની ઉંમરમાં એ વાતનું પણ ધ્યાન રાખો કે દૂરના સગા-સંબંધી સાથે પણ વધારે સંબંધ ન રાખો. ક્યારેક સગા-સંબંધી પણ ‘દીકરી’ કહીને એવું વર્તન કરતા હોય છે કે ‘દીકરી’ના સંબંધને લાંછન લાગે. દરેકના સ્વભાવ એવા ન જ હોય. પણ સામેવાળાની વિકૃતિ ઓળખવાની શક્તિ છોકરીઓમાં હોય જ છે. બીજાનું વર્તન અલગ લાગે તો તરત સંબંધ ઓછો કરી નાખો. કોઇની સામે થોડીવાર જોતા રહીએ તો પણ પુરુષને એમ જ લાગે કે તમને તેનામાં કંઇક ગમવા જેવું લાગ્યું… અને તેનું વર્તન બદલાઇ જાય છે.

આટલી સલાહનો અર્થ એ નથી કે બધાથી અલગ થઇને રહો… હસવા-બોલવાનું બંધ કરી ગંભીર બનીને જીવો, કોઇ પર વિશ્વાસ ન કરો… પણ કહેવાનો મતલબ એટલો જ છે કે અજાણ્યા પર વિશ્વાસ ન કરો. દુનિયામાં બધા જ ખરાબ નથી પણ સારા લોકો માંડ પાંચથી દસ ટકા જ હશે… સારા ખોટાનો ભેદ પારખો અને દરેક સાથે અંતર નિશ્ચિત કરો. તમારી આજ તમારી કાલને ઉજ્જવળ બનાવશે.

બસ… થોડી નજર તેજ રાખો…. દિમાગથી વિચારો… અને તમારી જાતને સલામત રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન