આ નુસખા અજમાવી ખરતા વાળની સમસ્યાથી હંમેશાથી મેળવો છુટ્ટી - Sandesh
 • Home
 • Fashion & Beauty
 • આ નુસખા અજમાવી ખરતા વાળની સમસ્યાથી હંમેશાથી મેળવો છુટ્ટી

આ નુસખા અજમાવી ખરતા વાળની સમસ્યાથી હંમેશાથી મેળવો છુટ્ટી

 | 7:00 am IST

મોટાભાગની મહિલાઓને આ સમસ્યા હોય છે કે તેમના વાળ ખૂબ ખરે છે. વાળ ખરવા પાછળનાં અનેક કારણ જવાબદાર છે, જેમ કે, ખોડો થવો, કોઈ બીમારીને કારણે, હવાના પ્રદૂષણના કારણે, ખાણીપીણી તેમજ વાળમાં આડેધડ ઉપયોગમાં લેવાતાં કેમિકલ. જો તમે ઈચ્છતા હોવ કે તમારા વાળ ખરવાનું બંધ થઈ જાય તો થોડો સમય ફાળવી તેની કેર કરવી પણ જરૂરી છે. અને જો તમે એ મૂંઝવણમાં હોવ કે તેની કેર કેવી રીતે કરવી જેનાથી તમારા વાળ ઓછા ખરે તો ડોન્ટ વરી, આજે તમને જણાવીશું કેટલાક સરળ નુસખા જેનાથી તમારા વાળ ખરતા ઓછા થશે.

વાળ ધોતાં પહેલાં શું કરવું?

 • નહાતા પહેલાં વાળમાં કાંસકો ફેરવો. તેનાથી નહાતી વખતે વાળ ભીના થતા વધારે ગૂંચ પડશે નહીં અને વધારે વાળ તૂટશે નહીં.
 • વાળને ધોવા માટે હંમેશાં ઠંડા પાણીનો ઉપયોગ કરો, કારણ કે ઠંડા પાણીથી વાળ સીધા અને મજબૂત બને છે.
 • સ્વસ્થ વાળ માટે તેલને હૂંફાળું ગરમ કરીને તેનાથી વાળમાં માલિશ કરો ને ત્યારબાદ વાળને સ્ટીમ આપો. વાળ મજબૂત અને ચમકીલા બનશે
 • વાળનાં મૂળિયાંમાં લીંબુ અને આમળાંનો રસ ભેળવીને લગાવો. આખી રાત રહેવા દઈ સવારે પાણીથી ધોઈ લો. માથામાંથી ખોડો નીકળી જશે.

વાળ ધોયા બાદ શું કરવું?

 • વાળ ધોતી વખતે ઝીણા દાંતાવાળા કાંસકાનો ઉપયોગ કરવો તેનાથી વાળમાં નાખેલું કંડિશનર આખા વાળમાં સારી રીતે લાગશે.
 • વાળ ધોતી વખતે તેમાં ગૂંચ પડી હોય તો વાળમાં કંડિશનર કરીને આંગળીઓને ધીરેધીરે વાળમાં છેડા સુધી ફેરવો. ગૂંચ સરળતાથી નીકળી જશે.
 • ભીના વાળને સૂકવતી વખતે તેને બે ભાગમાં વહેંચી લો અને એક સાથે આખા વાળમાં કાંસકો ફેરવવાને બદલે થોડાથોડા વાળ લઈને કાંસકો ફેરવો તેનાથી ગૂંચ પણ સરળતાથી નીકળી જશે અને વાળ ખરશે પણ નહીં.

ખરતા વાળ રોકવાના કેટલાક ઘરેલુ ઉપાય

 • જ્યારે પણ વાળમાં મસાજ કરો હળવા હાથે જ કરવો. ઝડપથી અને દબાવીને મસાજ કરવાથી વાળના મૂળિયાં નબળાં પડી જાય છે અને વાળ તૂટી જાય છે.
 • સ્વસ્થ વાળ માટે અઠવાડિયામાં બે વખત હૂંફાળા તેલથી વાળમાં માલિશ કરો.
 • વાળને ચમકીલા બનાવવા માટે નિયમિત વાળમાં કંડિશનરનો ઉપયોગ કરવો.
 • ચાની ભૂકીમાં લીંબુનો રસ ભેળવી તેને વાળમાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે તેમજ વાળ ચમકીલા અને સુંવાળા બને છે.
 • જો વાળમાં ખોડો થઈ ગયો હોય તો પાંચ મિનિટ સુધી ડુંગળીનો રસ વાળમાં લગાવીને રાખવો. ત્યારબાદ ઠંડા પાણીથી વાળને ધોઈ લેવા.
 • ખોડાની સમસ્યા ચોમાસામાં અને શિયાળામાં વધારે પ્રમાણમાં થાય છે. આ માટે આ ઋતુમાં વાળની સફાઈ પર વધારે ધ્યાન આપવું.
 • એક કપ મેથીનાં બીજને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેની પેસ્ટ બનાવીને તેને વાળનાં મૂળિયાંથી લઈને છેડા સુધી લગાવો. ચાલીસ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ રીતે મહિનામાં એકથી બે વાર આ પેક લગાવો વાળ ખરવાનું બંધ થઈ જશે.
 • એક ઈંડાના સફેદ ભાગમાં એક ચમચી જેતૂનનું તેલ ભેળવો. આ મિશ્રણને વાળમાં લગાવો અને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી વાળમાં શેમ્પૂ કરીને ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ નુસખો અજમાવો.
 • હેર ટિપ્સ :- હેતા પટેલ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન