From the heroin to the fashion model, those who suffered the most suffered from body shaming
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • હિરોઇનથી લઇને ફેશન મોડેલ તરીકે પંકાયેલા લોકો સૌથી વધારે બોડી શેમિંગનો ભોગ બન્યા

હિરોઇનથી લઇને ફેશન મોડેલ તરીકે પંકાયેલા લોકો સૌથી વધારે બોડી શેમિંગનો ભોગ બન્યા

 | 7:20 pm IST

લાઈવ વાયર :- મયૂર પાઠક

આજકાલ બાલા ફિલ્મની ચર્ચા ખૂબ થઇ રહી છે. ૨૫ કરોડમાં બનેલી આ ફિલ્મે પહેલા છ દિવસમાં ૬૬ કરોડનું કલેક્શન કરી નાખ્યું છે. ચર્ચા આ ફિલ્મની કમાણીની નથી કરવી, ચર્ચા આ ફિલ્મની સ્ટોરીની કરવી છે. ફિલ્મની સ્ટોરી એક છોકરાની આસપાસ ફરે છે. કિશોર વયનો આ છોકરાના લાંબા, સિલ્કી વાળ તેની ઓળખ બની ગયા હતા. સ્કૂલમાં આ છોકરાના સુંદર વાળને કારણે છોકરીઓ પણ તેની આજુબાજુ રહેવાનું પસંદ કરતી હતી, પરંતુ છોકરો જેમજેમ યુવાન થતો ગયો તેમતેમ તેના વાળ ખરવા માંડયા અને ૨૫ વર્ષની ઉંમરમાં તો તેની રીતસર ટાલ પડી ગઇ. માથા પર વાળ ઉગાડવા યુવાન જાતજાતના નુસખા અજમાવે છે, પરંતુ સફળતા મળતી નથી. તેની ગર્લફ્રેન્ડ પણ છોડીને જતી રહે છે, નોકરીમાં પ્રમોશન મળતું નથી, યુવાનનાં લગ્ન પણ થતાં નથી. યુવાનની આખી જિંદગી વાળ ઉગાડવા પર અટકી જાય છે, પરંતુ ગયેલા વાળ કોઇ રીતે ઊગતા નથી. આખરે યુવાન વિગ પહેરે છે અને એક હિરોઇનને પટાવે છે. જે વાત લગ્ન સુધી પહોંચે છે. પરંતુ વિગની વાત આખરે બહાર આવી જાય છે. ત્યાર પછી ફિલ્મનો એન્ડ પણ મજેદાર છે.

બાલા ફિલ્મમાં જે વાત કોમેડી તરીકે રજૂ કરાઇ છે તે વાત હકીકતમાં બોડી શેમિંગની છે. દુનિયાભરમાં આજકાલ પરફેક્શનનો વ્યાપ એટલો વધી ગયો છે કે દરેકને પોતાના શરીરમાં કોઇક ને કોઇક ઉણપ લાગી રહી છે. કોઇકને પોતાનું વજન વધારે લાગે છે, કોઇકને પોતાના હોઠ પાતળા લાગે છે, કોઇકને પોતાનું નાક લાંબું લાગે છે. દરેકને પોતાના શરીરથી શરમ આવે છે. આ વાત બોડી શેમિંગ તરીકે ઓળખાય છે. દરેકને લાગે છે કે મારું બોડી પરફેક્ટ નથી અથવા તો મારા કરતાં બીજાનું બોડી વધારે સારું છે. બોડી શેમિંગની આ માનસિકતા એટલી હદ સુધી લોકોમાં ઘર કરી ગઇ છે કે વજન ઘટાડવા છોકરી ભૂખે મરે છે. ઘરની બહાર નીકળવાનું ટાળે છે. કોઇ જાહેર ફંક્શનમાં કે પાર્ટીમાં જતાં ડરે છે. બોડી શેમિંગને કારણે જાતજાતના વિચારો યુવક-યુવતીઓમાં આવતા હોય છે અને તેના કારણે ડિપ્રેશનનો ભોગ પણ બને છે.

નવાઈની વાત એ છે કે બોડી શેમિંગને કારણે માત્ર સામાન્ય માણસો પરેશાન છે તેવું નથી. પ્રખ્યાત હિરોઇનથી લઇને ફેશન મોડેલ તરીકે પંકાયેલા લોકો સૌથી વધારે બોડી શેમિંગનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. હોલિવૂડની વિખ્યાત એક્ટ્રેસ અને સિંગર સેલેના ગોમેજ બોડી શેમિંગનો ભોગ બની હતી તેવું તેણે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું છે. સેલેનાએ કહ્યું કે, હું એક રોગથી પીડાતી હતી અને કિડની અને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા પણ મને હતી. આથી મારા બોડી વેઇટમાં વધઘટ થયા કરતી હતી. આના કારણે મારા પર કોમેન્ટ થવાની શરૂ થઇ ગઇ. સોશિયલ મીડિયા પર મને ટ્રોલ કરવામાં આવી. આ કારણે હું ડિપ્રેશનમાં સરી પડી હતી. આ દિવસો મારા માટે ખૂબ જ તકલીફભર્યા હતા. મારી મજાક ઉડાવાતી હતી અને મને જિંદગી તકલીફદાયક લાગવા માંડી હતી.

હોલિવૂડની એક્ટ્રેસ સેલેના ગોમેજની જો આવી હાલત હોય તો બીજાની તો શું વાત કરવી ? બોલિવૂડની સંખ્યાબંધ એક્ટ્રેસ બોડી શેમિંગનો શિકાર બની છે. પ્રિયંકા ચોપરા અત્યારે બોલિવૂડની આગળ પડતી હિરોઇન છે પણ શરૂઆતમાં તેના બોડી શેપ અંગે પ્રોડયુસરો કોમેન્ટ કરતા હતા. સોનાક્ષી સિન્હાને તેના વધુ વજનને કારણે જ્યારે ટીકાઓનો સામનો કરવો પડયો હતો. જોકે સોનાક્ષીએ ભારે સંઘર્ષ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવ્યું. આજે બિન્દાસ રીતે સોનાક્ષી કહે છે કે, મેં જૈસી હૂં વૈસી હી રહુંગી, આપ કો દેખના હૈ દેખો, આપ કો નહીં દેખના હૈ તો મત દેખો. બોલિવૂડમાં ચાલેલી મી-ટૂ મૂવમેન્ટમાં આગળ આવીને બોલેલી સલૌની ચોપરા પણ બોડી શેમિંગનો ભોગ બનેલી છે. પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ માટે જાણીતી અભિનેત્રી વિદ્યા બાલને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કરીને બોડી શેમિંગને કારણે યુવતીઓને શું તકલીફ પડી રહી છે તેની જાણકારી આપી છે અને લોકોને અપીલ કરી છે કે ખરાબ કોમેન્ટ કરવાનું બંધ કરે.

બોડી શેમિંગ એ આજકાલ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ થઇ ગયો છે. આ માનસિકતા દૂર કરવા દુનિયાભરમાં ‘બોડી પોઝિટિવ મૂવમેન્ટ’ પણ શરૂ થઇ છે. મારું બોડી મારું છે અને તેેને હું લવ કરું છું. બીજા એના માટે શું વિચારે છે તેની મને પરવા નથી, તેવા સ્લોગન સાથે સોશિયલ મીડિયા પર આ મૂવમેન્ટ ચાલી રહી છે. બોડી શેમિંગનો ભોગ સંવેદનશીલ લોકો વધુ બને છે. તેમને સગાંઓ કે મિત્રો તરફથી સહેજ પણ આડી અવળી કોમેન્ટ મળે કે તરત જ તેઓ ડિસ્ટર્બ થઇ જતા હોય છે. બોડી પોઝિટિવ મૂવમેન્ટમાં એવું કહેવામાં આવે છે કે, તમારા બોડી માટે કોઇપણ કોમેન્ટ કરે તો તેને ધ્યાન પર ન લો અને તમે જ તમારા બોડી માટે પોઝિટિવ કોમેન્ટ્સ આપો.

આપણી આજુબાજુ માર્કેટિંગનું એવું જબરદસ્ત જાળું આપણને ભીંસી રહ્યું છે કે તમને સતત તમારા બોડી પ્રત્યે અણગમો થયા કરે. ફેરનેસ ક્રીમવાળા ટીવી પર જાહેરખબરો આપીને તમને સતત યાદ કરાવ્યા કરે છે કે તમારી ચામડીનો રંગ શ્યામ છે. તેને ગોરી કરવા અમારું ક્રીમ વાપરો. હેરઓઇલની જાહેરખબરો તમને સતત યાદ કરાવે છે કે તમારા વાળ ટૂંકા અને આછા છે તેને ભરાવદાર અને ઘટ્ટ બનાવવા અમારું ઓઇલ વાપરો (જોકે આ ક્રીમ કે ઓઇલ વાપરવાથી કોઇ ખાસ ફરક પડતો નથી), લેસર સર્જરીવાળા તમને કહે છે કે, તમારા ચહેરા પર ચશ્માં સારાં લાગતાં નથી, અમારી લેસર સર્જરીથી આંખના નંબર દૂર કરો અને ચશ્માંને ફગાવી દો.

લીપોસક્શન સર્જરીથી ચરબી દૂર કરવાવાળા કહે છે કે એક ઓપરેશન અમારી પાસે કરાવો, તમારું વજન અમે તમને ઘટાડી આપીશું. કોસ્મેટિક સર્જરીવાળા તમને યાદ કરાવે છે કે તમારી આંખ નીચે કાળાં કુંડાળાં છે, તમારા હોઠ પાતળા છે, તમારી બ્રેસ્ટ નાની છે કે મોટી છે અમે તેને શેપમાં લાવી આપીશું. તમે ટીવી જુઓ, અખબાર વાંચો કે સિટીમાં ફરવા જાઓ તો ર્હોિંડગ્સ પર આ બધી વાતો જ તમારા દિમાગમાં સતત અથડાયા કરતી હોય છે. પરિણામે ગમે તેવા મજબૂત મનોબળવાળી વ્યક્તિઓ પણ બોડી શેમિંગનો શિકાર બનતી હોય છે. હદ તો ત્યારે થાય છે કે તમે કપડાં ખરીદવા જાઓ ત્યારે ત્યાં લગાવેલાં પોસ્ટરોનાં મોડેલો પણ છ ફીટ હાઇટ અને ઝીરો સાઇઝનાં હોય છે. જનરલ ઇન્ડિયન ગર્લ્સ પાંચથી સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી હોય છે. તેમની સાઇઝનાં તૈયાર કપડાં શોધવાની ભારે તકલીફ પડે છે. યુવતીઓ જ્યારે રેડીમેઇડ ગારમેન્ટ્સ ખરીદતી હોય છે ત્યારે ગારમેન્ટ્સ લેન્થમાં મોટા હોય છે અને વિડ્થમાં ફીટ પડતા હોય છે. ટૂંકમાં, ફેશન ડિઝાઇનરો પણ એવાં કપડાં બનાવે છે જે તમારી સાઇઝનાં નથી. પરિણામે તમને એક એવી લાગણી થાય છે કે મારું બોડી પરફેક્ટ નથી, મારા બોડીમાં ઉણપ છે, મારી સાઇઝનાં કપડાં પણ મળતાં નથી.

બ્રાન્ડિંગના નામે કોસ્મેટિક કંપનીઓ એવો પ્રચાર કરી રહી છે કે અમારી પ્રોડક્ટ્સ નહીં વાપરો તો તમારી સુંદરતાનો કોઇ અર્થ જ નથી. અમારી પ્રોડક્ટ્સ વાપરશો તો જ તમે ખીલી ઊઠશો. આજે કોસ્મેટિક કંપનીઓનું ટર્નઓવર ૫૩૨ બિલિયન ડોલરને ટચ કરી ગયું છે. ૨૦૨૫માં ગ્લોબલ બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના માર્કેટની સાઇઝ ૭૧૬.૬ બિલિયન ડોલરને ટચ કરવાનો ટાર્ગેટ મુકાયો છે. આખી વાત હવે અહીં આવીને અટકે છે. જો તમારું બોડી જેવું છે તેવું પરફેક્ટ છે તેવી વાત વહેતી થાય તો બ્યુટીકેર ઇન્ડસ્ટ્રીઝનો ધંધો જોખમાઇ જાય તેમ છે. તમારા વાળ જેવા છે તેવા સારા છે, તમારું વેઇટ જેટલું છે તે સારું છે, તમારી હાઇટ જે છે તે બરાબર છે, આવી વાતો લોકોનાં મગજમાં ઠસી જાય તો બ્યુટી પ્રોડક્ટસ અને ફેશન ઇન્ડસ્ટ્રીઝનો ધંધો ઠપ થઇ જઇ શકે છે. પરિણામે આ ઇન્ડસ્ટ્રીઝ ફિલ્મ, ટીવી, મીડિયા, સોશિયલ મીડિયા પર જોરશોરથી એવો પ્રચાર કરી રહી છે કે તમારું બોડી પરફેક્ટ નથી, તમારું બોડી અમારાં બ્રાન્ડેડ કપડાંથી સારું દેખાશે, અમારી બ્યુટી પ્રોડક્ટ્સથી તમારી સુંદરતા વધારે નીખરશે અને આ વાતોથી જ આજનાં યુવક-યુવતીઓ ઇનસિક્યુરિટી ફીલ કરે છે. બોડી શેમિંગથી બચવું હોય તો તમારે સમજવું પડશે કે હું જેવો છું તેવો પરફેક્ટ છું, હું જેવો છું તેવો હું ખુશ છું.

શોર્ટસર્કિટ  

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરનું વજન ૮૯ કિલો હતું. તેણે ૨૦૦૭માં સાંવરિયા ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી ત્યારે તેણે ૩૫ કિલો વજન ઓછું કર્યું હતું. સોનમ કપૂર બોડી શેમિંગનો ભોગ બની હતી, પરંતુ તેને તેના પિતા અનિલ કપૂરનો ટોટલ સપોર્ટ મળ્યો હતો. અનિલ કપૂર હંમેશાં કહેતા કે, સોનમ મારા માટે હંમેશાં ખૂબસૂરત રહી છે. જ્યારે સુંદરતાની વાત આવે છે ત્યારે આપણે હકીકતમાં ફિઝિબિલિટી અને પર્સનાલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. મહિલાઓ જે સ્માર્ટ, ઇન્ટેલેક્ચ્યૂઅલ, કેરિંગ અને પરફેક્ટ હોય છે તે સુંદર હોય છે અને સોનમ આ રીતે સુંદર છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન