પૂર્ણયોગ પ્રકૃતિમાં લીન કરાવે - Sandesh

પૂર્ણયોગ પ્રકૃતિમાં લીન કરાવે

 | 12:06 am IST

પ્રભાતનાં કિરણો

આમ તો યોગ એટલે પરમાત્મા સાથેનું જોડાણ. પ્રભુ સાથેની એકતા. દેહધારી આત્મા જે ક્રિયા દ્વારા પરમાત્મા સાથે એકતા સાધે છે તે પ્રક્રિયાને આપણે સામાન્ય ભાષામાં યોગ કહીએ છીએ. પછી તો યોગાસનો દ્વારા થતો હઠયોગ હોય કે ધ્યાન, ધારણા, સમાધિ દ્વારા થતો રાજયોગ હોય કે કુંડલિની જાગૃતિ દ્વારા થતો તંત્રયોગ હોય કે પછી સરળ એવો ભક્તિયોગ હોય. પણ બધાનું ધ્યેય બ્રહ્મની અનુભૂતિ-આત્મસાક્ષાત્કાર-મોક્ષ રહેલાં છે. યોગસાધનાનો કોઈપણ માર્ગ મનુષ્યને મોક્ષ કે નિર્વાણ સુધી લઈ જાય છે. પણ એથી પ્રકૃતિ બદલાતી નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ સ્વીકારીને આ યોગમાર્ગો પ્રકૃતિથી અલગ થઈને, જીવનમાંથી બહાર નીકળી બ્રહ્મમાં લીન થઈ જવું, એ આદર્શ આપે છે. તેથી જ તો અત્યાર સુધી અનેક પ્રકારની યોગ-સાધનાઓ સિદ્ધ થયેલી હોવા છતાં માનવદુઃખો-મુશ્કેલીઓ ઉકેલી શકાયાં નથી, કેમ કે આ દુઃખો માનવપ્રકૃતિ સાથે જડાયેલાં છે. જ્યાં સુધી અત્યારે જે પ્રકૃતિમાં મનુષ્ય રહે છે, તે પ્રકૃતિ ન બદલાય ત્યાં સુધી આ દુઃખોનું નિવારણ થઈ શકે નહીં. આથી માનવપ્રકૃતિને જો દિવ્ય બનાવવામાં આવે તો જ માનવજાતિનાં દુઃખોનો કાયમી ઉકેલ થઈ શકે.   સાધના દરમિયાન જોવા મળ્યું કે મનથી ઉપર રહેલી પરમાત્માની પૂર્ણ-ચેતના અતિમાનસ ચેતના જો માનવ મન-પ્રાણ અને દેહમાં કાર્ય કરતી થાય તો આ નિમ્ન પ્રકૃતિનાં કારણો દિવ્ય પ્રકૃતિને ધારણ કરી શકે. એ માટેની જે સાધના છે તેને યોગીઓએ ‘પૂર્ણયોગ’ નામ આપ્યું છે. આ યોગમાં પ્રભુની પૂર્ણ શક્તિ દ્વારા માનવપ્રકૃતિનું દિવ્યતામાં રૂપાંતર કરવાની સાધના છે. અને એટલે જ આ યોગ પૃથ્વી ઉપર તદ્દન નવો જ યોગ છે. આ વિશે તેમણે જણાવ્યું છે; ‘પૂર્વે આ યોગની સાધના કરવામાં આવી ન હતી, જે કંઈ પ્રયત્નો થયા તે બધા તૈયારી જેવા જ હતા. જો કોઈએ એવો પ્રયત્ન કર્યો હશે, તો પણ તેની પરંપરા જળવાઈ રહેલી નથી. કાળના પ્રવાહમાં તે નષ્ટ થઈ ગઈ હશે.’ પ્રાચીન યોગમાર્ગોમાં સીધો પરાત્પરનો સાક્ષાત્કાર થઈ જાય પછી જગતને મિથ્યા ગણીને છોડી દેવામાં આવે છે, જ્યારે પૂર્ણયોગ જગતને મિથ્યા નહીં પણ પરમાત્માનો આવિર્ભાવ માને છે અને તેમાં જીવનમાં અને સમગ્ર જગતમાં પરમાત્મા જે અત્યારે ગુપ્ત રહેલા છે, તેને પ્રગટ કરીને સક્રિય કરવાના છે. યોગી યોગનો હેતુ સ્પષ્ટ કરતાં કહે છે કે મારું ધ્યેય એ છે કે ‘પ્રભુનો સાક્ષાત્કાર અને આવિર્ભાવ આ જગતની અંદર કરવો અને તે હેતુથી અતિમાનસ જેવી હજુ સુધી અપ્રગટ રહેલી શક્તિને અહીં નીચે લાવવી.’ આગળ તેઓ કહે છે કે જીવનની અંદર દિવ્ય આનંદ, દિવ્ય પ્રકાશ અને દિવ્ય શક્તિ લાવવાં. તેમને સક્રિય કરી જીવનનું રૂપાંતર કરવું. એ મારા યોગનો હેતુ છે.

પૂર્ણયોગનાં મુખ્ય ચાર લક્ષણો છે. જીવનનો સ્વીકાર એટલે કે સમગ્ર જીવન એ યોગ છે. બીજું રૂપાંતર, ત્રીજું આરોહણ અને અવતરણ અને ચોથું સમષ્ટિનો યોગ. આ યોગ એ જીવનને દિવ્ય બનાવવાની સાધના છે. એ જીવનને પૂર્ણ બનાવવાની પ્રક્રિયા છે. આથી જીવનની પ્રત્યેક બાબતોનો તેમાં સ્વીકાર કરવામાં આવે છે. યોગી કહે છે કે, ‘આપણે આ યોગમાં જગતની કોઈ વસ્તુનો ત્યાગ કરવા માગતા નથી. રાજકારણ, ઉદ્યોગ, સમાજ, કવિતા, સાહિત્ય, કલા વગેરે સઘળી વસ્તુઓ કાયમ રહેશે, પરંતુ આપણે એ વસ્તુને એક નવો આત્મા, નવું રૂપ આપવું પડશે.’  તેમાં ત્રણ તબક્કા બતાવાયા છે. પ્રથમ ચૈતસિક રૂપાંતર-જેમાં આત્મસાક્ષાત્કાર પછી આપણી પ્રકૃતિ પ્રભુના સીધા પ્રભાવ હેઠળ આવે છે. બીજું આધ્યાત્મિક રૂપાંતર જેમાં વ્યક્તિની ચેતના વૈશ્વિક ચેતના સાથે તદ્રુપ બની જાય છે. તેના અલગ વ્યક્તિત્વનો લોપ થાય છે. અને ત્રીજું અતિમાનસ રૂપાંતર. જેમાં બધી વસ્તુઓ દિવ્ય વિજ્ઞાનમય ચેતનાની અંદર અતિમાનસની રીતે રૂપાંતરિત થાય છે. આ છેલ્લી અવસ્થા સિદ્ધ થાય ત્યારે જ મન, પ્રાણ અને શરીરના સંપૂર્ણ રૂપાંતરની શરૂઆત થાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન