ફર્નિચરને સાફ કરવાના ઘરગથ્થુ ઉપાયો - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ફર્નિચરને સાફ કરવાના ઘરગથ્થુ ઉપાયો

ફર્નિચરને સાફ કરવાના ઘરગથ્થુ ઉપાયો

 | 12:28 am IST

ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, માઇક્રોવેવ વગેરે જેવી વસ્તુ અત્યારના સમયે સામાન્ય થઇ ગઇ છે, મોટાભાગે આ સાધનો દરેકના ઘરમાં હોય છે. તે જ પ્રકારે ફર્નિચર પણ સામાન્ય રીતે દરેકના ઘરમાં હોય છે, ફર્નિચરના પ્રકારો અને સ્ટાઇલમાં ચોક્કસ તફાવત જોવા મળે છે. સાફ અને સુંદર ફર્નિચર ઘરની શોભા વધારે છે. પરંતુ જ્યારે ફર્નિચર સાફ કરવાની વાત આવે ત્યારે મહિલાઓને કંટાળો આવતો હોય છે, તો કંટાળો ન આવે તેવી સરળ રીતે ફર્નિચર સાફ કરવાના ઉપાયો વિશે જાણીએ.

લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે બે ચમચી ઓલિવ ઓઇલ, ચાર ચમચી વિનેગર અને ત્રણ ચમચી ટરપેનટાઇન ઓઇલ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં મુલાયમ કપડું ડુબાડીને ફર્નિચર સાફ કરો.

પાણીમાં થોડીક ચાની પત્તી નાંખીને અડધો કલાક ઉકાળો. આ પાણીથી લાકડાનું ફર્નિચર તેમજ બારી-બારણાંના કાચ, અરીસો સાફ કરી શકાય છે.

લાકડાના ફર્નિચરને દર મહિને એક વખત ફિનાઇલવાળા પાણીનું પોતું મારવાથી તેમાં જીવજંતુ થતા નથી.

લોખંડનું ટેબલ કે કબાટના ખાનામાં કાટ લાગ્યો હોય તો એને પહેલા કાચ પેપરથી ઘસી લો, પછી એના પર મીણ લગાવી દો. એનાથી એમાં કાટ નહીં લાગે અને જલદી ખોલ-બંધ પણ થશે.

તિજોરી અને વોડ્રોબના કાચ સાફ કરવા માટે એની પર રદ્દી પેપર, ચોક અથવા ચૂનો ભીનો કરીને લગાવી દો. તે સૂકાઇ ગયા બાદ રદ્દી પેપરથી ઘસીને લૂછી લો.

વીજળીના ગોળા, ટયૂબલાઇટ અથવા અરીસાના કાચ પર માખીથી પડેલા ડાઘ લીંબુના રસ વડે સાફ કરવાથી તરત જ સાફ થઇ જશે.