ગગનયાન મિશન :  બે મહિનામાં એર ફોર્સ સંભવિત ૧૦ એસ્ટ્રોનોટ્સની પસંદગી કરશે - Sandesh
  • Home
  • India
  • ગગનયાન મિશન :  બે મહિનામાં એર ફોર્સ સંભવિત ૧૦ એસ્ટ્રોનોટ્સની પસંદગી કરશે

ગગનયાન મિશન :  બે મહિનામાં એર ફોર્સ સંભવિત ૧૦ એસ્ટ્રોનોટ્સની પસંદગી કરશે

 | 3:03 am IST

। નવી દિલ્હી ।

ભારતના પહેલા સમાનવ અંતરિક્ષયાન ગગનયાનમાં ત્રણ અવકાશયાત્રીઓ સફર કરવાના છે ત્યારે આગામી બે મહિનામાં ઈન્ડિયન એર ફોર્સ સંભવિત ૧૦ એસ્ટ્રોનોટ્સની પસંદગી કરશે અને એમને ટ્રેનિંગ આપશે. આ ૧૦માંથી છેલ્લે ત્રણ અવકાશ- યાત્રીઓને ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) નક્કી કરશે.

વાયુ દળના પાઇલટ્સ શા માટે?

એર ફોર્સના પાઇલટ્સ  અંતરિક્ષમાં જઈને તેમનું કામ પૂરું કરીને પાછા આવવાની વધારે  કાબેલિયત રાખે છે એથી તેમની પસંદગી થવાની છે. વળી  તેમની ટ્રેનિંગ પણ સખત રીતે થયેલી હોય છે.

કોણ શું કરશે?

ઈન્ડિયન એર ફોર્સ અવકાશયાત્રીઓને તૈયાર કરશે. ત્રણ અવકાશયાત્રીઓને આકાશમાં તમામ પ્રકારની લાઇફ સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવાનું કામ ડિફેન્સ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) કરશે. આ અવકાશયાત્રીઓ જ્યારે પૃથ્વી પર પાછા ફરશે ત્યારે તેમની કેપ્સ્યુલ દરિયામાં ખાબકશે અને અવકાશયાત્રીઓની ત્યારે સુરક્ષાની જવાબદારી નૌકા દળે લીધી છે.

શું છે ગગનયાન?

૨૦૧૮ની ૧૫ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  જાહેરાત કરી હતી કે ૨૦૨૨ પહેલાં ભારત પોતાની રીતે અવકાશયાત્રીઓને આકાશમાં મોકલશે. ગગનયાન ભારતનું પહેલું સમાનવ  અંતરિક્ષયાન છે અને એના માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મોટા ભાગે એ ૨૦૨૧માં જીએસએલવી માર્ક ૩ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. એમાં ૩.૭ ટનની કેપ્સ્યુલ તૈયાર થશે જે ત્રણ  અવકાશયાત્રીઓને આકાશમાં લઈ જશે. આ કેપ્સ્યુલ ધરતીથી ૪૦૦  કિલોમીટર ઉપર સાત દિવસો માટે પરિક્રમા કરશે. ત્યાર બાદ આ કેપસ્ય્લ પૃથ્વી પર પરત ફરશે. જો ગગનયાન પ્રોજેક્ટ સફળ રહેશે તો સફળતાપૂર્વક અંતરિક્ષમાં માનવોને મોકલનારો ભારત ચોથો દેશ બનશે. આ પહેલાં રશિયા, અમેરિકા અને ચીન આ કામ કરી ચૂક્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન