પ્રકૃતિ સાથેની રમત ક્યારે અટકશે! - Sandesh
  • Home
  • Columnist
  • પ્રકૃતિ સાથેની રમત ક્યારે અટકશે!

પ્રકૃતિ સાથેની રમત ક્યારે અટકશે!

 | 1:37 am IST

વિચાર સેતુ : વિનીત નારાયણ

દિલ્હીનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. દિલ્હીના કારખાના અને હાવનોનો ધુમાડો પહેલેથી ઓછો નહોતો. હવે હરિયાણામાં પરાળી બાળતાં ઊઠતો ધુમાડો ઊડીને દિલ્હી આવે છે. એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ આ પ્રદૂષણને કારણે દિલ્હીવાસીઓની સરેરાશ ઉંમર પાંચ વર્ષ ઘટી ગઈ છે. આ મુદ્દો શોરબકોર ખૂબ થાય છે પણ નક્કર કામ કાંઈ થતું નથી. દેશના અન્ય શહેરોમાં પણ પ્રદૂષણની આ જ સ્થિતિ છે. રોજબરોજના જીવનમાં કૃત્રિમ પદાર્થ, , રસાયણો, એરકંડિશનર,ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, ધરતી અને આકાશમાં કાર અને વિમાનોના ઉડ્ડયનને કારણે ફેલાતો ધુમાડો એમ બધું જ દિવસભર પ્રકૃતિમાં ઝેર ભેળવે છે. પ્રદૂષણ માટે માત્ર ભારત જવાબદાર નથી. વિશ્વનાં તમામ દેશમાં પ્રકૃતિ સાથે રમત રમાઈ રહી છે. જોકે પ્રકૃતિનું સંતુલન જાળવવું જરૂરી છે. સ્વાર્થવશ વૃક્ષો કાપવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ વધતી જાય છે.

પર્યાવરણના વિનાશથી જળ પુરવઠા પર સૌથી વધુ વિપરીત અસર પડી છે. તેને પગલે પીવાના પાણીનું સંકટ વધતું જાય છે. ભૂતકાળની સરકારોએ એવું લક્ષ્ય નક્કી કર્યું હતું કે તમામ ઘેરને પીવાનું પામી મળશે. પરંતુ તે લક્ષ્ય પૂરું નથી થઈ શક્યું. એટલું જ નહીં જે ગામોને અગાઉ પીવાના પાણીને મુદ્દે આત્મનિર્ભર માનવામાં આવતા હતા તે ગામો પણ પીછેહટ કરીને પીવાના પાણીનું સંકટ ધરાવતાં ગામોની શ્રેણીમાં આવી ગયા છે. પીવાના પાણીનો પુરવઠો પહોંચાડવા સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના શરૂ થઈ છે. અનેક રાજ્યોમાં તે યોજના માત્ર કાગળ પર જ છે.તે યોજના હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગની એ જવાબદારી છે કે દરેક ગામમાં જળ પુરવઠા માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક લોકોને પ્રેરે. તેમની સમિતિ બનાવીને તેમને આત્મનિર્ભર કરે. તે સરળ કામ નથી.

એક જિલ્લાને આધીન સરેરાશ ૫૦૦થી વધુ ગામ રહે છે. તેમાં વિવિધ જાતિ સમૂહો પોતપોતાની છાવણીઓમાં વહેંચાયેલા હોય છે. તેવી વિશમ સ્થિતિમાં એક અધિકારી કેટલા ગામોને પ્રેરિત કરી શકે? તેને કારણે સરકારની યોજના નિષ્ફળ થઈ રહી છે. આજથી ૩૭ વર્ષ પહેલાં હેન્ડ પમ્પ લગાવવાનું લક્ષ્ય નક્કી થતું હતું. તે પછી ચેકડેમ યોજના શરૂ કરીને પાણીની ટાંકી બનાવવામાં આવી. પરંતુ ભૂતળની પામીની સપાટી ઊંડી જવા લાગતાં આ યોજનાઓ નિષ્ફળ બનવા લાગી. આજે સ્થિતિ એ છે કે અનેક રાજ્યોના અનેક ગામમાં કૂવા સુકાઈ ચૂક્યા છે. ઊંડા બોર કરવા છતાં પાણી નથી મળતું. તળાવો તો પહેલેથી જ ઉપેક્ષાનો શિકાર બની ચૂક્યા છે. તેના કેચટમેન્ટ વિસ્તારોમાં અંધાધૂધ બાંધકામ થઈ ચૂક્યા છે અને તળાવમાં કચરો અને ગામના નાળા ઠાલવવાનું કામ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના હેઠળ કુંડ અને તળાવોના જીર્ણોદ્ધારની યોજના અમલી છે. પરંતુ તળાવો અને કુંડને બેઠા કરવામાં રાજ્ય સરકારો નિષ્ફળ રહી છે. જૂજ વિસ્તારમાં મનરેગા હેઠળ કુંડ જીર્ણોદ્ધારના કામ થયા હોય અને તેમાં જળસંચય થયો હોય. જળસંચય પીવા લાયક થયો હોય તેવું ભાગ્યે જ બન્યું છે.

બીજી તરફ પીવાના પાણીની યોજના હોય કે કુંડોના જીર્ણોદ્ધારની વાત હોય, બંને ક્ષેત્રમાં દેશના અનેક વિસ્તારમાં સ્વૈચ્છિક સંસ્થાઓને ભારે સફળતા મળી છે. કારણ સ્પષ્ટ છે. જ્યાં સેવા અને ત્યાગની ભાવના હશે ત્યાં સફળતા મળે જ. પર્યાવરણના સંદર્ભમાં દેશમાં ચર્ચા અને ઉત્સુકતા વધી છે. પરંતુ તેની અસર આચરણમાં જોવા નથી મળતી. કદાચ તેની ભયાનક અસરોને આપણે ઓળખી શક્યા નથી. કદાચ આપણને લાગે છે કે પર્યાવરણ પ્રતિ દુરાચરણ કરતા રહીએ તો પણ આટલા મોટા દેશ પર તેનો દુષ્પ્રભાવ નહીં પડે. તેના કારણે જ આપણે કૂવા, કુંડો અને નદીને ઝેરી બનાવીએ છીએ. વાયુમાં ઝેરી ધુમાડો છોડીએ છીએ અને વૃક્ષોને ઘાતકી બનીને કાપીએ છીએ. આપણા મકાન, રસ્તા અને સંસ્થાનો બનાવવા પહાડોને ડાયનેમાઇટ્સથી ઉડાવીએ છીએ પણ અપરાધભાવ નથી જ અનુભવતા. પ્રકૃતિ જ્યારે રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે થોડા સમય માટે વિચલિત થઈ જઈએ છીએ પરંતુ સંકટ ટળી જતાં ફરી વિનાશ શરૂ કરી દઈએ છીએ.   આપણા પર્યાવરણની રક્ષા માટે કોઈ પાડોશી દેશ ક્યારેય નહીં આવે. તે પહેલ તો આપણે જ કરવી પડશે. પર્યાવરણને ફરી આસ્થા સાથે જોડવી પડશે. પ્રકૃતિના પંચતત્ત્વોને સંભાળવા પડશે. કદાચ ત્યારે વિનાશ અટકશે. દેશની આર્થિક પ્રગતિના આપણે ગમે તેટલા દાવા કરીએ. પર્યાવરણ મંત્રાલય પર્યાવરણ જાળવણીના ગમે તેટલા દાવા કરે પરંતુ હકીકત એ છે કે જમીન, હવા, વનસ્પતિ જેવા તત્ત્વોની સુરક્ષા તો દૂરની વાત છે પાણી જેવા મૂળભૂત તત્ત્વને પણ આપણે બચાવી શકીએ તેમ નથી. દુઃખની વાત એ છે કે દેશમાં પાણીની કોઈ કમી નથી. વર્ષા ઋતુમાં ઇંદ્ર દેવ આ ધરતી પર જેટલું પાણી વરસાવે છે તેટલું પાણી ભારતનાં ૧૨૫ કરોડ લોકો, પશુપંખી અને વનસ્પતિને તૃપ્ત કરવા પૂરતું છે. પરંતુ અરબો રૂપિયા ખર્ચ કરીને મોટા બંધ અને નહેરો બાંધ્યા પછી પણ આપણે વરસાદી પાણીનો સંચય નથી કરી શકતા. તેને પરિણામે પૂરસંકટનો સામનો તો કરીએ જ છીએ, પરંતુ સાથે મીઠું પાણી નદી નાળા માફતે સમુદ્રમાં ભળી જાય છે.આપણે ઘેર સુધી આવેલી કુદરતી ભેટને સાચવી પણ શકતા નથી. પર્વતો પર ખનન પ્રવૃત્તિ, મોટાપાયે વૃક્ષછેદન, ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોથી થતું ઝરી ઉત્સર્જન અને પાણીનો અવિવેકશીલ ઉપયોગ આપણી સમક્ષ પીવાના પાણી અર્થાત જીવનદાયી શક્તિની ઉપલબ્ધતાનું સંકટ સર્જે છે. આઝાદી પછી આજ સુધી આપણે પીવાના પાણી અને સેનિટેશન પાછળ એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છીએ. તેમ છતાં આપણે પીવાના પાણીના પૂરતા પુરવઠાની વ્યવસ્થા નથી કરી શક્યા. ખેતરોમાં રાસાયણિક ખાતરોનો અંધાધૂધ ઉપયોગ ભૂજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની માત્રા ખતરનાક સ્તરે વધારે છે. આરોગ્ય પર તેની ખરાબ અસર પડે છે. બધાને બધી જ ખબર છે પરંતુ નક્કર કામ કાંઈ થતું નથી. જે દેશમાં નદીઓ, પર્વતો, વૃક્ષો, પશુપક્ષી, પૃથ્વી,વાયુ, જળ,આકાશ અને સૂર્ય – ચંદ્રની હજારો વર્ષથી પૂજા થતી રહી છે ત્યાં પર્યાવરણનો વિનાશ તે ઘટના ના સમજી શકાય તેવી ઘટના છે. પર્યાવરણને બચાવવા દેશવ્યાપી ક્રાંતિની જરૂર છે. આમ નહીં થાય તો આત્મઘાતી સુરંગમાં આપણે લપસતા જઈશું. જાગીશું ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હશે અને જાપાનના સુનામી જેવા કુદરતના રૌદ્ર સ્વરૂપના આપણે પણ શિકાર બની શકીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;