ગણપત યુનિવર્સિટીના શિલ્પી, પાટીદાર નેતા અને પૂર્વ ઉદ્યોગમંત્રીનું અવસાન - Sandesh
  • Home
  • Mehsana
  • ગણપત યુનિવર્સિટીના શિલ્પી, પાટીદાર નેતા અને પૂર્વ ઉદ્યોગમંત્રીનું અવસાન

ગણપત યુનિવર્સિટીના શિલ્પી, પાટીદાર નેતા અને પૂર્વ ઉદ્યોગમંત્રીનું અવસાન

 | 3:16 am IST

મહેસાણા, તા.૮

ગણપત યુનિવર્સિટીના શિલ્પી, પાટીદાર સમાજના સર્વ સ્વીકૃત આગેવાન, રાજયના પૂર્વ ઉદ્યોગ મંત્રી અને સફળ ઉદ્યોગકાર સહિત અનેકવિધ ઓળખ ધરાવતા અનિલભાઈ પટેલ ગુરુવારે સવારે ફાની દુનિયાને અલવિદા કરી ગયા. તેમની વિદાયથી ગુજરાતને ગણપત યુનિવર્સિટીના રૂપમાં વિશ્વ દરજ્જાની યુનિવર્સિટી આપનાર ગણપતભાઈ અને અનિલભાઈની જોડી તૂટી ગઈ.

ચાણસ્મા તાલુકાના લણવા ગામમાં ખેડૂત છતાં ક્રાન્તિકારી પિતા ત્રિભુવનદાસ પટેલને ત્યાં જન્મેલા અનિલભાઈ શરૂઆતથી જ ભણવામાં તેજ્સ્વી હતા. તેમના પિતાએ વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં પોતાની દસ વિઘા જમીન અર્પણ કરી હતી. ઢોર ચોરી સહિતનાં દૂષણો સામે સફળ લડત ચલાવવાના કારણે તેમના પિતાની હત્યા થઈ ત્યારે તેમની ઉંમર માત્ર ૩૮ વર્ષની જ હતી. આજે પણ તેમની શહીદ તરીકે વંદના થાય છે.

વલ્લભ વિદ્યાનગરમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી બીઈ મિકેનીકલની ડિગ્રી મેળવી માસ્ટર ડિગ્રી મેળવવા તેઓ અમેરિકા ગયા હતા. અમેરિકામાં સ્થાયી થવાને બદલે વતન પ્રેમના કારણે તેઓ પરત ફર્યા હતા અને એપોલો કંપનીની શરૂઆત કરી હતી. રોડ બનાવવાની મશીનરીના ઉત્પાદનમાં દેશમાં આ કંપની ટોચનું સ્થાન ધરાવે છે. જે તેમના બે પુત્રો આસિત અને આનંદ ચલાવે છે.

રાજકારણ તેમની પ્રકૃતિથી વિપરીત હતું. તેમ છતાં મહેસાણામાં ભાજપમાંથી ચૂંટાયા બાદ રાજયના ઉદ્યોગમંત્રી પણ બન્યા હતા. પાછળથી તેમણે પક્ષને ચૂંટણી લડવાની ના કહી હતી. પિતાના પગલે તેઓ સમાજ માટે જીવ્યા હતા અને મહેસાણામાં સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના તેઓ માત્ર ૩૩ વર્ષની વયે મેનેજિંગ ટ્રસ્ટી બન્યા હતા. ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. મહેસાણા ડિસ્ટ્રિકટ એજ્યુકેશન ફાઉન્ડેશનની રચના થતાં તેમનું ગણપતભાઈ પટેલ સાથે મિલન થયું અને ખેરવા નજીક ૩૦૦ એકર જમીનમાં ગણપત યુનિવર્સિટીએ આકાર લીધો. હાલમાં ૧૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ મહામાનવની ખોટ મહેસાણા જિલ્લાને અવશ્ય સાલશે. ગણપત યુનિવર્સિટીના સ્વપ્નદ્રષ્ટા અનિલભાઈ પટેલનો નશ્વરદેહ મહેસાણા પરા સ્મશાનગૃહમાં પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. આ અગાઉ તેમના નશ્વરદેહને ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધી વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ સામાજીક અગ્રણીઓના દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જયાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ, રમણભાઈ પટેલ, ખોડાભાઈ પટેલ, પી.કે.જાની, દશરથભાઈ પટેલ ઉપરાંત ર્ધાિમક સાધુ-સંતો સહિતના અગ્રણીઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ત્યાંથી તેમના નશ્વરદેહને પાલાવાસણા થઈ હાઈવે પર આવેલી એપોલો કંપની ખાતે લઈ જવાયો હતો. જયાં તેમના પરિજનો અને કંપનીના તમામ કર્મચારીઓએ ભાવભિની શ્રધ્ધાંજલી આપી હતી. ત્યારબાદ, હાઈવે સ્થિત અર્બન બેન્કના મુખ્ય મથકે દર્શનાર્થે રખાયા બાદ ડિસ્ટ્રીક્ટ બેન્ક થઈ પરા સ્મશાનગૃહે લઈ જવાયો હતો તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયાં હતાં. અંતે, આ મહામાનવનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.