ગાંધી-૧૫૦ : શું ન કરવું...   - Sandesh

ગાંધી-૧૫૦ : શું ન કરવું…  

 | 12:39 am IST

નવાજૂની : ઉર્વીશ કોઠારી

બરાબર એક મહિના પછી સરકારી રાહે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનાં ઉજવણાં શરૂ થશે. તેમાં ગાંધીજીની હાલત કંઈક અંશે ઉપરની કથામાં આવતા સર ગંગારામ જેવી થવાની પૂરી આશંકા છે. ગાંધીજીના મોઢે મેશ લગાડવાના પ્રયાસ કરનાર અને તેમના વિશે ધિક્કાર ફેલાવનારા પણ ગાંધી-૧૫૦ને વટાવી ખાવા ગાંધીના શરણે જશે. તેમના સતત કુપ્રચાર છતાં ગાંધીગાડી હજુ ચાલી રહી છે, એ જોઈને બધા ચલતા પૂર્જા ચાલુ ગાડીમાં ચડી બેઠા છે. બાકી રહ્યો ગાંધીના નામે ચરી ખાવાનો ધંધો. એ તો ગાંધીની હયાતીમાં જ શરૂ થઈ ચૂક્યો હતો. આમ, બે બાજુથી વહેરાતી અસલી ગાંધીની સ્મૃતિનું તેમની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે સાવ પરચૂરણીકરણ થઈ જાય, એ સંભાવના ગંભીર છે. તેની શરૂઆત છેલ્લા થોડા સમયથી થઈ ચૂકી છે.

આ સંજોગોમાં ગાંધી-૧૫૦ નિમિત્તે શું ન કરવું જોઈએ તેની કેટલીક સ્પષ્ટતા ઉપયોગી નીવડી શકે છે. સાચા ગાંધીપ્રેમીઓ આ અધૂરી યાદીમાં પોતાના તરફ્થી ઉમેરા પણ કરી શકે છે. પરંતુ ધુમાડાબંધ રીતે થનારાં ઉજવણાંમાં ગાંધીનું હાર્દ ખોવાઈ ન જાય, એટલા પૂરતી આ એક શરૂઆત.

વૈષ્ણવજનનું આલ્બમીકરણઃ ગાંધીજીના હાર્દ સુધી પહોંચવાની પળોજણમાં ન પડવું હોય તો સહેલો રસ્તો તેમનાં પ્રતીકોને પકડવાનો છે– જેમ સરકારી સ્વચ્છતા ઝુંબેશમાં ગાંધીના ચશ્માંને સંડોવી દેવામાં આવ્યા. ‘વૈષ્ણવજન’ એવું જ એક પ્રતીક છે, જેનું સહેલાઈથી બજારીકરણ કરી શકાય છે. એક સમાચારમાં વાંચ્યું કે આ ભજન જુદા જુદા દેશના મોટા ગાયકો પાસે ગવડાવવાનું વિચારાઈ રહ્યું છે. પછી ‘વૈષ્ણવજન’નું આલ્બમ બનશે. મેડોના સફેદ સાડીને પહેરીને એ ભજન ગાશે કે શાકિરા પંજાબી ડ્રેસ પહેરીને, એ હજુ જાણવા મળ્યું નથી. પણ આવું આલ્બમ ધારો કે ધૂમ મચાવે, તો પણ તેમાં ગાંધી ક્યાં આવ્યા? તેમનાં મૂલ્યો ક્યાં આવ્યાં? એ આલ્બમના વેચાણમાંથી ગાંધીને લગતું કોઈ કામ કરીને માર્કેટિંગને વાજબી ઠરાવવાની કોશિશ કરવામાં આવે, એ તો માથું કાપ્યા પછી પાઘડી પહેરાવવા જેવું ન ગણાય? અને જે લોકોને આવા કામ વિશે ‘આટલુંય કોણ કરે છે?’ એવો ભાવ થતો હોય, તેમને જણાવવાનું કે ‘આટલું’ જો આવું જ થવાનું હોય તો કશું ન થાય તે વધુ સારું.

ઘેલાઈભર્યા વિશ્વવિક્રમોઃ કામ કરનારા લોકો પોતાનું કામ કરે છે અને વિશ્વવિક્રમો નોંધાય છે, જ્યારે ધ્યાનભૂખ્યા, શોર્ટકટીયાઓ દરેક બાબતમાં વિક્રમો નોંધાવવા હડી કાઢીને છીછરી માનસિકતા દર્શાવે છે. ફ્લાણા ઠેકાણે એક સાથે વિક્રમી સંખ્યામાં લોકોએ ‘વૈષ્ણવજન’ ગાયું કે ઢીકણા ઠેકાણે વિક્રમી સંખ્યામાં લોકોએ ગાંધી મેરેથોન યોજી…

ગાંધીને ગાંધી બનવા માટે એકેય વિશ્વવિક્રમ નોંધાવવા પડયા ન હતા. તેમણે લખેલા પત્રોની સંખ્યા કદાચ એક જીવનમાં, એક માણસ દ્વારા લખાયેલા સૌથી વધુ પત્રોનો વિશ્વવિક્રમ હોઈ શકે, પરંતુ એ વિક્રમ ન હોય તો પણ તેનાથી શો ફ્રક પડે છે, એટલે સંખ્યાના કે નાણાંના જોરે વિશ્વવિક્રમો સ્થાપીને મોટાઈ અનુભવવાની લઘુતાગ્રંથિથી બચવું રહ્યું- કમ સે કમ ગાંધીને અંજલિ આપવાની બાબતમાં તો ખરું જ.

ગાંધીમૂલ્યોના ધંધાદારી બ્રાન્ડ એમ્બેસેડરઃ ગાંધીમૂલ્યો એ જાહેરખબરોનો મામલો નથી કે જેટલો મોટો બ્રાન્ડ એમ્બેસેડર, એટલો વધારે પ્રભાવ. ગાંધીના ઉપદેશને અમિતાભ બચ્ચનના ચહેરાની કે રાજકુમાર હીરાણીના ડાયરેક્શનની જરૂર નથી. ગાંધી અને નવરત્ન તેલમાં કે ગાંધી અને સંજય દત્તમાં એ પાયાનો ફ્રક છે. ગાંધીના મામલે, મૂળ ‘પ્રોડક્ટ’ એવી નથી કે તેને તારી દેવા માટે મોટા બ્રાન્ડ એમ્બેસેડરની જરૂર પડે. તેનો અર્થ એમ પણ નહીં કે બચ્ચન-હીરાણી ટાઇપના લોકોના પ્રયાસની ટીકા કરવી. સવાલ યોગ્ય તોલમાપ કરવાનો છે. ગાંધીની થોડીઘણી વાત કે વિચાર પહોંચાડવા માટે પણ પેકેજિંગના મોહમાં પડયા, તો રસ્તો ચૂક્યા સમજવું. ગાંધીને સારા પેકેજિંગ કરતાં પણ વધારે, પ્રમાણિક અને સાચકલા સ્વરૂપે રજૂ કરવાની જરૂર છે. ભેળસેળ વગરના, સો ટકા શુદ્ધ ગાંધી પોતે બધા બ્રાન્ડ એમ્બેસેડરના બાપ થાય એમ છે.

ધર્મ-અધ્યાત્મગુરુઓ અને ગાંધીઃ ધાર્મિક-આધ્યાત્મિક રજવાડાંથી ગાંધી દૂર જ રહ્યા અને લોકોના ધક્કે પણ પોતે એ ખાંચામાં ન સરી જાય તેની પૂરતી ચોંપ રાખી. ગીતા હોય કે કુરાન, ગાંધીએ ધર્મને માનવતાની ઉપર કદી સવાર થવા દીધો નહીં. કોમી તનાવના સમયમાં ધર્મ વિભાજન અને હિંસાનું કારણ બન્યો, ત્યારે પણ ગાંધીએ માનવધર્મનો મહિમા કર્યો. પોતે લોકો પાસેથી જે ફળો ઉઘરાવતા હતા, તેનો પૂરેપૂરો હિસાબ રાખ્યો. બારડોલી સત્યાગ્રહ કે પૂરરાહત વખતે એકઠાં થયેલાં નાણાંનો આના-પાઈનો હિસાબ તેમના સાપ્તાહિક ‘નવજીવન’નાં પાનાં ભરીને પથરાયેલો જોવા મળે છે. લોકસેવા અને ઉત્તરદાયિત્વનાં આવાં ગાંધીધોરણોથી વિપરીત આચરણ ધરાવતા અને સરકારો જોડેની સારાસારીમાં મહાલતા ધર્મગુરુઓ કે સ્યુડો-ધર્મગુરુઓ કયા મોઢે ગાંધીની વાત કરી શકે?

વિચારવાનું આપણે છે.

[email protected]