ગાંધી, મારા બાપુ ! - Sandesh

ગાંધી, મારા બાપુ !

 | 2:53 am IST

ચંદરવોઃ રાઘવજી માધડ

હાથ પડયો હાથ સૂઝે નહીં એવી ગાઢી વનરાજી, નજર ન પહોંચે તેવી ઊંચી પર્વતમાળા અને વચ્ચેથી પસાર થતો ભયનજક રસ્તો…વળી નીચે નજર કરો તો ઊંડી ખીણ. જીવ પડીકે બંધાઇ ગયા હતા. પણ બાંગ્લાદેશની બોર્ડર પાસેના સીલસરથી મિઝોરમના એઈઝવાલ જવાનો આ એક જ રસ્તો હતો.

ર્ફ્સ્ટ લુશન હિલ્સ પર પ્રભા આવી હતી. મિઝોરમ રાજ્યનું સૌથી ઊંચું હિલસ્ટેશન છે. અંગ્રેજોએ ઇ.સ. ૧૮૫૦માં હવાખાવાનાં સ્થળ તરીકે વિકસાવ્યું હતું. ખૂબ જ નવાઈ લાગી હતી. આજે પણ પહાડીઓ વચ્ચેથી પસાર થતાં મહામુશ્કેલી થાય છે, તો વરસો પહેલાં શું સ્થિતિ હશે ! કેવી રીતે આ બધું નિર્માણ કર્યું હશે ?

પ્રભાને વિચાર માત્રથી હબકી જવાતું હતું. પણ હવે તો જે છે તેને સ્વીકાર્યા વગર છૂટકો નહોતો.

વરસો પહેલા બે અંગ્રેજો, રસ્તો શોધતાને રસ્તો કરતા આ કામરૂદેશની ભૂમિ પર આવ્યા ત્યારે રાજાએ કોઈ વિશિષ્ટ પ્રાણી સમજી બંનેને પકડી લીધા હતા. તેને મારી, કાપી મિસ્ત ભોજનની જયાફ્ત કરવાની હતી. માણસના માંસમાં આ ગોરાઓનો સ્વાદનો ચાખવાનો હતો. પણ એક અંગ્રેજે સિગારેટ સળગાવવા લાઈટર કર્યું હતું. તે જોઈ રાજા અને તેની મિઝો પ્રજા તાજ્જુબ થઇ ગઈ હતી. જાદુઈ ચિરાગ સમજી ગોરાઓને બંદીવાનમાંથી મુક્ત કરી રાજના ખાસ મહેમાન ગણવામાં આવ્યા હતા. પછી તો ગોરાઓએ હળવે હળવે કળા કરી, કસબ દાખવી, પગપેસારો કરી ગરોળીની પૂંછડી જેવા મિઝોરમ મુલકને મુઠ્ઠીમાં કેદ કરી લીધું હતું.

પ્રભા આ પ્રદેશમાં પ્રવેશી ત્યારે એક કચ્છીમાડુ પણ સાથે હતો. બંનેએ ઓળખ માટે સરકારી પ્રૂફ્ આપવા પાડયા હતા. પ્રભાને નવાઇ લાગી હતી :’દેશનું એક એવું રાજ્ય છે કે અહીં ઓળખ આપવી પડે છે !’

એક નેશનલ કલ્ચરલ વર્કશોપ નિમિત્તે પ્રભા અહીં આવી હતી. સ્થાનિક માહોલથી મુક્ત થાવું હતું. જગતથી છૂટવું સહેલું હતું, પણ જાતથી છૂટવું અઘરું હતું. પ્રણયભંગ થયેલી પ્રભા, વનમાં આવી તો વનમાં વરાળ લાગી હતી. પ્રભાથી પ્રભાવિત થઇ સાવ નજીક આવેલા કચ્છીમાડુએ કહ્યું હતું: ‘શું કરવા તેની મને ખબર નથી, પણ આપ મને ગમો છો તે હકીકત છે.’

પ્રભા રીતસરની ચિત્કારી ઉઠી હતીઃ ‘પ્લીઝ..હું હારી ને થાકી ગઈ છું. હવે ઘાવ સહન કરવાની મારામાં હામ રહી નથી, મને માફ્ કરો !’

એક મહારાષ્ટ્રીયન મહિલાએ પ્રભાને સંભાળી લીધી હતી. વાંસામાં હાથ પ્રસરાવી સાંત્વન આપ્યું હતું. પછી કહ્યું હતું : ‘સ્ત્રીનું સંવેદન સ્ત્રી જ સમજી શકે. ઈશ્વરે પ્રેમની પારાવાર પીડાનો હિસ્સો સ્ત્રીના શિરે મૂક્યો છે. માત્ર ભૂમિકા અલગ-અલગ હોય છે – મા, બહેન, બેટી, પત્ની, પ્રેયસી…’

ગ્રૂપના સૌ સભ્યો થોડું ચાલીને ર્ફ્સ્ટ લુશન હિલ્સના એક પોઈન્ટ પર આવીને ઊભા રહ્યા હતા. ત્યાં વાંસની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. અડખેપડખે રંગબેરંગી ફ્ૂલછોડ અને પંચરંગી વેલીઓ હતી. ભાતીગળ ચંદરવા જેવો ઝરૂખો લાગતો હતો. અગણ્ય ઊંચાઈ પરથી પહાડી વનરાજીનો નજારો નીરખવા જેવો હતો. ત્યાં કોઈએ કહ્યું હતું:’આ સામે દેખાય તે બ્રહ્મદેશની બોર્ડર, એ કામરૂદેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું ચલન અને વર્ચસ્વ વધારે હોય છે !’ પ્રભાને થયું હતું કે, સ્ત્રીનું ચલણ વધારે હોય તો ત્યાં કામરૂદેશમાં જતાં રહીએ, ભલું થયું ભાંગી જંજાળ…પણ માંહ્યલી પીડાતો સાથે જ આવવાની હતી.

ભારત અને બ્રહ્મદેશની બોર્ડર પર પ્રભા ઊભી હતી. એકથી છૂટવું અને બીજાથી જોડાવું…આવી નાજુક અને દ્વિધાભરી બોર્ડર પર પણ ઊભી હતી. આ બધું કહેવું કોને ? કોની આગળ હૈયું હળવું કરવું ?

પોતાના જેમ દેશના વિવિધ રાજ્યોમાંથી પચાસેક જેટલા વેલ એજ્યુકેટેડ અને કલ્ચર એક્ટિવિટીમાં રસ ધરાવતા લોકો આવ્યા હતા. ઘણા સારા હતા, સંસ્કારી હતા પણ સ્વજન કોઈ નહોતા.

ર્ફ્સ્ટ લુશન હિલ્સ પરના વિશાલ ગ્રાઉન્ડમાં એક બાજુ ક્રોસમાં ઈસુ લટકતા હતા. આ સમજાય એવું હતું. પણ ઈસુના બરાબર સામે ગાંધીજીની મોટી પ્રતિમા હતી. એ ગુજરાતીઓ માટે ગૌરવનું સ્થાન બને તે સ્વાભાવિક હતું. અન્ય રાજ્યના લોકો, પ્રભાને ગુજરાતી હોવાના લીધે પ્રભાવિત થઇને પૂછતાં હતાં. તેમાં પ્રભા એ ઉમેરીને કહ્યું હતું : ‘ગુજરાતની છું એટલું જ નહીં, ગાંધીજીના ગામ પોરબંદરની પણ છું !’

પ્રભા બહારથી તો ગૌરવ અનુભવતી હતી પણ અંતરમાં તો દ્વિધા સાથેની પીડા ઉમટી હતી.

ગાંધીજી પ્રતિમા જોઈ પ્રભાને ઝબકારો થયો હતો. બાપુથી મોટા અહીં બીજા કોણ સ્વજન હોય શકે? મુઠ્ઠીઓ વાળીને દોડી હતી ને પ્રતિમા પાસે પોક મૂકીને રડવાં લાગી હતી.’બાપુ, મારામાંથી કોઈ છુટ્ટીને વછૂટી ગયું છે તેની હજુ કળ વળી નથી ત્યાં બીજા કોઈનો પદરવ સંભળાય રહ્યો છે હું શું કરું, બાપુ હું શું કરું !?’

મહારાષ્ટ્રીયન મહિલા પાછળ આવીને ઊભી રહી ગઈ હતી. તેણે કહ્યું હતું:’ જે થાય તે થવા દે, ઇશ્વર બધું સારા માટે જ કરતો હોય છે !’ પછી ગાંધીજીની પ્રતિમા સામે જોઈ, ગર્વ સાથે બોલી હતીઃ ‘અને આ વિશ્વ વિભૂતિ તારા જ નહીં, સૌ કોઈના છે..’ ત્યાં ભાવવિભોર થઇ પ્રભાએ કહ્યું હતું: ‘વાત સાચી પણ હું તો પોરબંદર ની…તેથી બાપ-દીકરીનો સંબંધ ગણાય !’ ત્યાં મહિલાએ મોઘમમાં કહ્યું હતું: ‘બાપુને પૂછી લીધુંને !’

પ્રભાના મોં પર પ્રેમાળ લજ્જાની લાલી છવાઈ ગઈ હતી.

ra_madha[email protected]