લો બોલ… ગાંધીધામનાં કાઈટ ફેસ્ટીવલમાં પતંગ જ ચોરાઈ ગયા

ડેપ્યુટી કલેકટર, પોલીસ તથા મામલતદારની હાજરીમાં ચોરી

259

દર વર્ષની જેમ આ વખતે પણ રાજયનાં પ્રવાસન નિગમ દ્વારા આયોજીત કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં લોકોનાં બદલે ફરજને કારણે આવેલા પદાધિકારીઓ, રાજકારણીઓ અને અધિકારીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. ગાંધીધામમાં બુધવારે યોજાયેલા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલમાં રહી સહી આબરૂનું ધોવાણ તો ત્યારે થયું જયારે પોલીસ અને ડેપ્યુટી કલેકટર તથા મામલતદારની હાજરીમાં અન્ય રાજયમાંથી આવેલા સ્ટોલમાંથી પતંગ ચોરાયા હતા. વિદેશી પતંગબાજો અને અન્ય સ્ટોલમાંથી ચોરી ન થાય તે માટે આ શરમજનક ઘટના અંગે માઈકમાં જાહેરાત કરવી પડી હતી.

ટીપીકલ સરકારી કાર્યક્રમ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પ્રોગ્રામમાં મોટા માણસો તેના નિયત સમય કરતા મોડા આવતા તેની શરૂઆત જ ખરાબ છાપથી થઈ હતી. વિદેશથી આવેલા પતંગબાજોને યોગ્ય સ્થાન ન મળવાને કારણે આર્જેટીના અને કોલંબિયાથી આવેલા મહેમાનોએ તો કાર્યક્રમમાંથી ચાલતી પકડવાની પણ તૈયારી કરી હતી. પરંતું આયોજકોનાં ધ્યાનમાં આવતા તેમની માફી માંગી લેતા મામલો માંડ શાંત પડયો હતો.

આટલું ઓછુ હોય તેમ અન્ય રાજયોમાંથી આવેલા લોકો દ્વારા ઉભા કરવામાં આવેલા સ્ટોલ પૈકીનાં રાજસ્થાનનાં સ્ટોલમાંથી કિમંતી પતંગ ચોરાઈ ગયા હતા. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ હતી કે દરેક સ્ટોલમાં પોલીસ કર્મચારીઓને સિકયોરીટી માટે બેસાડવા છતા ચોરીની આ ઘટના બની હતી. અન્ય કોઈ સ્ટોલમાંથી કે વિદેશી મહેમાનો ચોરીની ઘટનાનો ભોગ ન બને તે માટે માઈકમાં જાહેરાત થવાને કારણે સમગ્ર ઘટનાની લોકોને ખબર પડી હતી. આ વખતે કાર્યક્રમનાં મુખ્ય આયોજક એવા અંજારનાં નાયબ કલેકટર અને ગાંધીધામનાં મામલતદાર પણ સ્ટેજ પર હાજર હતા. કાર્યક્રમમાં લોકોની ભીડ ન હોવાને કારણે બપોરે તો સરકારી પ્રાથમિક શાળાનાં છાત્રોને ચાલુ સ્કુલે શહેરનાં સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં લાવવામાં આવ્યા હતા.