ગાંધીજી સ્થાપિત 'નવજીવન'નું શતાબ્દીએ 'નવસંસ્કરણ' - Sandesh
  • Home
  • Columnist
  • ગાંધીજી સ્થાપિત ‘નવજીવન’નું શતાબ્દીએ ‘નવસંસ્કરણ’

ગાંધીજી સ્થાપિત ‘નવજીવન’નું શતાબ્દીએ ‘નવસંસ્કરણ’

 | 2:15 am IST

ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતે-જાતે સ્થાપેલી સંસ્થાઓ પૈકી કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ અને મજૂર મહાજન સંઘે તેમના સંસ્થાકીય આયખાનાં સો વર્ષ પૂર્ણ કરીને શતાબ્દી ઊજવી. ગૂજરાત વિદ્યાપીઠ પણ જન્મશતાબ્દીની ઉજવણીની તૈયારીઓ કરી રહી છે. ગાંધીજી સ્થાપિત ‘નવજીવન’ સંસ્થાની પણ જન્મશતાબ્દીનો આરંભ ૭ સપ્ટેમ્બરથી થયો છે. ગાંધીજીનાં દક્ષિણ આફ્રિકાથી સ્વદેશાગમન બાદ ૧૯૧૫થી ૧૯૨૦ની વચ્ચે તેમણે જાતે સ્થાપેલી આ સંસ્થાઓ મૂળભૂત ઉદ્દેશ તો આઝાદીની લડત, શિક્ષણ અને લોકકેળવણી હતાં.

અમદાવાદમાં ઇંદુલાલ યાજ્ઞિાક જે ‘નવજીવન’ માસિક ચલાવતા હતા તે ૧૯૧૯માં તેમણે ગાંધીજીને સોંપ્યું અને ૭ સપ્ટેમ્બરે ગાંધીજીનાં તંત્રીપદે સાપ્તાહિકરૂપે તેનો પ્રથમ અંક પ્રગટ થયો જે ‘નટવર પ્રિન્ટિંગ’ નામના ખાનગી પ્રેસમાં છપાયું પણ ખાનગી પ્રેસ ગાંધીજીનાં સરકારની ટીકા કરતાં કડક લખાણો છાપવાની હિંમત કરતાં નહીં એટલે ખાનગી ‘મનહર પ્રિન્ટિંગ પ્રેસ’ ખરીદ્યું ને તેને ‘નવજીવન મુદ્રણાલય’ નામ અપાયું ને મુંબઈથી પ્રસિદ્ધ થતું ‘યંગ ઇન્ડિયા’ પણ અહીં છપાવા લાગ્યું. સ્વામી આનંદ જેવા સંપાદક ને શંકરલાલ બેન્કર જેવા પ્રકાશક મળ્યા. સંસ્થાનાં કોઈ પ્રકાશનોમાં જાહેરાતો ન લેવી, સંસ્થાનો અહેવાલ ને હિસાબ વર્ષ પૂરાં થતાં ૩ માસમાં આપવો અને સંસ્થાની તમામ પ્રવૃત્તિઓ સ્વાશ્રયનાં ધોરણે(દાન વિના) ચલાવવાનો સદાય આગ્રહ રાખવો.

૧૯૩૦માં સરકારે છાપખાનું જપ્ત કર્યું, છતાં ગુપ્તવાસમાં સામયિકો ચાલુ રહ્યાં અને ૧૯૩૧માં સરકારે પ્રેસની વેરણ-ખેરણ સામગ્રી પરત કરતાં પુનઃ ગાંધી રોડ પર બાલા હનુમાન પાસે પ્રેસ ને કાર્યાલય શરૂ થયાં પણ ૧૯૩૨માં ગાંધીજીની ધરપકડ થતાં લડતને કારણે બંને સામયિકો બંધ કરવાં પડયાં ને સરકારે કબજો લઈ લીધો ને તેને વેચી દેવાયું. એવામાં ૧૯૩૩માં જીવણલાલ દેસાઈ, કાકાસાહેબ અને મહાદેવભાઈ જેલમાંથી છૂટીને આવતાં પુસ્તકો છાપવા માટે નવજીવન પ્રકાશન મંદિર શરૂ કર્યું. ૧૯૩૭માં બદલાયેલા માલિક પાસેથી છાપખાનું પાછું મેળવ્યું અને ૧૯૩૯માં ‘શિક્ષણ સાહિત્ય’ નામનું માસિક શરૂ કર્યું. ૧૯૪૦માં તેને પણ બંધ કરવું પડયું. ૧૯૩૩માં પુુનાથી ગાંધીજીએ શરૂ કરેલાં અંગ્રેજી ‘હરિજન’,  હિન્દી હરિજન સેવક સંઘ અને ગુજરાતી ‘હરિજન બંધુ’ ૧૯૪૨માં અમદાવાદથી શરૂ કરાયાં. જે નવજીવન અને યંગ ઈન્ડિયા જેવાં સાપ્તાહિકોના નવા અવતાર સમાં હતાં પણ નવજીવનના વ્યવસ્થાપકની ધરપકડ થતાં કિશોરલાલ મશરૂવાલાએ હરિજનપત્રો સંભાળ્યાં. પાછું સરકારને ન ગમતાં મુદ્રણાલયને સીલ મારી રેકોર્ડ બાળી દેવાયો ને પ્રકાશન બંધ થયું જે ૧૯૪૬માં પુનઃ શરૂ થયું. જે ૧૯૪૮માં ગાંધીજીનાં અવસાન સુધી ચાલ્યાં ને ત્યાર બાદ દોઢેક માસ બંધ રહ્યા પછી મગનભાઈ દેસાઈનાં તંત્રીપદે પુનઃ શરૂ થયાં. જે ૧૯૫૬ સુધી ચાલ્યાં. આમ નવજીવન પ્રેસ અને કાર્યાલયનાં ઠેકાણાં ૧૯૫૦ સુધી જરૂરિયાત ને સંજોગો મુજબ ભાડે કે ખરીદી સુધી બદલાતાં રહ્યાં. ૧૯૫૦માં ગૂજરાત વિદ્યાપીઠની પાછળની જમીનમાં કાર્યાલય, મુદ્રણાલય ને સેવકોનાં રહેઠાણની વ્યવસ્થા થઈ. જેનું ઉદ્ઘાટન સરદાર પટેલે કર્યું. તે સમયે નવજીવનને રૂ. ૧૭ લાખની લોનનું દેવું થઈ ગયું હતું, કેમ કે નવજીવન લોન લઈ શકતું પણ દાન નહીં. સરદારે સંસ્થાને દેવાંમાંથી બહાર કાઢવા યોજના ઘડવા નક્કી કર્યું પણ તરત જ સરદારની છત્રછાયા સંસ્થાને ગુમાવવી પડી. સંસ્થાએ પુસ્તકોના ગ્રાહકોની એડવાન્સ નોંધણીની યોજના અમલી બનાવી. સરદાર બાદ મોરારજી દેસાઈ જીવ્યા ત્યાં સુધી અધ્યક્ષ રહ્યા. નવજીવને પુસ્તકોની સાથે સાથે એસટી ને એએમટીએસની ટિકિટો છાપવાનું પણ શરૂ કર્યું. ઉત્તમ મુદ્રણ માટે નવજીવન પંકાયું. આઝાદી બાદ નવજીવનની લડતના પ્રચાર-પ્રસારની ભૂમિકા બદલાઈ.

આઝાદીની લડતનાં મુખપત્ર ને લડતના ઇતિહાસનાં મહાકાવ્ય સમા નવજીવને મોટાપાયે પુસ્તકપ્રકાશનનું કામ શરૂ કર્યું ને ગાંધીજીના અક્ષરદેહની સંસ્થા વારસદાર બની. ઇંદુલાલ યાજ્ઞિાક, શંકરલાલ બેન્કર, સ્વામી આનંદ, જીવણ જી. દેસાઈ, ધીરુભાઈ નાયક, મગનભાઈ દેસાઈ, નરહરિ પરીખ, શાંતિલાલ શાહ, બિહારીલાલ શાહ અને જિતેન્દ્ર દેસાઈ જેવા અનેક સંનિષ્ઠ સેવકોએ નવજીવનની વિકાસયાત્રાને આગળ ધપાવી. મહાદેવભાઈ, કાકાસાહેબ, મશરૂવાલા, સ્વામી આનંદ જેવા અનેક પ્રબુદ્ધ લેખકોની દેશ અને ગાંધીયુગને નવજીવન થકી ભેટ મળી. પ્રિન્ટિંગ ક્ષેત્રની ઉજ્જ્વળ કારકિર્દી ને આર્થિક ઉપાર્જનની ઉત્તમ તકો તથા રાજકારણમાં જવાની લોભામણી લાલચો છોડીને જિતેન્દ્ર દેસાઈ નવજીવનને સમર્પિત થયા.

નવજીવનમાં જોડાયા ત્યારે નવજીવન ટ્રસ્ટે બોન્ડ તેમની પાસે માગવાનું વિચાર્યું ત્યારે મોરારજી દેસાઈએ કહ્યું કે, બોન્ડને બદલે આજીવન બંધાઈ જાય તેવું વિચારો ને જિતેન્દ્રભાઈ વિના બોન્ડે આજીવન બંધાયા. આઝાદીની બીજી લડત સમી કટોકટી સમયે ભૂમિપુત્રના ચુકાદાની પુસ્તિકા છાપવા બદલ નવજીવનને સ્વદેશી સરકારે સીલ માર્યું ત્યારે જિતેન્દ્રભાઈએ કાનૂની લડત લડી હતી, એટલું જ નહીં એક પાઈ પણ દાન લીધા વિના સ્વાશ્રયનાં ધોરણે ૫૨ વર્ષ સુધી નવજીવનની ધુરા સંભાળીને તેઓ અચાનક વિદાય થયા.  ૧૯૪૦માં ગાંધીજીએ પોતાનું વસિયતનામું કર્યું હતું તે મુજબ, ‘મારી કંઈ પણ મિલકત છે એમ હું માનતો નથી પણ વ્યવહારમાં ને કાયદામાં મારું જે ગણાતું હોય, સ્થાવર કે જંગમ, મેં લખેલાં ને હવે પછી લખાશે તે પુસ્તકો, લેખો છપાયેલાં કે નહીં છપાયેલાં અને તેના તમામ કોપીરાઇટના હકો, એ બધાના વારસ હું નવજીવન સંસ્થાને ઠરાવું છું.’ કોપીરાઇટની નવજીવનને સારી એવી રકમ આવક તરીકે મળતી.

૨૦૦૮માં કોપીરાઇટ પૂરા થતાં જિતેન્દ્ર દેસાઈએ સંસ્થાની આવકનો મોહ-લાલચ છોડીને ગાંધીજીના વિચારો ને કાર્યનો બહોળો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી કોપીરાઇટ પાછા મેળવવા પ્રયાસો ન કર્યા. જિતેન્દ્ર દેસાઈના અથાક પ્રયાસોથી ‘સત્યના પ્રયોગો’ આજે ૧૭ જેટલી ભાષામાં ઉપલબ્ધ થઈ છે તેની લાખો નકલો વેચાય છે. જિતેન્દ્ર દેસાઈની અણધારી વિદાય બાદ જન્મભૂમિના ટ્રસ્ટી ધીરુભાઈ મહેતા અધ્યક્ષ ને વિવેક દેસાઈએ મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી સંભાળી. યુવાનો ગાંધીવિચારથી આકર્ષાય તે હેતુથી વિવેક દેસાઈએ ‘કર્મ ફાકે’ને સજીવ ખેતીનાં ઉત્પાદનોવાળી ગાંધીથાળી શરૂ કરી. ખાદીને કચ્છ હસ્તકળાથી યુવાનોને આકર્ષવા ‘સત્ત્વ’ વસ્ત્રભંડાર અને પેઇન્ટિંગ તથા ફોટોગ્રાફીને પ્રોત્સાહન મંચ પૂરો પાડવા સત્ય આર્ટ ગેલેરી શરૂ કરી છે.

સ્થાપનાથી નવજીવનનો ઇતિહાસ દર્શાવતું જૂના પ્રિન્ટિંગ ને ટાઇપરાઇટિંગનાં મશીનોનું મ્યુઝિયમ બનાવ્યું છે. ૧,૦૦૦થી વધુ પુસ્તકો ને ૧૦૦થી વધુ ઈ-બુક્સ ઉપરાંત ડિજિટલાઇઝેશન અને પીઓડી પ્રોજેક્ટ જેવી આધુનિક કામગીરી પણ શરૂ કરાઈ છે. જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ પણ શરૂ થયો છે. જેલના કેદીઓ અને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ માટે ગાંધી પરીક્ષા પણ લેવાય છે. પત્રકારત્વના વ્યવહારુ શિક્ષણ માટેનો એક વર્ષનો ઘનિષ્ઠ અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે, ઉપરાંત પ્રકાશ અને પ્રૂફરીડિંગના ટૂંકા અભ્યાસક્રમો શરૂ કરવાનું પણ આયોજન છે. આમ શતાબ્દીએ ‘નવજીવન’ નવા રૂપરંગે ‘નવજીવન’ મેળવી રહ્યું છે. નવા ઉત્સાહી યુવા કાર્યકરોના અભાવે તૂટતી ગાંધીવાદી સંસ્થાઓ માટે નવજીવનનું નવસંસ્કરણ પ્રેરણાદાયી છે. ગાંધી દોઢસોમી શતાબ્દીની ઉજવણી માટે નવજીવન સજ્જ થઈ રહ્યું છે.

;