ગાંધીજીના પત્રકારત્વના પાયામાં લોકજાગૃતિ અને લોકશિક્ષણ - Sandesh
  • Home
  • Columnist
  • ગાંધીજીના પત્રકારત્વના પાયામાં લોકજાગૃતિ અને લોકશિક્ષણ

ગાંધીજીના પત્રકારત્વના પાયામાં લોકજાગૃતિ અને લોકશિક્ષણ

 | 2:47 am IST

ઘટના અને ઘટન  :- મણિલાલ એમ. પટેલ

મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી નિમિત્તે તેમના જીવનનાં વિવિધ પાસાંઓ વિશે ઘણું બધું લખાઇ રહ્યું છે, ચર્ચાઇ રહ્યું છે પણ ભારતમાં ૧૮ વર્ષની વય સુધી એક પણ છાપું ન વાંચનાર ગાંધીજીના ૪૦ વર્ષના પત્રકાર તરીકેના જીવનની આપણે ત્યાં ઓછી નોંધ લેવાઈ છે. ગાંધીજીએ દ. આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ અને ભારતમાં યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન, હરિજન સેવક અન હરિજન બંધુ એમ છ જેટલાં સામયિકોનું તંત્રીપદ સંભાળ્યું ને ૭૯ વર્ષની વયમાં ૪૦ વર્ષ સુધી બે કરોડ જેટલા શબ્દો લખ્યા એ કોઈ નાનીસૂની ઘટના નથી.

હિંદ સ્વરાજમાં ગાંધીજીએ વર્તમાનપત્રોનાં કાર્યો વિશે લખ્યું છે કે, ”છાપાંનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે, બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છે અને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તો પણ બેધડક બતાવવી.”

ગાંધીજીએ નોંધ્યું છે કે, વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવાં જોઈએ. વર્તમાનપત્રો એ ભારે શક્તિ છે પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડૂબાવે છે ને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઇ શકે. આ વિચારસરણી સાચી હોય તો દુનિયામાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે ? પણ નકામાંને બંધ કોણ કરે ? કોણ કોને નકામું ગણે ? કામનું ને નકામું સાથે ચાલ્યા જ કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવી નહીં.

ગાંધીજી દૃઢપણે માનતા હતા કે, સરકારનાં ખોટાં કામનો વિરોધ કરવાનો પ્રજાનો અધિકાર અબાધિત હોવો જોઇએ. તેઓ પ્રજાના અવાજની રજૂઆત માટે વર્તમાનપત્રોને આવશ્યક ગણતા હતા. આવું કરવા જતાં તેમના લેખો સામે કેસ થયો. તેમને છ વર્ષની સજા પણ થઈ હતી.

ગાંધીજી ભારત આવ્યા ત્યારે ગુજરાતી માસિક ‘નવજીવન અને સત્ય’ ચાલતું હતું. જેના સંચાલકો ઇંદુલાલ યાજ્ઞિાક, શંકરલાલ બેંકર અને ઉમર સોબાની હતા. તેમણે ગાંધીજીને આ માસિકની જવાબદારી સંભાળવા કહ્યું ને ‘નવજીવન’ સાપ્તાહિક તરીકે ૧૯૧૯માં ગાંધીજીના તંત્રીપદે શરૂ થયું જેનું આ શતાબ્દી વર્ષ છે. ૧૯૧૯માં જ ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ અંગ્રેજી સાપ્તાહિકનું તંત્રીપદ સંભાળ્યું પણ તેઓ માનતા હતા કે જનસમૂહને જાગૃત કરવા માટે સ્વભાષામાં એક અખબાર પ્રસિદ્ધ કરવું જોઈએ. આમ સ્વભાષામાં અખબાર શરૂ કરવાની તેમની ઇચ્છા ‘નવજીવન’ થકી સંતોષાઈ. જેનું આ શતાબ્દી વર્ષ છે તે ‘નવજીવન’ના પ્રથમ અંકમાં તેના ઉદ્દેશ અંગે ગાંધીજી લખે છે કે, સત્યની શોધ કરતાં મને અનેક રત્નો મળ્યાં છે તે મારે હિંદની સમક્ષ મૂકવાં છે. વળી આ સામયિક દ્વારા તેઓ જે પ્રશ્નોની ચર્ચા કરવા ઇચ્છતા હતા તે અંગે તેમણે કહ્યું હતું કે, ”આમાં સ્ત્રીઓની સ્થિતિ આપણા કેટલાક નઠારા રિવાજો, હિંદુ-મુસલમાન વચ્ચે ઊભા થતાં સવાલો, અંત્યજને લગતી અડચણો, આવા અનેક પ્રશ્નોનો નિવેડો આવી શકે છે. એટલે આ બધા પ્રશ્નોની ચર્ચા ‘નવજીવન’ પ્રસંગોપાત કરશે. સારરૂપ એટલું જ કહેવા ઇચ્છું છું કે, ‘નવજીવન’ની પ્રવૃત્તિ એવી ચાલશે કે, જેથી રાજા-પ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિંદુ-મુસલમાન વચ્ચે અંતઃકરણની એકતા થાય, હિંદુસ્તાન આર્િથક સ્વતંત્રતા મેળવે અને હિંદુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજું કંઈ જોવામાં ન આવે.”

ગાંધીજીના પત્રકારત્વનું મહત્ત્વનું પાસું હોય તો ‘નાગરિક પત્રકારત્વ’ હતું. તેમણે વાચકોને પણ કહેલું કે, ”પ્રજા પર કોઈ પણ જાતનું દુઃખ જોવામાં આવે તો તેનું વર્ણન પોતાને આવડે એવી ભાષામાં, જરા પણ અતિશયોક્તિ વગર અને નામ-ઠેકાણા સાથે લખી મોકલવું. જેથી તેઓ વર્તમાનપત્ર મારફત જેટલી દાદ દઇ શકાય એટલી દે.”

ગાંધીજી પત્રકારત્વના વ્યવસાયને સેવાભાવી ન્યાયાધીશનો વ્યવસાય માનતા હતા. તેમણે ક્યારેય સનસનાટી ફેલાવવા સમાચારો છાપ્યા ન હતા. તેમના પત્રકારત્વની આધારશિલા ‘સત્યનિષ્ઠા’ હતી. તેમણે નોંધ્યું છે કે, ”વાચકવર્ગ આગળ મારી સમજણ મુજબ સત્ય અને કેવળ સત્ય સિવાય બીજું કશું જ ન મૂકવાની અસાધારણ કાળજી રખાય છે.” તેમણે કહેલું કે, ”પત્રકારત્વને ખાતર મેં પત્રકારત્વ સ્વીકારેલું નથી પણ હું જેને મારું જીવનકાર્ય સમજું છું તેને મદદ થાય એ દૃષ્ટિએ જ મેં તેને સ્વીકારેલું છે.’

ગાંધીજી લખે છે કે, ”સત્ય અને અહિંસાની શ્રદ્ધાને મારે વફાદાર રહેવું હોય તો મારાથી ક્રોધ કે દ્વેષભાવપૂર્વક લખાય જ નહીં. મારાથી કશું નકામું પણ ન લખાય, તેમ લોકોની લાગણી ઉશ્કેરવા પણ ન લખાય. દર અઠવાડિયે વિષયોની પસંદગીને શબ્દોની પસંદગીમાં મારે જે સંયમ સાચવવો પડે છે તેનો ખ્યાલ વાચકોને આવી શકે તેમ નથી. મારા માટે આ એક તાલીમરૂપ છે.” પત્રકાર તરીકે દેશની સૂતેલી પ્રજાને જગાડવાનું કામ ગાંધીજીએ કર્યું છે અને લગભગ તમામ વિષયો પર તેમણે લખ્યું છે. લોકોમાંથી આવતા ઢગલાબંધ પત્રોના તેમણે જવાબો વિષયની ચર્ચા કરીને આપ્યા છે. આમ તેમનું પત્રકારત્વ પ્રજા સાથે સીધા સંપર્કનું હતું.  ગાંધીજી બંને હાથે લખતા હતા. જમણા હાથે લખતા થાકી જાય ત્યારે ડાબા હાથે લખતા હતા. તેમના જમણા હાથના અક્ષર સારા નહોતા. પાછળથી તેમણે ડાબા હાથે લખવાની ટેવ પાડી હતી. ગાંધીજીના પત્રકારત્વની ભાષા સાવ સરળ કોશિયો પણ સમજી શકે તેવી હતી.

લખનારનું વિશાળ વાંચન પણ હોવું જોઈએ. ગાંધીજી દ. આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ ચલાવતા હતા ત્યારે લગભગ ૨૦૦ જેટલાં સામયિકો વાંચતા. તેમાંથી યોગ્ય સમાચારો તારવીને પોતાના પત્રમાં સ્થાન આપતાં હતાં. પોતાની ભૂલોનો તેઓ નિખાલસપણે સ્વીકાર કરીને પોતાની ટીકાને પણ પૂરતું મહત્ત્વ ને સ્થાન આપતા હતા. જે લખતા તે પૂરેપૂરી તપાસ ને માહિતીના આધારે જ લખતા હતા. ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’ લગભગ ૧૧ વર્ષ, ‘યંગ ઇન્ડિયા’ ને ‘નવજીવન’ આશરે ૧૩ વર્ષ અને હરિજન પત્રો કે જ્યાં હરિજનોની સમસ્યાને અસ્પૃશ્યતાના પ્રશ્નોની ચર્ચા કરતા તે અંદાજે ૧૫ વર્ષ ચલાવ્યાં. આમ ગાંધીજીએ ૪૦ વર્ષ સુધી લેખનકાર્ય કર્યું.

આમ ગાંધીજીના પત્રકારત્વની વિશિષ્ટતાઓ જોઈએ તો લોકજાગૃતિ, લોકશિક્ષણ ને લોકઘડતર તેના પાયામાં હતાં. સત્ય ને અહિંસા તેનાં પાયાનાં મૂલ્યો હતાં. સ્વેચ્છા સ્વીકારેલો અંકુશ હતો. ભાષા સરળ હતી. સ્વભાષા મહત્ત્વની હતી. ગામડાં ને હરજિનોના પ્રશ્નોને પ્રાધાન્ય આપતા. હિંદુ-મુસ્લિમ એકતા ને સૌને પ્રેમ મુખ્ય હતા. ભારતમાં તેમનાં પત્રો બિલકુલ જાહેરખબર વિના માત્ર વાચકોના બળે ચાલતાં હતાં. ગ્રામજીવન અને ભારતીય ભાષાઓ કેન્દ્રસ્થાને હતાં.

ગાંધીજીએ એક અંદાજ મુજબ પાંત્રીસ હજાર પાનાં એટલે કે ૨ કરોડ જેટલા શબ્દો લખ્યા છે પણ તેમાંથી એકેય શબ્દ વગર વિચાર્યે, વગર તોલ્યે કે કેવળ કોઈને ખુશ કરવા કે અતિશયોક્તિ કરવા લખ્યો નથી. તેમની ભાષાશૈલી સરળ, સ્પષ્ટ ને શબ્દોના આડંબર વિનાની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન