ગાંધીજીના શિક્ષણ વિચારોની વિશ્વફલક પર અસર

અધ્યાપનના તીરેથી : પ્રા. મહેન્દ્ર જે. પરમાર
૨૧મી સદી પરિવર્તનની સદી છે. ગતિશીલતા અને પળપળનું આત્યાંતિક પરિવર્તન. ચારે તરફ સર્વત્ર જ્ઞા।ન-વિજ્ઞા।ન, ટેક્નોલોજી અને માહિતીનું વાવાઝોડું ફૂંકાયું છે. સદીના વ્યાપક પ્રશ્નો, સમસ્યાઓ છે. ઈન્ટરનેટ અને ટેક્નોલોજીથી નવી પેઢી આવી રહી છે. પરિવર્તન એટલી ઝડપે થઈ રહ્યું છે કે, બધું જ થોડા દિવસોમાં બદલાઈ જાય છે. જૂનું આઉટડેટેડ થઈ જાય છે. આ પરિપ્રેક્ષ્યમાં ગાંધી વિચાર, આજની યુવા પેઢી સ્વીકારશે ખરી ? તે એક વિચારણા માગી લે તેવો પ્રશ્ન છે.
દેશ ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઊજવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ઉજવણી વિસારે પડી છે. રાજકીય નેતાઓ ભાષણોમાં ગાંધીજી પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરી રહ્યા છે પણ આચરણના નામે મોટું મીંડું છે. સેવા, સાદગી જોજનો દૂર છે. દેશમાં ગાંધીમૂલ્યોનો દુકાળ પ્રવર્તે છે. છતાં ગાંધીના નામની માળા જપવામાં આવી રહી છે. દેશ આખો આ દંભ જોઈ રહ્યો છે. ગાંધીજીનું આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ પારદર્શક. કશું જ ગુપ્ત નહીં ! વિચાર, વર્તન અને કાર્યની તાદાત્મ્યતા જગજાહેર. તેઓ ભારતીય પ્રજાજનો સાથે એવી રીતે જોડાઈ ગયા હતા કે જેવી રીતે બાળક માતા સાથે. દેશની સમસ્યાઓનું તેમનું ચિંતન આજે પણ સુસંગત છે. દેશ અને દુનિયાએ સંઘર્ષ, વેદના અને વ્યથામાંથી બહાર નીકળવું હોય તો ગાંધીમાર્ગ પર ચાલ્યા વગર છૂટકો નથી.
ફેબ્રુ., ૨૦૧૯ના ‘અચલા’ સામયિકમાં તંત્રીસ્થાનેથી ડો. મફતલાલ પટેલ નોંધે છે : એક બાજુ રાક્ષસી કદના દ્યોગિક કારખાનાં છે, મોટીમસ આવવા-જવાની પરિવહન પ્રણાલીઓ છે, પુષ્કળ મૂડી પર આધારિત યોજનાઓ છે. બીજી બાજુ ગામડાઓમાં તાલીમ વગરના મહેનતકશ કરોડો લોકો અને લાખો ભણેલા તાલીમ લીધેલા શિક્ષિત બેરોજગારો નોકરી માટે જ્યાં-ત્યાં રઝળી રહ્યા છે. દ્વારે દ્વારે ભટકી રહ્યા છે. દેશ ગાંધીજીએ ચીંધેલ સ્વાવલંબી અર્થરચના અપનાવી ન શક્યો તેનું આ પરિણામ છે. વિજ્ઞાન-ટેક્નોલોજીથી અદ્ભુત પ્રગતિ છતાં વધતી જતી વસતીને કામ આપવા-અપાવાની પણ ત્રેવડ આવી નથી. ભારત કૃષિપ્રધાન દેશ છે. મુખ્ય વ્યવસાય ખેતી છે. કૃષિપ્રધાન આપણા દેશમાં મુખ્ય સ્થાન ઉદ્યોગોએ લઈ લીધું છે. પરિણામે દેશનો ખેડૂત બેહાલ થતો જાય છે. સેંકડો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મોડે મોડે પણ રાષ્ટ્રનું ધ્યાન ખેડૂતો તરફ કેન્દ્રિત થવા માંડયું છે. કૃષિ આધારિત નીતિ પર વિશેષ ભાર મૂકી કૃષિલક્ષી યોજનાઓને સાચા અર્થમાં સાકાર કરવા ઠોસ કદમ ઉઠાવવા જરૂરી બન્યા છે. ઉદ્યોગોમાં યાંત્રીકરણની મર્યાદા અને માલિકીના સ્વરૂપોનું ચિત્ર સ્પષ્ટ થવું જરૂરી છે. મુખ્ય ઉદ્યોગ કૃષિ રહે અને દ્યોગિકીકરણની પછીનું બીજું ગૌણ સ્થાન આપવામાં આવે તો જ રાષ્ટ્રની કાયાપલટ થઈ શકે તેમ છે.
અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ૩ ફેબ્રુ., ૧૯૧૯ના રોજ અમદાવાદમાં ‘ગાંધીજીના શૈક્ષણિક વિચારો અને કાર્યોની વિશ્વ ફલક ઉપર અસરો’ પર યોજાયેલ પરિસંવાદ શિક્ષણ જગતનું એક નજરાણું બની રહ્યો. તેમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. પ્રથમ બેઠકમાં પૂર્વ માહિતી નિયામક ડો. દલપત પઢિયારે ‘ગાંધીજી એ વિચાર છે, વ્યક્તિ નથી ! કેળવણી એટલે આખી ઈંટ, ટુકડા નહીં!’ જણાવી પાયાના શિક્ષણની સમગ્રતયા પર ભાર મૂક્યો. અભિદૃષ્ટિના તંત્રી ડો. રોહિત શુક્લે ગાંધી વિચારનો એક ટુકડો સપ્તાહમાં ત્રણ કે ચાર વાર વાપરી શકીએ તો ? તેવો માર્મિક પ્રશ્ન મૂકીને ગાંધી વિચારની ભૂમિકા સ્પષ્ટ કરી.
પ્રથમ બેઠકની ચર્ચાનો દોર આગળ વધારતાં ત્રીજા વક્તા જયેશભાઈ પટેલે ગાંધીજીની સાદગી અને સફાઈ અંગેના વિચારો કઈ રીતે મૂર્તિમંત કરી શકાય તેના સચોટ ઉદાહરણ આપીને ‘સફાઈ એ સંસ્કાર છે, કાર્યક્રમ નથી.’ તેને જીવન સાથે વણી લેવા અનુરોધ કર્યો. પ્રો. ડો. હેમંત શાહે ‘અમીરો અને ગરીબો એક જ રોગના બે ચાંદા છે’ વાક્ય ટાંકીને ગાંધીજીના સમગ્ર વ્યક્તિત્વને એક જ વાક્યમાં સમજાવતા કહ્યું : અન્યાય સામેનો અહિંસક અને સત્ય સાથેનો પ્રતિકાર એટલે ગાંધીજી. તેમના જીવનની નાની છતાં ખૂબ મોટો સંદેશો આપી જતી ઘટનાઓની સહજ અને સરળ ભાષામાં વાત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું.
બીજી બેઠકમાં ડો. ચંદ્રકાંત મહેતાએ ગાંધીજીના પત્રકારત્વ વિશે વાત કરીને કલમની તાકાત વિશે વાત કરતાં કહ્યું : ”અક્ષર રીઝે તો ભામાશા, અક્ષર ખીજે તો દુર્વાસા.” ગાંધીજી સાથે સંકળાયેલા નવજીવન, ઈન્ડિયન ઓપિનિયન, હરિજન સેવક જેવાં સામયિકોની ટૂંકમાં વાત કરી છેલ્લે કહ્યું : ”ગાંધીજી જેવો પત્રકાર હતો નહીં અને હશે નહીં.” ડો. મનસુખ સલ્લાએ વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે કપાયેલો સંવાદ આજના શિક્ષણની મોટામાં મોટી મર્યાદા જણાવી સૌનું ધ્યાન ખેંચ્યું. ગાંધીજી માટે શિક્ષણ કારકિર્દી ઘડવાનું નહીં, પરંતુ વ્યક્તિત્વ વિકાસનું માધ્યમ છે. તેમાં પૈસા બનાવવાની આવડત નહીં, પરંતુ સેવાની ભાવના વિકસાવવાની બાબત મહત્ત્વની છે. કેળવણીનું કાર્ય માનવતાને ઉજાગર છે. ગાંધીજીના મતે કેળવણીમાં વિજયની ચાવી છે. વિશ્વ આજે ગાંધી તરફ મીટ માંડીને બેઠું છે. એટલે તો ‘યુનો’ દ્વારા મહાત્મા ગાંધીનો જન્મદિન ‘વિશ્વ અહિંસા દિન’ તરીકે ઊજવાય છે. વિશ્વ ગાંધીને ભૂલી શકે તેમ નથી. તેમનો સત્ય અને અહિંસાનો માર્ગ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. અમદાવાદમાં લાલ દરવાજાથી કાલુપુર જતો માર્ગ ગાંધીમાર્ગ તરીકે ઓળખાય છે. જર્મનીના સ્ટુટગાર્ડ શહેરના બુર્ગોલ્ફ વિસ્તારમાં આવેલા માર્ગનું નામ મહાત્મા ગાંધી રોડ છે. લંડન અને ન્યૂયોર્કમાં ગાંધીની પ્રતિમા છે. જર્મનીમાં એક નિશાળનું નામ છે : મહાત્મા ગાંધી સ્કૂલ. સને ૨૦૦૨માં ગાંધીજયંતી નિમિત્તે અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મિલવોકી શહેરમાં વિશાળ કદની પ્રતિમા મુકાયેલી છે. એ જગ્યાનું નામ : ગાંધી સર્કલ છે. સને ૧૯૬૯માં ગાંધી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વના અનેક દેશોએ ગાંધીજીના ફોટાવાળી ટપાલ ટિકિટો પ્રસિદ્ધ કરીને ગાંધી વિચાર પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દક્ષિણ આફ્રિકામાં ડર્બનથી પ્રિટોરિયા જતા મોરિસબર્ગ રેલવે સ્ટેશને રાત્રિના ૯ વાગે પ્રથમ વર્ગના ડબામાંથી ગાંધીજીને ધક્કો મારી ફંગોળી દેવામાં આવ્યા, તે નગરના એક ચોકમાં ગાંધીજીની પૂરા કદની પ્રતિમા નીચે લખ્યું છે : બર્થ પેલેસ ઓફ સત્યાગ્રહ. ઈંગ્લેન્ડના બકિંગહામ પેલેસમાં દેશદેશાવરની કિંમતી ભેટ-સોગાદમાં એક પંજાબી સ્ત્રી દ્વારા ખાદીના નાનકડા ટેબલ ક્લોથ પર વિથ બેસ્ટ વિશિસ ફ્રોમ એમ. કે. ગાંધીના કરાયેલ ભરતકામની મૂલ્યવાન ભેટ રાણી એલિઝાબેથ ગૌરવભેર પ્રવાસી મહાનુભાવોને બતાવી ધન્યતા અનુભવે છે. ઈ.સ. ૧૯૫૨માં બી.બી.સી.એ ગાંધીજીના જીવન-કવન આધારિત ૨૭ કલાકનું રેકોર્ડિંગ કર્યું હતું. અમેરિકાના ટાઈમ મેગેઝિનમાં છેલ્લા હજાર વર્ષ (સહસ્રાવદી)ના મહામાનવોની યાદીમાં ગાંધીજીનું નામ મોખરે છે. અમેરિકાના મહાન નેતા નેલ્સન મંડેલા, પોલેન્ડના નેતા વાલેસા, મેક્સિકોના ખેતમજૂરોના નેતા લિઝારે, કુર્દી પ્રજાના નેતા જમાલ ગુજબ લેટે અને ઈઝરાયેલના નેતા શિમોન પેરેઝના આદર્શ અને પ્રેરણામૂર્તિ ગાંધીજી હતા. મહાન વૈજ્ઞા।નિક આઈન્સ્ટાઈને મહાત્મા ગાંધીના પ્રભાવનો સ્વીકાર ગૌરવભેર કર્યો છે. આ ઉદાહરણો જ ગાંધીની વિશ્વવ્યાપી અસર દર્શાવે છે.
વિશ્વ શિક્ષણમાં UNESCO’ નોLearning : Tresure Within’ (શિક્ષણ અને ભીતરનો ખજાનો) એક ખૂબ જ જાણીતો રિપોર્ટ છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ દ્વારા તેની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. નોબલ પ્રાઈઝ એવોર્ડથી નવાજિત અનેક મહાનુભાવો, વિશ્વના નામાંકિત કેળવણીકારો અને સમાજશાસ્ત્રીઓએ તૈયાર કરેલ આ રિપોર્ટમાં કેળવણીના ચાર આધારસ્તંભો સૂચવવામાં આવ્યા છે. ૧. જાણવા માટેનું શિક્ષણ : Learning to know : જ્ઞાન માટે અધ્યયન. ૨. સર્જન કરવા માટેનું શિક્ષણ : Learning to by : ક્રિયા માટે અધ્યયન. ૩. બીજાઓ સાથે રહેવાનું શિક્ષણ : Learning to Live : જીવન વિકાસ માટે અધ્યયન. ગાંધીની કેળવણીનું સ્પષ્ટ દર્શન આ રિપોર્ટમાં થાય છે. આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે, રિપોર્ટ આવ્યા પહેલાં છેક ૧૯૧૦માં સ્થપાયેલ ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાના નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીએ તેમાં દર્શાવેલા ચાર આધારસ્તંભોને સમાવિષ્ટ કેળવણીને અમલમાં મૂકી કેળવણી ક્ષેત્રે ક્રાંતિકારી પગલું ભરતાં દક્ષિણામૂર્તિ જેવી અનેક ઉત્તમ બુનિયાદી શિક્ષણ સંસ્થાઓમાં આજે પણ UNESCO રિપોર્ટના દર્શન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન