Gandhinagar cabinet In The Chief Minister Stays In Bungalow Number One, There Is No Bungalow 13 Number
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગાંધીનગરના મંત્રીનિવાસમાં 26 નંબરનો બંગલો કેમ કોઈને રહેવા અપાતો નથી? 13 નંબરનો બંગલો જ નથી

ગાંધીનગરના મંત્રીનિવાસમાં 26 નંબરનો બંગલો કેમ કોઈને રહેવા અપાતો નથી? 13 નંબરનો બંગલો જ નથી

 | 11:24 am IST
  • Share

ગુજરાતનું પાટનગર ગાંધીનગર. રાજ્ય સરકાર ગાંધીનગરમાં બેસી વહીવટનો કારભાર સંભાળે છે. અહીં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સાથે મંત્રીઓ માટેના બંગલા આવેલા છે. જ્યારે ધારાસભ્યો માટે ક્વાટર્સ પણ છે. ગુજરાત સરકારના મંત્રાલય, મંત્રીઓ અને સચિવાલય અંગે કેટલીક ગેરમાન્યતા ઘર કરી ગઇ છે. વિજ્ઞાનની અણી ઉપર કસીને ગુજરાતના વિકાસની વાતો કરનારા કેટલાય નેતાઓ વળી આ બધી માન્યતાઓની ગંભીરતાપૂર્વક નોંધ પણ લે છે. એવું પણ માનવામાં આવે છે કે, ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટુ પ્રધાન 26 નંબરના બંગલામાં રહે તો એમનો મુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે.

ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી સેકન્ડ ઈન કમાન્ડ તરીકે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવાયો હતો. એ પછી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં રહેતાં હતા. ચીમનભાઈનું અવસાન બાદ છબીલદાસ મુખ્યમંત્રી બન્યા હતા. કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં આ બંગલો સુરેશ મહેતાને ફાળવ્યો હતો. એ પછી સુરેશ મહેતા પણ મુખ્યપ્રધાન બન્યા હતા. બળવો કરીને સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળ વખતે દિલીપ પરીખને આપ્યો હતો. દિલીપ પરીખ પણ થોડા મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2001માં ગુજરાતની ગાદી સંભાળ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પછી GAD દ્વારા આ બંગલો કોઈને આજ દિન સુધી રહેવા આપ્યો નહોતો.

વિધાનસભા તો ખંડિત જ રહે!

ગુજરાત વિધાનસભા હંમેશા ખંડિત રહે છે તેવી પણ અંધશ્રદ્ધા છે. કુલ સંખ્યાબળ ભલે 182નું હોય પણ લાંબા સમય સુધી 182નું લેવલ જળવાતું નથી. ગુજરાત વિધાનસભામાં પહેલેથી 182 અર્થમાં કે કયારેક કોઈ સભ્યનું મોત થાય કે આકસ્મિક રીતે જગ્યા ખાલી પડે. 2002માં 11મી વિધાનસભાનો પ્રારંભ જ 181 સભ્યોથી થયો હતો.એ વખતે સુરત પશ્ચિમની બેઠકના ભાજપી ઉમેદવાર હેમંત ચપટવાલાનું મોત થતાં એ બેઠકની ચૂંટણી પાછી ઠેલાઈ હતી. એ રીતે એક બેઠક ભરાય તો વળી બીજી કયાંક ખાલી પડે. એ ભરાય તો ત્યાં જ ફરી ચૂંટણી કરવાની નોબત આવે. એમ વિવિધ કારણોસર વારંવાર વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 જળવાઈ રહી નથી. આ માન્યતા પણ ખાસ્સી પ્રચલિત છે.

13 નંબરનો બંગલો જ નથી

મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો નથી. આ નંબર અપશુકનિયાળ મનાય છે. 12 નંબરના બંગલા પછી સીધો 12-એ એવો નંબર આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પાસે વૈજ્ઞાનિક અભિગમની આશા રાખવામાં આવતી હોય છે પણ અહીં મંત્રી નિવાસમાં જ 13 નંબર બંગલાને આપવામાં આવતો નથી તે બાબત નવાઇ પમાડે તેવી છે.

ગાંધીનગરનો ઉમેદવાર સરકારને ઘરભેગી કરે છે!

ગાંધીનગર બેઠક પરથી જે ઉમેદવાર ચૂંટાય છે એ જ પક્ષની સરકાર સત્તામાં આવે તેવી પણ માન્યતા છે પણ જો એ બેઠકના ધારાસભ્યનો સમાવેશ મંત્રીમંડળમાં થાય તો સરકાર ઘરભેગી થવાનો વારો આવે છે. પરિણામે ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈ ગયેલા ધારાસભ્યને મંત્રાલયમાં પ્રવેશ આપવામાં સરકાર સાવધ રહેતી હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો