Gandhinagar convert into a police camp, and many candidates were detained by police
  • Home
  • Ahmedabad
  • બિન સચિવાલય ભરતી વિવાદ: ગાંધીનગરમાં દિવસે યુવાનોને દોડાવી દોડાવી માર્યા, રાત્રે યુવાનોએ ઠંડીમાં રાત વિતાવી

બિન સચિવાલય ભરતી વિવાદ: ગાંધીનગરમાં દિવસે યુવાનોને દોડાવી દોડાવી માર્યા, રાત્રે યુવાનોએ ઠંડીમાં રાત વિતાવી

 | 7:00 am IST

ગૌણ સેવા પસંદગી મંડળે ૧૭ નવેમ્બરે યોજેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ચોરી, પેપર લીકની સહિતની ૩૯ ફરિયાદો પછી પણ સરકારે કોઈ જ નક્કર પગલા લીધા નથી. તેવામાં બુધવારે સચિવાલયની સામે કર્મયોગી ભવનમાં રજૂઆત કરવા પહોંચેલા ૪૫૦થી વધુ ઉમેદવારો પર પોલીસે બેરહેમી પૂર્વક લાઠીચાર્જ, અત્યંત નિમ્નકક્ષાની ગાળો બોલતા યુવાનોનું આંદોલન વધુ તીવ્ર બન્યું હતું .

બીજી તરફ સચિવાલયમાં કેબિનેટની બેઠક બાદ સરકારે પરીક્ષા રદ કરવાનો ઈન્કાર કરતા ગાંધીનગરમાં રાત પડતા સુધીમાં તો ઘ-૪ સર્કલ પાસે સ્વર્ણિમ પાર્કના રસ્તે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, વડોદરા, ભરૂચ, દાહોદ, સુરત, જૂનાગઢ સહિતના અનેક જિલ્લાઓના ૧૨૦૦થી ૧૫૦૦ ઉમેદવારોએ રાતવાસો કર્યો હતો.

મોડી રાતે ૧.૩૦ કલાકે કલેક્ટર, ડીઆઈજી, એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ તેમને મનાવવા આવ્યા હતા અને સમજાવટ માટે પ્રયાસો કરી રહ્યા છે. ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. રાતે ૧.૩૦ કલાકે પોલીસ ઉમેદવારોની અટક કરશે તેવી અટકળો હતી, પરંતુ સ્થિતિ તંગ બનશે એ બીકે પોલીસે અટકાયત ટાળી હતી. ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીનો ઘેરાવ કરવાનું નક્કી કર્યું છે. મોડી રાતે સ્વર્ણિમ પાર્ક નજીક પોલીસ વાનોનો કાફલો ખડકી દેવાયો છે.

જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ નહી કરે ત્યાં સુધી ગાંધીનગર નહી છોડવાનું એલાન કરાયું છે. સચિવાલયથી સત્યાગ્રહ છાવણી અને મહાત્મા મંદિરની વચ્ચે દિવસભર રજૂઆત કરવા ઉમેટલા યુવાનોના ગ્રુપ જોતા જ પોલીસે લાઠીચાર્જ કરીને રસ્તા ઉપર દોડાવ્યા હતા, જેમાં કેટલાક ઉમેદવારોના માથામાં, પગમાં ઈજાઓ પહોંચી છે.

ભાજપ સરકારના ઈશારે પોલીસે બ્રિટિશ રૂલને શરમાવે તેવો અત્યાચાર કર્યાની વેદના યુવાનોએ ઠાલવી હતી. કહેવાતી સંવેદનશીલ સરકારે પોલીસને જાણે છુટ્ટો દોર આપ્યો હોય તેમ લાઠીચાર્જ, હાથમાં આવ્યા તે યુવક- યુવતીને ખેંચીખેંચીને વાહનમાં બેસાડી ગાંધીનગર હેડક્વાર્ટર, પેથાપુર સહિતના પોલીસ સ્ટેશનો ૩૦૦થી વધુ યુવાનોને લઈ જતા મોડી રાત સુધીમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં તેમના પરીવારજનો, મિત્રો ગાંધીનગર દોડી આવ્યા હતા.

પરીક્ષા રદ કરવા ગૃહમંત્રીનો ધરાર નનૈયો, મોડી રાતે CM હાઉસમાં બેઠક

બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરવાની ઉમેદવારની માંગણીનો સરકારે ધરાર ઈન્કાર કર્યો છે. બુધવારે કેબિનેટની બેઠક બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઝ્રઝ્ર્ફ ફુટેજની તપાસ અંતિમ તબક્કે હોવાનું જણાવતા પરીક્ષામાં ચોરી, પેપર લિકેજની ૩૯ ફરિયાદો મળ્યાનું સ્વિકાર્યુ હતુ. પેપર લિકેજ મુદ્દે પાલનપુરમાં FIR નોંધી પોલીસે બે યુવાનોની ધરપકડ કર્યાનું જાહેર કર્યું હતુ.

૩૦૦૦ પરીક્ષા ખંડના CCTV ફુટેજની ચકાસણી અંતિમ તબક્કે છે, બે દિવસમાં સરકાર આ અંગેનો નિર્ણય કરશે તેમ ઉમેર્યું હતુ.  ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ પાર્કના રસ્તે મોડી રાત સુધી ઉમદેવારો બેસી રહેલા મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાઈલેવલ બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રૂપાણી સાંપ્રત સ્થિતિ અને તપાસ સંદર્ભે ચાલી રહેલી પ્રક્રિયા અંગે ચર્ચા થયાનું કહેવાય છે.

સુરેન્દ્રનગર અને ગીર- સોમનાથ જિલ્લામાં ગેરરીતિ સંદર્ભે ગુન્હો નોંધવાની કામગીરી ચાલુ હોવાનું કહેતા ગૃહમંત્રીએ ગૌણ સેવા પસંદગી મંડળ ચોરી, પેપર લિકેજ સંદર્ભે કરેલી ૩૮ ફરિયાદોમાં ગુરૂવારથી નિરીક્ષકો, સંચાલકો, સુપરવાઈઝરોને રૂબરૂ બોલાવીને સુનાવણી કરશે તેમ કહ્યું હતુ.

પરીક્ષા યોજાઈ તે જ દિવસે સોશ્યલ મિડિયામાં વોટ્સએપ ચેટથી પ્રશ્નપત્રના આન્સર, ૧૨ વાગ્યા પહેલા જ સીલબંધ પેપરના ખુલ્લા કવર, સમયાવધિ પૂર્ણ થયા પછી પણ ઉમેદવારોને જવાબ લખવા દેવા, સામુહિક ચોરીઓના સેંકડો વિડિયો વાઈરલ થયા છતા વિતેલા ૧૬-૧૭ દિવસમાં મંડળે કેમ કોઈ કાર્યવાહી કરી નહી ?

તેના જવાબમાં ગૃહમંત્રીએ ૩૦૦૦ વર્ગખંડોના CCTV ફુટેજની તપાસમાં લાંબો સમય જાય તેમ કહી કોંગ્રેસ યુવાનોને ગુમરાહ કરી રહ્યાનું જણાવ્યુ હતુ. ગૌણ સેવા પસંદગી મંડળ એક સ્વાયત સંસ્થા હોવા છતાંય ચેરમેન અસિત વોરાને બદલે તેમના બચાવમાં સરકાર કેમ આગળ આવી છે ? તેના જવાબમાં જાડેજાએ કહ્યુ કે, છ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપ્યા બાદ ચેરમેને રજૂઆતો સાંભળી છે.

અસિત વોરા ભાજપના પીઠ્ઠું,ચેમ્બરમાં મોઢું સંતાડતા રહ્યા

સુરેન્દ્રનગરમાં સામુહિક ચોરી, મોબાઈલથી ચોરી અંગેના ઝ્રઝ્ર્ફ ફુટેજ શુક્રવારે કોંગ્રેસે જાહેર કર્યા ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વારા કાયદાથી સ્થાપિત સ્વતંત્ર સંસ્થાના મુખ્ય જવાબદાર પદાધિકારીને બદલે ભાજપના નેતા હોય તેમ મિડિયા સમક્ષ ”કોઈ જ ગેરરીતિ થઈ નથી” એવો ઢોલ પિટયો હતો. ૧૭ નવેમ્બરના બીજા દિવસથી રોજેરોજ સેંકડો ઉમેદવારો તેમના માતા-પિતા કર્મયોગી ભવનમાં રજૂઆત કરવા આવી રહ્યા છે. આમ છતાંયે, આ ચેરમેન સ્વતંત્ર ભરતી સંસ્થાન પર ભરોસો બેસે તેવા બે શબ્દો કહેવાનું તો દૂર રહ્યુ પણ રજૂઆતકર્તાઓને મંડળની ઓફિસમાં પ્રવેશ પણ આપતા નથી. ઉલ્ટાનું પોલીસ બંદોબસ્ત સાથે ચેમ્બર અને સરકારી બંગલામાં ભરાઈ રહે છે. બુધવારે તો તમામ હદો વટાવીને કર્મયોગી ભવનની બહાર જ પોલીસ ઉપર લાઠીચાર્જ થતા પાટનગરમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

ફરિયાદોને ખોટી સાબિત કરવા માટે સરકાર સક્રિય

ભાવનગરમાં એક ફ્લેટમાં ઉમેદવારોઓ ભેગ મળીને પેપર ફોડયાના વોટ્સએપ વાઈરલ થયા હતા. ઉમેદવારોએ આ સંદર્ભે કરેલી ફરિયાદમાં ૧૭ નવેમ્બરની પરીક્ષાનું પેપર અને વાઈરલ થયેલી આન્સર કી વચ્ચે કોઈ સમાનતા ન હોવાનું ભાવનગરના કલેક્ટર અને ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશને સરકારને રિપોર્ટ મોકલ્યો છે. કહેવાય છે કે, પાલનપુરની FIR સિવાય બાકીની તમામ ચોરીઓની ફરિયાદોને ખોટી સાબિત સરકાર સરકાર સક્રિય થઈ ચૂકી છે.

પેપર લીકેજની FIR સાચી તો પરીક્ષા રદ કેમ નહી ?

પરીક્ષા ખંડમાંથી ઉમેદવારે પોતાના મોબાઈલ દ્વારા પેપર લિક કર્યાની પાલણપુરમાં પોલીસ ફરિયાદ નોંધીને બે યુવકોની ધરપકડ કર્યાનું ગૃહમંત્રીએ જાહેર કર્યું હતુ. આ FIR જ સ્વંય સ્પષ્ટ કરે છે કે પેપર લિક થયુ છે તો પછી પરીક્ષા કેમ રદ કરવામાં આવતી નથી ? પરીક્ષાખંડમાં મોબાઈલ લઈ જનાર પોલીસે શું કર્યું ? કેન્દ્રના સંચાલકો, સુપરવાઈઝર સ્ક્વોડમાં શિક્ષણાધિકારી, કલેક્ટર, પોલીસ અધિક્ષક સામે કેમ કોઈ કાર્યવાહી નહી ? તેના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યુ કે, પરીક્ષા ખંડમાંથી જેને પેપર મોકલાયુ તેણે પરીક્ષા પુર્ણ થયા પછી આન્સર મોકલ્યા હતા ! આ ઘટનામાં જે કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહી.

પ્રેશર ટેક્ટિક : પોલીસે કેસ કરવાની ધમકીઓ આપી

ગાંધીનગરમાં રજૂઆત માટે આવેલા સેંકડો ઉમેદવારોને પોલીસે સીધા જ પોતાના ગામ, ઘરે જતા રહેવા દબાણ કર્યું હતુ. મોડી રાત સુધી સ્વર્ણિમ પાર્કના રસ્તે પોતાની માંગણીઓ પર અડિખમ રહેલા ઉમેદવારોને ગાંધીનગર પોલીસના સબ ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓએ જાહેરનામાના ભંગ, સરકારી મિલકતોને નુકશાન પહોંચાડવાનો કેસ કરી કાયમ માટે સરકારી નોકરીમાંથી ગેરલાયક ઠેરવવાની ધમકીઓ આપતા જોવા મળ્યા હતા.

મુદ્દો શું :  ૧૭ નવેમ્બરે ચાલુ પરીક્ષાએ કેન્દ્રો ઉપર ચોરી, સંચાલકો- નિરીક્ષકો દ્વારા સામુહિક ચોરી, પેપર લિકેજ ઉપરાંત આન્સર કી સોશ્યલ મિડિયામાં વાઈરલ થઈ. આથી, આ પરીક્ષા જ રદ કરી નવેસરથી પરીક્ષા યોજવા યુવાનો માંગણી કરી રહ્યા છે.

વડોદરામાં પણ મોડી રાતે યુવાનો રસ્તા ઉપર ઉતર્યા : પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં તો મોડી રાત સુધી યુવાનો રસ્તા ઉપર બેસી રહ્યા હતા. વડોદરામાં પણ સેંકડો ઉમેદવારો રસ્તા ઉપર સરકાર વિરૂધ્ધ પ્રદર્શન કરીને ભાજપ વિરૂધ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા.

LRDમાં વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવા વિચારણા : ગૃહમંત્રી જાડેજા

લોકરક્ષકની હાલની ભરતી પ્રક્રિયા એકથી વધુ સંવર્ગની જગ્યાઓને આવરીને એક જ ભરતી બોર્ડ દ્વારા કરાઈ હતી. સામાન્ય વહિવટ વિભાગના સાંપ્રત નિયમો મુજબ વેઈટિંગ લિસ્ટ ઓપરેટ થઈ શકે તેમ નથી. ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને લેતા મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં જ વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવા ઉકેલ શોધવા સુચના આપી છે. ઉચ્ચકક્ષાએ વિચારણા ચાલી રહી છે તેમ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બુધવારે જાહેર કર્યું હતુ.

પોલીસ તંત્રમાં ૯,૧૭૩ LRDમાં ભરતી પ્રક્રિયામાં ૧લી ડિસેમ્બરે પસંદ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી છે. જો કે, આ વેળાએ ભરતી બોર્ડે વેઈટિંગ લિસ્ટ ઓપરેટ ન કર્યું નથી. આથી, બે દિવસથી કટ ઓફ મેરિટ નજીકના ઉમેદવારો વર્ષ ૨૦૧૭માં થયેલી પોલીસની ભરતીની જેમ અને ઓગસ્ટ ૨૦૧૬માં મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત મુજબ કુલ જગ્યાના ૨૦ ટકા ઉમેદવારો સાથે વેઈટીંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગણી કરી હતી.

કોંગ્રેસ વિધાનસભા કૂચનો કાર્યક્રમ કરશે

અમદાવાદ : બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના પુરાવા છતાં સરકારે પગલાં ન ભરતાં યુવાનોમાં આક્રોશ છે. ગાંધીનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા યુવાનો ઉપર પોલીસ દમન ગુજારવામાં આવ્યો, તેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બુધવારે જણાવ્યું હતું કે, યુવાનોને ન્યાય મળે માટે ૯મી ડિસેમ્બરે કોંગ્રેસ વિધાનસભા કૂચનો કાર્યક્રમ કરશે.

મુખ્યમંત્રીને ઘેરાવ કરી સવાલો કરાશે. પોલીસ દમનમાં યુવાનો ઘાયલ થયા એ વખતે તેમના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા ત્યારે તેમની પણ અટકાયત કરાઈ છે તેમ જણાવી કોંગ્રેસે કહ્યું કે, પરીક્ષામાં ગેરરીતિના પુરાવા છે તોય સરકાર પરીક્ષા કેમ રદ્ કરતી નથી? વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત. ભાજપ સરકાર સરમુખત્યારશાહી વલણ અપનાવી રહી છે.

પરીક્ષામાં ગેરરીતિના પુરાવા સીસીટીવી ફૂટેજથી સરકારને દેખાડયા છે છતાં સરકાર પરીક્ષા રદ્ કરતી નથી અને પોલીસને આગળ ધરે છે. યુવાનોને ૯મીના કાર્યક્રમમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી છે. કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી પરીક્ષા રદ્ કરવાની સાથે ગૌણ સેવા પસંદગી મંડળને વિખેરી નાખવાની માગણી કરી છે.

ભાવનગરથી પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો પણ આવ્યા

”હું અંધ છું, મારા જેવા છથી વધુ પ્રજ્ઞા।ચક્ષુ ઉમેદવારો દેખતી સરકારની આંખો ખોલવા આવ્યા છીએ. આખા ગુજરાતે જોયુ છે કે ચોરીઓ થઈ છે, છતાંયે રૂપાણી સરકારને દેખાતું નથી. તેમને અમારી હાય લાગશે”

  • મનહર વાલા, તા.મહુવા, જિ ભાવનગર

ચોરી કરનારને નોકરી ને મહેનત કરનારને ઠેંગો

”૬ લાખ ઉમેદવારોમાંથી ૬૦૦એ ચોરી કરી તે નોકરી લઈ જશે, અમે મહેનત કરી તે રહી જઈશું. સૌથી મોટો ચૂંટાયેલી સરકાર ઉપર ભરોસાનું શું ? તમે ખરેખર સંવેદનશીલ હોય તો પરીક્ષા રદ કરો”

  • રોહિત નિનામા, ઈટવા, તા.મેઘરજ

સરકારી ભરતીમાં સેટિંગ થાય છે તે સાબિત થયું

”સરકારી નોકરીઓમાં સેટિંગ થાય છે તેવું સાંભળ્યુ હતુ. બે વખત પરીક્ષા રદ થયા પછી ૧૭ નવેમ્બરે લેવાઈ તેમાં જે કંઈ બહાર આવ્યુ તે સાબિત પણ થઈ ગયુ છે. પરીક્ષા રદ નહી થાય તો બીજુ નવનિર્માણ આંદોલન થશે”

  • નિરવ પટેલ, સુરેન્દ્રનગર

લોકોના મોબાઈલમાં પુરાવા છતાંય આંખ આડા કાન

”સોશ્યલ મિડિયાને કારણે સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, પાલનપુર જેવા અનેક કેન્દ્રોમાં ચોરી થયાના પુરાવા ગુજરાતીઓના મોબાઈલમાં છે. અફસોસ સરકાર અંધારામાં છે. હવે લોકોએ જ વિચારવુ રહ્યું”

  • ગજેન્દ્રસિંહ રાજપૂત, ખેરાળું

ચેરમેન મોઢું સંતાડે, જવાબ નથી આપતા

”ગૌણ સેવા મંડળના ચેરમેન મોઢું કેમ સંતાડી રહ્યા છે ? ૧૭ દિવસથી ઉમેદવારો મામલતદારો, કલેક્ટરોને આવેદનપત્રો આપે છે. છતાંયે કંઈ બોલતા નથી ત્યાં જ કંઈક કૌભાંડ થયાની શંકા મજબૂત બની છે”

  • શ્વેતા બહેન વડોદરા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન