ગાંધીનગરમાં કોરોનાગ્રસ્ત અશોક પટેલના માતા પણ  સપડાયા - Sandesh
  • Home
  • Gujarat
  • ગાંધીનગરમાં કોરોનાગ્રસ્ત અશોક પટેલના માતા પણ  સપડાયા

ગાંધીનગરમાં કોરોનાગ્રસ્ત અશોક પટેલના માતા પણ  સપડાયા

 | 2:07 am IST

। ગાંધીનગર ।

રાજ્યના પાટનગર ગાંધીનગરને સેક્ટર-૨૯ના એક યુવાનના કારણે કોરોનાનું ગ્રહણ લાગી ગયું. આજે યુવાનના કોરોનાના બિછાને પડેલા ફુઆના ૮૦ વર્ષીય માતાનું પણ કોરોના પોઝિટિવ આવતાં આ સાથે ગાંધીનગરમાં કોરોનાના સાત પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. અને આ તમામ દર્દીઓ એક જ પરિવારના છે. યુવાનના સંપર્કમાં આવેલા તમામ લોકોને સરકારી ફેસેલેટી હેઠળ ક્વોરન્ટાઈન કરાયા છે. તેમાં આજે વૃદ્ધાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

સેક્ટર-૨૯નો યુવાન ઉમંગ પટેલ પોતાની પત્ની સાથે દુબઈ ચાર દિવસના પ્રવાસે ગયેલો અને પરત આવ્યા પછી તેના સંપર્કના કારણે અત્યારસુધીમાં કોરોનાના જે સાત કેસો નોંધાયા તે તમામ લોકલ ટ્રાન્સમિશનના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. હવે તો આરોગ્ય તંત્રના પણ ધબકારા વધી ગયા છે. ઉમંગ પટેલ દુબઈથી આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઈન રહેવાને બદલે બધાના સંપર્કમાં રહ્યો અને તેના કારણે ગાંધીનગરમાં સ્થિતિ વણસતી દેખાય રહી છે. ઉમંગ પટેલ તેની પત્ની, દાદી, પિતા, ફોઈ-ફુઆ બાદ ફુઆ અશોક પટેલની માતા શારદાબેન પટેલ (ઉ.વ. ૮૦) કોરોનામાં સપડાયા છે. યુવાનના સંપર્કમાં આવેલા ૨૦ જેટલા લોકોે ચ-૫ પાસે આવેલી સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે ક્વોરોન્ટાઈન ફેસેલિટીમાં ખસેડવામાં આવ્યા છે. કોરોના સંક્રમિત અશોક પટેલના માતાને પણ આ જગ્યાએ જ એક રૂમમાં અલગથી ક્વોરન્ટાઈનમાં રખાયા હતા. તેમને કફની ફરિયાદ હતી જેને લઈને ગઈકાલે તેમના સેમ્પલ કોરોના પરીક્ષણ માટે અમદાવાદ સિવીલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તુરત જ ગાંધીનગરની સિવિલમાં આઈસોલેેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની સત્તાવાર વિગતો છેે. તેમના રૂમને સેનિટાઈઝ કરીને હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટાફ ટ્રેનિંગ કોલેજ વિસ્તારમાં તુરત જ ફોગિંગ કરવામાં આવ્યું હતું. જોકે અહીં અશોક પટેલના પુત્ર-પુત્રી સહિત તેમના પરિવારના બીજા સભ્યોને પણ ક્વોરન્ટાઈન કરાયા છે. એડીસી બેંકના ચાર કર્મચારીઓને પણ અહીં જ ક્વોરન્ટાઈન કરાયા હોવાની વિગતો છે. કોરોનાની મહામારી હોવા છતાં બેદરકારી દાખવવા બદલ ઉમંગ પટેલ સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલી છે. આજે આ એક જ પરિવારના કારણે સમગ્ર ગાંધીનગર શહેર એક દહેશત હેઠળ આવી ગયું છે. ઉમંગ પટેલના સંપર્કમાં આવેલા લોકો પણ કંઈક અંશે અંદરથી ફફડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન