Gandhinagar GSEB 10th Board Exam Result: 1 lakh students fail in Gujarati and 3 lakh fail in mathematics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શિક્ષણ વિભાગ સામે પ્રશ્નાર્થ? ધો.10ના પરિણામમાં વિજ્ઞાનમાં 2.91 લાખ, ગણિતમાં 3,22 લાખ અને ગુજરાતીમાં 1 લાખ વિદ્યાર્થીઓ નાપાસ

શિક્ષણ વિભાગ સામે પ્રશ્નાર્થ? ધો.10ના પરિણામમાં વિજ્ઞાનમાં 2.91 લાખ, ગણિતમાં 3,22 લાખ અને ગુજરાતીમાં 1 લાખ વિદ્યાર્થીઓ નાપાસ

 | 8:40 am IST
  • Share

। અમદાવાદ ।

ગત માર્ચમાં લેવાયેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું મંગળવારે જાહેર કરેલા પરિણામ છેલ્લા ૫ વર્ષમાં સૌથી નબળુ પરિણામ આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં રાજ્યમાંથી નિયમિત કુલ ૭,૯૨,૯૪૨ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૪,૮૦,૮૪૫ વિદ્યાર્થી પાસ થતા ૬૦.૬૪ ટકા પરિણામ આવ્યું છે, જે ગત વર્ષ કરતાં ૬.૩૩ ટકા ઓછું છે. જોકે સરેરાશ પરિણામની વાત કરીએ તો માંડ ૪૯.૧૨ ટકા જ પરિણામ આવ્યું છે.

મહત્ત્વનું છે કે, આ વખતે ધોરણ.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ૨.૯૧ લાખ અને ગણિતમાં ૩.૨૨ લાખ વિદ્યાર્થી નાપાસ થયા છે, જે ગત વર્ષ કરતાં ઘણા વધુ છે. રાજ્યમાં સૌથી વધુ ૯૪.૧૮ ટકા પરિણામ બનાસકાંઠાના સપ્રેડા કેન્દ્રનું આવ્યું છે જ્યારે જિલ્લાઓમાં સુરત ૭૪.૬૬ ટકા પરિણામ સાથે બીજા વર્ષે પણ મોખરે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું ૪૭.૪૭ ટકા જ પરિણામ આવ્યું છે.  

  આ વર્ષે ધોરણ ૧૦નું ઓવર ઓલ પરિણામ ઘણુ નબળુ આવ્યું છે. કારણ કે, મુખ્ય વિષયોમાં નાપાસ થનાર વિદ્યાર્થીની સંખ્યામાં અને નબળુ પરિણામ ધરાવતી સ્કૂલોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે ગુજરાતી માધ્યમ કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ ઊંચું આવ્યું છે.

ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પરિણામની ટકાવારી ૫૭.૫૪ ટકા છે જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ ૭૦.૧૩ ટકા આવ્યું છે. જ્યારે હિન્દી માધ્યમનું પરિણામ ૬૩.૯૪ ટકા આવશે. આ વર્ષે કોરોના વાઇરસના ફેલાવા અને લોકડાઉનના કારણે પરિણામ ૧૫ દિવસ મોડું જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષે ધોરણ ૧૦નું પરિણામ ૨૧મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

ધોરણ ૧૦નું ઊંચું પરિણામ લાવવા ૨૦ માર્કસનું ગ્રેસિંગ અપાયું

મંગળવારે જાહેર કરેલ ધોરણ ૧૦નું પરિણામ છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નબળું પરિણામ આવ્યું છે. એટલું જ નહીં આ વખતે ઊંચું પરિણામ લાવવા માટે બોર્ડે ૨૦ માર્કસનું ગ્રેસિંગ આપ્યું છે નહિતર પરિણામ માંડ ૪૫ ટકા જ આવ્યું હોવાનું બોર્ડના સૂત્રો જણાવી રહ્યાં છે. નબળું પરિણામ આવવા પાછળનું કારણ આપતાં નિષ્ણાતો જણાવે છે કે, વર્ષ-૨૦૧૧થી બોર્ડની પરીક્ષામાં ૫૦ માર્કસની OMR સીટ આવતી હતી.

જેમાં વિદ્યાર્થીઓ ટીકમાર્ક કરીને સારા માર્કસ મેળવી લેતા હતા. પરંતુ આ વખતે NCERTની ફોર્મ્યુલા પ્રમાણે પેપર કાઢતા OMR સીટ કાઢી દેવાઈ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. શિક્ષણ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ધોરણ ૧૦મા NCERTનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો હતો.

પરંતુ રાજ્યના શિક્ષકો NCERTના અભ્યાસક્રમ પ્રમાણે વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ ઊણા ઊતર્યા છે. બીજું કે સતત ૧૦ વર્ષથી એટલે કે, ૨૦૧૧થી લઈને ૨૦૧૯૮ સુધી બોર્ડની પરીક્ષામાં OMR સીટ આવતી હોવાથી વિદ્યાર્થીની લખવાની ટેવ જ સાવ જતી રહી છે. જે વિદ્યાર્થીઓના ગણિત જેવા વિષયમાં સારા માર્કસ આવ્યાં છે તેવા વિદ્યાર્થીઓને ભાષા તેમજ વિજ્ઞાન વિષયના પેપરમાં ઘણા ઓછા માર્કસ આવ્યાં છે. જેના કારણે ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે.

અમદાવાદ શહેરનું ૬૫.૫૧ ટકા જ્યારે ગ્રામ્યનું ૬૬.૦૭ ટકા પરિણામ

અમદાવાદ શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારનું પરિણામ અડધો ટકો વધુ આવ્યું છે. શહેરનું પરિણામ ૬૫.૫૧ ટકા આવ્યું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારનું પરિણામ ૬૬.૦૭ ટકા આવ્યું છે. મહત્ત્વનું છે કે, ગત વર્ષે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ઝીરો ટકા પરિણામ વાળી એકપણ સ્કૂલ નહોતી પરંતુ આ વખતે ૬-૬ મળીને કુલ ૧૨ સ્કૂલોનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. જ્યારે ૩૦ ટકાથી ઓછા પરિણામવાળી ગત વર્ષે શહેરમાં ૩૨ હતી જે વધીને આ વખતે ૭૮ થઈ છે જ્યારે ગ્રામ્યમાં ૩૭ સ્કૂલો હતી જેમાં પણ વધારો થતાં આંકડો ૭૦એ પહોંચ્યો છે.

૧૦૦ ટકાવાળી સ્કૂલો ૨૯૧ જ્યારે ૧૭૪ સ્કૂલોનું પરિણામ ૦ ટકા  શિક્ષણ બોર્ડે મંગળવારે જાહેર કરેલા ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં ૨૯૧ સ્કૂલોનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે જ્યારે ૧૭૪ સ્કૂલો એવી છે કે, જેમનું પરિણામ ૦ ટકા જ આવ્યું છે. ગત વર્ષે ૦ ટકા પરિણામવાળી સ્કૂલો માત્ર ૬૩ હતી જેમાં ૧૧૧નો વધારો થયો છે. જ્યારે ૧૦૦ ટકા પરિણામવાળી સ્કૂલો ગત વર્ષે ૩૬૬ હતી જેમાં ૭૫નો ઘટાડો થયો છે.

આ સિવાય ૧,૮૩૯ સ્કૂલોનું પરિણામ ૩૦ ટકાથી ઓછું આવ્યું છે. આમ છેલ્લે કેટલાક વર્ષોની સરખામણીએ બોર્ડનું પરિણામ ઘણું નબળુ આવ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. ધો.૧૦નું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઘણું નીચું છે. તેના ઘણા બધા કારણો હોય શકે છે. જેમાં એક કારણ કોરોના પણ છે. વિદ્યાર્થીઓ ભયના કારણે પરીક્ષા આપવામાં ગભરાયા હોય તેવું પણ બની શકે છે.

ધોરણ ૧૦ના પરિણામની નબળાઈઓ પર એક નજર

  • ગત વર્ષે ઝીરો ટકા પરિણામવાળી સ્કૂલો માત્ર ૬૩ હતી જે વધીને ૧૭૪ થઈ
  • ૩૦ ટકાથી ઓછા પરિણામવાળી સ્કૂલો ૯૯૫થી વધીને ૧,૮૩૯એ પહોંચી
  • ૧૦૦ ટકા પરિણામ ધરાવતી સ્કૂલો ૩૬૬થી ઘટીને ૨૯૧એ આવી ગઈ
  • ગત વર્ષે ૪૯૭૪ સ્કૂલો એ ગ્રેડમાં હતી જે ઘટીને આ વર્ષે માત્ર ૧૬૭૧ આવી
  • એ-૨ ગ્રેડવાળી સ્કૂલો ૩૨,૩૭૫થી ઘટીને ૨૩,૭૫૪એ આવી ગઈ
  • ગત વર્ષે ૧૮૭ વિદ્યાર્થીઓએ ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા હતા આ વખતે માંડ ૨૦ જ વિદ્યાર્થી
  • ગણિતમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૭૨,૬૧૯નો ધરખમ વધારો થયો
  • ગુજરાતી ભાષાના પેપરમાં પણ ગત વર્ષ કરતાં નાપાસ થનાર વિદ્યાર્થીઓમાં ૧૯,૩૧૫ વધારો થતા કુલ સંખ્યા ૧,૦૦,૩૪૮
  • વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પણ ગત વર્ષ કરતાં વધુ ૩૦,૦૭૫ વિદ્યાર્થીઓનો નાપાસમાં ઉમેરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન