Gandhinagar In Husband and Wife died on same day at Gujarat
  • Home
  • Featured
  • હું નહીં હોઉ તો તું શું કરીશ, પત્નીએ કહ્યું- હું પણ સાથે આવીશ, ગણતરીની ક્ષણોમાં પતિ, પત્નીએ દુનિયા છોડી

હું નહીં હોઉ તો તું શું કરીશ, પત્નીએ કહ્યું- હું પણ સાથે આવીશ, ગણતરીની ક્ષણોમાં પતિ, પત્નીએ દુનિયા છોડી

 | 10:28 am IST

ગાંધીનગરના સેક્ટર-24માં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક જ દિવસે દંપતીએ એકપછી એક ફાની દુનિયા છોડી સ્વર્ગે સિધાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હજુ તો ડાઘુઓ પતિના અંતિમસંસ્કાર કરીને ઘરે પરત પણ ફર્યા નહતા. ત્યાં પત્નીએ પણ પતિના વિરહમાં અંતિમ શ્વાસ લીધા હતા. પતિની અંતિમવિધી બાદ પાછળ પાછળ પત્નીની પણ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, બીમાર પતિએ એક દિવસ તેની પત્નીને કહ્યું હતું કે, ‘મારા પછી તું શું કરીશ’ જેના જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘હું પણ તમારી સાથે ઉપર આવીશ’ યોગાનયોગ પતિનું બુધવારે અવસાન થયું અને ત્યારબાદ આઘાતમાં સરી પડેલી પત્નીએ પણ અનંતની વાટ પકડતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

પાષણહૃદયના માનવીને પણ પીગળાવી દે તેવી ઘટના સેક્ટર-24ના ડબલડેકર વિસ્તારમાં રહેતા અભેસિંહ વાઘેલા તાજેતરમાં બિમાર પડ્યા હતા. તેઓની તબિયત દિનપ્રતિદિન કથળતી હતી. બે દિવસ પુર્વે તેમનું મોત નિપજ્યું હતું. ઘરેથી અભેસિંહની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

ડાઘુઓ હજુ અભેસિંહની અંતિમયાત્રા કાઢીને ઘરે પરત પણ ફર્યા નહતા ત્યાં તેમના પત્ની આન્દ્રાબા પણ ફાની દુનિયા છોડી ગયા હતા. દંપતી ગણતરીના મિનીટોના અંતરમાં જ સ્વર્ગે સિધાવ્યા હતા. આ ઘટનાથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પતિ અભેસિંહની અંતિમયાત્રા કાઢીને પરત આવ્યા બાદ પાછળ પાછળ ઈન્દ્રાબાની પણ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. એક જ દિવસમાં બે બે વ્યક્તિઓના મોતથી પરિવાર પર સ્તબ્ધ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં પતિના વિરહમાં ઈન્દ્રાબાને હાર્ટ એટેક આવ્યો હતો. આ ઘટનાથી પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પતિનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી ધર્મપત્ની ઇન્દ્રાબા ચિંતાતુર રહેતાં હતાં. અભેસિંહને કમળાની બીમારી હોવાથી તેમની સારવાર ચાલતી હતી. બે દિવસ પહેલા પત્ની ઇન્દ્રાબા પતિ અભેસિંહ સાથે બેઠાં હતાં. ત્યારે અભેસિંહે પત્નીને પૂછ્યું કે, હું નહીં હોઉ તો તું શું કરીશ. આ સાંભળીને ઇન્દ્રાબા બોલ્યા કે તમે નહીં હોવ તો હું પણ તમારી પાછળ આવીશ. પતિ-પત્નીનો આ સંવાદ પૂર્ણ થયા બાદ અભેસિંહનું અવસાન થયું હતું. પતિના અવસાનથી ઇન્દ્રાબાને આઘાતમાં સરી પડ્યા અને પરિવાર શોકાતૂર બની ગયો હતો. સમાજના રીત રીવાજ મુજબ અભેસિંહની અંતિમ વિધી કરીને સગા-સબંધીઓ ઘરે આવ્યા ત્યારે ઇન્દ્રાબાએ પણ અનંતની વાટ પકડી લીધી હતી.

પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમે મૃત્યુના અંતિમ સમયે પણ સાથ નિભાવ્યો હતો. પતિ પત્નીના એક જ દિવસે અવસાન થતાં તેમની દીકરી પણ આઘાતમાં સરી પડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પતિ-પત્નીના એક દિવસે સ્વર્ગવાસ થતાં પરિવારજનો તેમજ સગા-સબંધીઓમાં શોકમાં ગરકાવ બની ગયા હતા.

આ પણ જુઓ વીડિયો: સુરતમાં સોનાની લગડીના વેચાણમાં નોંધાયો વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન