ગણેશ ચતુર્થીમાં બનાવો ગણપતિનું માસ્ક - Sandesh
  • Home
  • Kids Corner
  • ગણેશ ચતુર્થીમાં બનાવો ગણપતિનું માસ્ક

ગણેશ ચતુર્થીમાં બનાવો ગણપતિનું માસ્ક

 | 2:47 am IST

બાળકોને લાડુ પ્રિય હોય છે, સાથે સાથે મોટાઓને પણ લાડુ ભાવતા જ હોય છે. પણ શું તમે જાણો છો સૌથી વધારે લાડુ કોને ભાવે? હા, આપણા બાળગણેશને. તમારા જ જેવા નટખટ અને મસ્તી કરતા બાળગણેશ થોડા જ દિવસોમાં તમને મળવા આવી રહ્યા છે. તમને તો એ ખબર જ હશે, પણ તેમના સ્વાગત માટે તમે કંઇ તૈયારી શરૂ કરી કે નહીં? ના કરી હોય તો આજથી જ લાગી જાવ કામે. તો ચાલો ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી! આપણે શરૂઆત કરીએ બાળગણેશના માસ્કથી જ. દરેકને પ્રિય તેવા બાળગણેશનું માસ્ક બનાવવા માટે સૌથી પહેલા જોઇશે, એક મોટંુ કડક પૂંઠુ, રંગ, પેન્સિલ, બે નાની દોરી, કાતર, રંગીન ટીલડા તેમજ ડેકોરેશનનો સામાન.

સૌથી પહેલા પૂંઠા ઉપર પેન્સિલથી તમારા મનગમતા ગણપતિ દોરો. ત્યારબાદ તેમાં તમારા મનગમતા કલર પૂરો. હવે કાતરથી સાચવીને દોરેલા ગણપતિને કાપો. કલર પૂરેલા ગણપતિમાં રંગીન ટીલડાની મદદથી સુશોભન કરો. ગણપતિના મુગટ ઉપર, તેની સૂંઢ ઉપર તેમજ તેના કાન ઉપર સરસ મજાના રંગબેરંગી ટીલડા લગાવો.. તમે તેના પર તમારી મરજી મુજબ પણ સુશોભન કરી શકો છો. તમે ટીલડાની જગ્યાએ રંગીન સ્ટોન તેમજ રંગીન બટનનો પણ ઉપયોગ કરી શકો છો. બાળગણેશના મુગટ ઉપર તમે રંગીન લેસની મદદથી પણ સુશોભન કરી શકો છો. તૈયાર ગણપતિના બંને છેડા ઉપર નાના કાણા પાડો અને બંને બાજુ દોરી બાંધો. પહેરવા માટે તૈયાર છે તમારા ગણપતિ.