Ganesh departs with the promise of arriving early next year
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ગણેશ : સર્જન અને વિસર્જનને સાથે રાખનારા દેવ 

ગણેશ : સર્જન અને વિસર્જનને સાથે રાખનારા દેવ 

 | 2:04 pm IST

રીલેશનના રિલેસન :- રવિ ઈલા ભટ્ટ

ભગવાન ગણેશના વિસર્જનનો દિવસ આવી ગયો છે. આવતીકાલે ગણેશ વિસર્જન થશે. દસ દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન વિઘ્નહર્તા ગણેશ આગામી વર્ષે વહેલા આવવાના વચન સાથે વિદાય લેશે. આબાલ-વૃદ્ધ સૌને આનંદ આપતા અને વિદાય સાથે વ્યાકુળ કરી દેતા ભગવાન ગણેશ આપણને ઘણું બધું શીખવી જાય છે. માત્ર તેમના જન્મ અને જીવનની કેટલીક બાબતો ઉપર નજર કરીએ તો પણ આપણા તમામ ભવ સુધરી જાય તેવા ઉપદેશ મળે છે.

ભગવાન ગણેશના જન્મની કથા આપણે સૌ જાણીએ છીએ. માતા પાર્વતીએ સ્નાન કરવા દરમિયાન પોતાના શરીર પરના મેલમાંથી તેમનું સર્જન કર્યું. આપણી વેદોક્ત પરંપરા સાથે જોડાયેલી કથાઓ આવી જ વાત કરે છે. તેનો ગુઢાર્થ સાવ અલગ જ છે. આ અર્થ જ્યારે માણસ પામી જાય છે ત્યારે તે પોતે પણ નિરાકાર થઈ જાય છે. ગણેશજીના જન્મ પાછળનો તર્ક એવો પણ છે કે, આપણી બુદ્ધિ શરીરની જેમ પાંચ તત્ત્વોમાંથી બનેલી છે. શરીર જેમ પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશમાંથી બનેલું છે તેમ આપણી બુદ્ધિ પણ શબ્દ, સ્પર્શ, રસ, ગંધ અને રૂપમાંથી બનેલી છે. મહાદેવ શિવ જ્યારે હઠે ચડેલા ગણેશનો શિરચ્છેદ કરે છે ત્યારે તે પ્રાકૃતિક રીતે વિકાર પામેલી બુદ્ધિનો નાશ કરે છે. ત્યારબાદ દુનિયાને સત્ય સમજાવવા અને ઉપદેશ આપવા માટે પોતાના સંતાનના ધડ ઉપર હાથીનું મસ્તક મૂકે છે. આપણું મન અને બુદ્ધિ એટલે પાર્વતીથી જન્મેલા સ્થૂળ ગણેશ. સાઇકોલોજીમાં જેને કોન્સિયસ અને સબકોન્સિયસ માઈન્ડ કહેવાય છે તેવી જ રીતે ભગવાન શંકરે કોન્સિયસ માઈન્ડ એવા ગણેશનો શિરચ્છેદ કર્યો અને તેમને સબકોન્સિયસ બનાવ્યા. માણસનું પણ સબકોન્સિયસ માઈન્ડ જાગ્રત થઈ જાય તો તે પણ મહાનતાની સીડીઓ ચડી શકે છે.

ગજાનન તરીકે ઓળખાતા ભગવાન ગણેશને હાથીનું મુખ લગાવાયું તેની પાછળ પણ અનેક તર્ક રહેલા છે. તેમનું જીવન અને કવન પણ અનેક બોધપાઠ આપનારું છે. હાથીનું માથું મોટું, કાન મોટા, સૂંઢ લાંબી, પેટ મોટું, આંખો ઝીણી. આ બધી જ બાબતો ગજાનન એટલે કે હાથી જેવું મુખ ધરાવનારા ભગવાન ગણપતિ પાસે પણ છે. તેઓ માત્ર પોતાના આકાર થકી આપણને જીવનનાં પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે. તેઓ મોટું મુખ ધરાવે છે જે તેમની વિશાળતાનું પ્રતીક છે. મોટું મસ્તક મોટા મગજ અને વિશાળ બુદ્ધિનું પણ પ્રતીક છે. સૌથી પહેલાં તો તેમની ઝીણી આંખો. આ આંખો સૂક્ષ્મતાના ભાવને ઉજાગર કરે છે. આપણે જીવનમાં દરરોજ સામે આવતી પરિસ્થિતિઓને જોઈ ન જોઈ કરીને જવા દઈએ છીએ. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઉપર ઉપરથી જોઈને નિરાશા વ્યક્ત કરીએ છીએ. જ્યારે આ એકદ્રષ્ટા ગણેશ તમામ સ્થિતિને એક જ નજરે અને આંખો ઝીણી રાખીને જુએ છે. તે દરેક બાબતને સૂક્ષ્મતાથી જોઈ, જાણી અને સમજીને આગળ વધે છે.

ગજવક્ર એટલે કે હાથી જેવા લાંબી સૂંઢ ધરાવતા ગણેશજી જણાવે છે કે, કોઈપણ બાબત હોય તેને પહેલાં ઝીણી આંખે તપાસી લેવી. ત્યારબાદ લાંબી સૂંઢ એટલે કે આંતરિક સમજ થકી તેના મર્મને જાણી લેવો. કોઈપણ બાબત હોય તેની ગંધ પહેલેથી પારખી જવી પછી જ પ્રતિક્રિયા આપવી કે ક્રિયા કરવી. સામેની વ્યક્તિ કે આસપાસની વ્યક્તિઓ ગમે તેવાં ગતકડાં કરે પણ આપણી સમજશક્તિ એટલી સારી હોવી જોઈએ કે, જે નજરની સામે નથી તેને પણ પામી જઈએ અને સત્યને સમજી જઈએ. ગજકર્ણ ગણેશની જેમ મોટા કાન થકી દુનિયામાંથી જે પણ જ્ઞાન મળે છે તેને ગ્રહણ કરી લેતા શીખવું પડે. હાથીના કાનને સૂપડા જેવા કાન કહીએ છીએ. સૂપડાનો મૂળ ગુણધર્મ શું છે તે જાણો છો. સૂપડાનો મૂળ ગુણધર્મ છે કચરો અને ફેતરાં ઉડાડી નાખવાં અને દાણાને ગ્રહણ કરવા. તેવી જ રીતે દુનિયામાં તમામ પ્રકારની બાબતો અને માહિતી મળતા હોય છે. આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને એટલું જ ગ્રહણ કરવાનું છે જે આપણને લાભદાયક કે હિતકારી હોય. આપણા જ્ઞાનમાં વધારો કરતી બાબતોને જ આપણે ગ્રહણ કરવી જોઈએ.

લંબોદર એટલે કે વિશાળ પેટ. ગણેશજીનું પેટ વિશાળ હતું. તેમાં તમામ બાબતો પણ સમાઈ જતી હતી. કોઈપણ વ્યક્તિ કોઈપણ બાબત લઈને આવે, કંઈ પણ વાત જણાવે તો તેઓ પેટમાં સમાવી લેતા. તે ક્યારેય બહાર આવતી નહીં. તેમને ક્યારેય કોઈની વાત બીજાને કે બીજાની વાત ત્રીજાને કહેવાનું પસંદ નહોતું. કોઈ પોતાનો ઉભરો ઠાલવી જાય, પોતાની પીડાને જણાવી જાય તો તેઓ શાંતિથી સાંભળી લેતા. તેનાથી સામેની વ્યક્તિને સાંત્વના મળતી. આપણે પણ આવી જ આવડત કેળવવાની છે. તેવી જ રીતે નાના પગ. તેમના પગ તેમની આવડતની નિશાની હતા. શિવ-પાર્વતીની ૬૪ પ્રદક્ષિણા તેમના નાના પગ અને બુદ્ધિક્ષમતાના સુપર કોમ્બિનેશનની જ કથા છે. નાના પગ હોવાથી વ્યક્તિ ખોટી દોડાદોડ કરતી નથી. તે ધીમે અને શાંતિ તથા ધીરજ સાથે કામ કરે છે. આવી વ્યક્તિઓ પગ ઉપાડતાં પહેલાં સો વખત વિચાર કરે છે. મહેનત વ્યર્થ ન જાય તેની વિશેષ કાળજી રાખે છે.

ચતુર્ભુજ ગણેશના ચાર હાથ. એક હાથમાં અંકુશ, એકમાં પાશ, ત્રીજામાં મોદક અને ચોથો સદાય આશીર્વાદ આપતો હાથ. તેઓ એક હાથમાં પોતાના જીવનનો અંકુશ રાખે છે. હાથીને કાબૂ કરવા જેમ મહાવત પાસે અંકુશ હોય છે તેવો જ અંકુશ ગણપતિએ પોતાના હાથમાં રાખ્યો છે. વ્યક્તિએ પોતાની ઈન્દ્રિયો અને વાસનાઓને અંકુશમાં રાખવાની છે. વ્યક્તિએ પોતે જ એ કાર્ય કરવાનું છે તેવું ગણેશજી સ્પષ્ટ સૂચવે છે. પછી આવે છે પાશ. વાસના અને ઈન્દ્રિયો કાબૂમાં ન રહે તો પોતાની જાતને જ સજા કરવા માટે પોતે જ પાશ હાથમાં રાખવાની છે. સમર્થ વ્યક્તિ પોતાની જાતે આ બંને કાર્યો કરી શકે છે. અથવા તો એમ કહીએ કે આવું કરી શકવા સક્ષમ હોવો જોઈએ. મોદક એટલે કે આનંદ. પોતે આનંદ કરે અને અન્યને આનંદ કરાવે તે સ્વભાવ અત્યંત જરૂરી છે. આપણે ખુશ હોઈશું અને બીજા પણ ખુશ હશે તો બાકીની સમસ્યાઓ આપોઆપ વિસરાઈ જશે.

સૌથી છેલ્લે આવે છે ગણેશજીનું પ્રિય વાહન મૂશક. તેઓ ઉંદરની સવારી કરે છે. તે પણ ખૂબ જ સૂચક છે. સૌથી પહેલી બાબત આવે છે બુદ્ધિ. વ્યક્તિની બુદ્ધિ ઉપર તર્ક જરૂરી છે. બુદ્ધિ ઉંદર જેવી ચંચળ છે. તેના ઉપર ગણેશજી જેવો ભારેભરખમ તર્ક હોય તો જ તે વિવેકપૂર્ણ રીતે અને સાચી દિશામાં ધીમેધીમે આગળ વધે. તેવી જ રીતે ઉંદર એટલે ચોરવૃત્તિનું પ્રતીક. વ્યક્તિના મનમાં ચોરવૃત્તિ જાગે ત્યારે તેને દબાવી દેવા માટે ગણેશજી જેવો જ તર્ક રાખવો પડે. તેમનો સૌથી મોટો બોધપાઠ છે વિસર્જન. અનંતચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, જેનો આકાર છે તેણે નિરાકાર થવાનું છે. નિરાકાર તરફ ગતિ કરવા માટે આકારને વિર્સિજત કરવો પડે છે. જ્યાં સુધી હુંપણાનું વિસર્જન નથી થતું ત્યાં સુધી આપણાપણાનો ભાવ આવતો નથી. જળતત્ત્વમાં વિર્સિજત થવાની સાથે જ તેઓ ચારેકોર વ્યાપ્ત થઈ જાય છે. પરમાત્મા સર્વવ્યાપક છે. તે સચરાચર જગતમાં વ્યાપ્ત છે. આપણે પણ તેવી જ ભાવના સાથે દરેક જીવ સાથે જોડાવાનું છે. માત્ર મારો આકાર ધારણ કરીને બેસી રહેવાથી તમામ બાબતોની પ્રાપ્તિ નહીં થાય. તેના માટે વિર્સિજત થઈને નિરાકાર તરફ્ની ગતિ કરવી પડશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન