Ganesh festival also felt the eclipse of Corona virus
  • Home
  • Business
  • ગણેશોત્સવને લાગ્યું કોરોનાનું ગ્રહણ: ઉજવણીને લઈ અસમંજસ, 140 કરોડનો વેપાર ખોરવાશે

ગણેશોત્સવને લાગ્યું કોરોનાનું ગ્રહણ: ઉજવણીને લઈ અસમંજસ, 140 કરોડનો વેપાર ખોરવાશે

 | 5:12 pm IST

કોરોના મહામારી દિવસે દિવસે વધી રહી છે. જેના પગલે ભારતમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. લોકો નથી ખુલીને બહાર નિકળી શકતા કે નથી પોતાના ધંધા રોજગાર કે નોકરી કરી શકતા. ૨૨ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હોવાની સાથે જ ગણેશભક્તોની આતુરતા અને થનગનાટ શરૂ થઇ ગયો છે. પરંતું ચાલુ વર્ષે ગણેશોત્સવ પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય એમ ગણેશભક્તોની અસમંજસતામાં પણ વધારો થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રીએ ઓગસ્ટ માસમાં આવનારા તમામ પર્વોની ઉજવણી રદ કરવાનો સૂર આલાપતા હવે ગણેશોત્સવ પર્વ વેળાએ દેખાતી ઝાકમઝોળ મુદ્દે પણ વિવિધ ચર્ચા ચાલી રહી છે.

૧૪૦ કરોડનો વેપાર ખોરવાઇ જવાની શક્યતા

કોરોનાના આ ગ્રહણને કારણે ચાલુ વર્ષે મંડપ, ડેકોરેશન સાથે જોડાયેલો ૧૪૦ કરોડનો વેપાર ખોરવાઇ જવાની શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે. શહેરના ૫૦ મોટા બજેટવાળા મંડળો સરેરાશ ૨૫ લાખ, ૮૫૦ સામાન્ય મંડળો સામાન્ય મંડળો સરેરાશ ૩ લાખ ખર્ચીને બાપ્પાની આરાધના કરે છે. ૯ હજાર મંડળોનું મંડપ ડેકોરેશન દીઠ સરેરાશ ૩૦ હજારના ખર્ચને જોતા ૨૭ કરોડ, શોભાયાત્રામાં સરેરાશ ૩૦ હજારને જોતા ૨૭ કરોડ, શ્રીજી પ્રતિમા પાછળ સરેરાશ ૧૫ હજારના ખર્ચને જોતા ૧૩.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમજ મોટા બજેટના ગણેશમંડળોનું સરેરાશ ૨૫ લાખનું બજેટ જોતા આ મંડળો જ ૧૨.૫૦ કરોડનો ખર્ચ કરી નાંખે છે. શોભાયાત્રા, મંડપ ડેકોરેશન, પ્રતિમા, પૂજા-અર્ચના, આરતી, વિસર્જન, ધાર્મિક કાર્યક્રમો સહિતની બાબતોને આવરી લઇએ તો ગણેશોત્સવ વેળાએ ખર્ચનું ટર્નઓવર ૧૪૦ કરોડથી વધુનું થાય એમ છે.

ગણેશોત્સવને લઈને સત્તાવાર જાહેરનામું બહાર પડાશે

જોકે, ચાલુ વર્ષે કોરોનાના ગ્રહણ વચ્ચે ગણેશોત્સવ સાથે જોડાયેલો ૧૪૦ કરોડનો વેપાર-રોજગાર છીનવાઇ જાય એમ છે. ૨૨ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી હોય પર્વને મુદ્દે શુક્રવારે સાંજે ૪ વાગ્યે સુરત શહેર પોલીસ કમિશનર, સુરત જિલ્લા કલેક્ટર, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ સ્વામી અંબરીષાનંદજી, પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, વિવિધ પોલીસ અધિકારીઓની સંયુક્ત બેઠક મળી હતી. પર્વની ઉજવણીની સમીક્ષા માટે મળેલી બેઠકમાં પોલીસ તંત્ર દ્ધારા ગણેશ ઉત્સવ સમિતિના સૂચનો માંગવામાં આવ્યા હતા. જ્યારે ઘરમાં POP પીઓપીની પ્રતિમાના વિસર્જનમાં મુશ્કેલી ઊભી થાય એમ હોય ચાલુ વર્ષે માત્ર માટીની પ્રતિમાની જ સ્થાપના થાય એવી ટકેદારી રાખવાની પણ ચર્ચા કરાઇ હતી. જોકે, સમગ્ર પ્રકરણમાં આગામી સોમવારે ગણેશોત્સવ સંદર્ભે પોલીસ તંત્ર દ્ધારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવાનો મત આલાપવામાં આવ્યો હતો. જેમાં મંડપ બાંધવા પર પ્રતિબંધ, માત્ર માટીની પ્રતિમાઓની જ સ્થાપના, ઘરમાં સ્થાપના-ઘરમાં જ વિસર્જન જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે એવી શક્યતા છે.

મુખ્યમંત્રીની જાહેરાત બાદ ગણેશ મંડળોમાં અસમંજસની સ્થિતિ

કોરોના કાળ દરમિયાન બે ફૂટ સુધીની પ્રતિમાની સ્થાપના, નાના મંડપ બાંધવાની મંજૂરી જેવા સૂચનો આપવામાં આવ્યા હતા. જોકે, સામે પક્ષે પોલીસ અધિકારીઓ દ્ધારા પ્રવર્તમાન સંજોગોને જોતા શેરી અને મહોલ્લામાં જાહેરમાં મંડપ બાંધવા માટે સ્પષ્ટ ઇન્કાર કરી દેવાયો હતો. આ સાથે જ શ્રીજીની ઘરમાં જ સ્થાપના અને ઘરમાં જ વિસર્જન થાય એ માટે કડકાઇનું પણ વલણ અપનાવવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીની જાહેરાત બાદ ગણેશ મંડળોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

આ વીડિયો પણ જૂઓઃ  ગુજરાત આવનાર પ્રવાસીએ 14 દિવસ ક્વૉરન્ટીન થવાનુ રહેશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન