ગણેશ વિસર્જન, પ્રતિમા વિસર્જન કે શ્રદ્ધાનું વિસર્જન - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ગણેશ વિસર્જન, પ્રતિમા વિસર્જન કે શ્રદ્ધાનું વિસર્જન

ગણેશ વિસર્જન, પ્રતિમા વિસર્જન કે શ્રદ્ધાનું વિસર્જન

 | 2:06 am IST

વિશ્વવ્યાપી :- નમન મુનશી

પ્રથમ પૂજનીય દુંદાળા દેવ ગણપતિ આવતીકાલે અનંત ચૌદસના રોજ વિદાય લેશે, લોકો વિદાય કરશે એવું કહેવું વધુ પ્રાસંગિક રહેશે. આ વિદાયને વિસર્જનનુ નામ આપવામાં આવે છે. અનંત ચૌદસના દસ દિવસ પહેલાં, ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે આખા ભારત અને વિશ્વના અનેક દેશોમાં પણ આ વિઘ્નહર્તા દેવનું સ્થાપન રંગેચંગે ભક્તો દ્વારા કરવામા આવે છે. ભારતમાં મહારાષ્ટ્રનું મુંબઈ અને ગુજરાતનું સુરત મુખ્ય શહેર છે, જ્યાં ગણેશજીની મૂર્તિ સ્થાપનાની સંખ્યા ૧ લાખની ઉપર પહોંચી જાય છે.

ભગવાન ગણેશજી વિઘ્નહર્તા ઉપરાંત શુભ ફ્ળ આપનારા દેવ ગણાય છે, વ્યક્તિની ઈચ્છાપૂર્તિ કરનારા દેવોમા આગવું સ્થાન ધરાવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી અનેક જાતની સેવા અર્પણ કરી, આ દેવને જેટલા ઠાઠથી, ઢોલ નગારાં, બેન્ડ-વાજા સાથે સ્થાપન કરવામાં આવે છે એટલા જ કે એથીય વધુ ઠાઠમાઠથી એમનું વિસ્થાપન-વિસર્જન નજીકનાં નદી, નાળાં, તળાવો કે દરિયામાં કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં જાહેરમાર્ગો પર વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે જે અંતે વિસર્જનના સ્થળે પૂરી થાય છે. આ સમગ્ર ઘટનામાં મૂળ વિભાવના એવી છે કે ગણેશજી એટલે કે ડહાપણના દેવ, ગણોના પતિ, કાર્યારંભના પ્રતીક એવા દિવ્યને માટીની મૂર્તિમાં પ્રસ્થાપિત કરી એના થકી ગણેશજીની પૂજા, સેવા, અર્ચના કર્યાનો સંતોષ માણીએ અને પછી ગણેશજીએ એ પ્રતિમામાંથી વિદાય લઈ લીધી છે એમ માની એ મૂર્તિનું વિસર્જન કરીએ. મૂર્તિ કાચી માટીમાંથી જ બનાવવામાં આવતી એટલે તેણે પાણીમાં મૂકી દેવાથી આપોઆપ માટી ફરી માટી થઈ જતી! આજે આ વિભાવના ખૂબ ઓછી જોવા મળે છે. ગણેશજીની પ્રતિમા પ્રત્યેની આપણી ભાવના બદલાઈ ગઈ હોય એમ જણાય છે. પ્રતિમાના વિસર્જનની સાથે જ જાણે થઈ જાય છે; મોટા ભાગના લોકોની શ્રદ્ધાનું પણ વિસર્જન.

મૂર્તિના વિસર્જન પછી જે ગણપતિની મૂર્તિનું દસ-દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પોતાની ઇચ્છા, આશાપૂર્તિ માટે કે સુખ-સમૃદ્ધિ મેળવવા કે ટકાવવા પૂજન-અર્ચન કર્યું તેની કેવી સ્થિતિ થાય છે તે જોવા કે જાણવાની તસદી ભક્તો લેતા જ નથી. જેઓ જુએ છે તે પણ આંખ આડા કાન કરે છે, સુલભ સરળ સગવડિયું વલણ અપનાવે છે, આપણને શું? આપણે ક્યાં આવા ગણપતિ લાવ્યા હતા. જે લાવ્યું તે જુએ.

દેખાડા તેમજ હુંસાતુંસી માટે બેસાડાતી, ખરચ બચાવતી પીઓપીની મોટા કદની મૂર્તિઓની દશા વિસર્જનના બીજા-ત્રીજા દિવસે ખરેખર દયનીય હોય છે. કોર્ટની સખ્તાઈને કારણે હવે પર્યાવરણની જાળવણી માટે પ્રશાસન કૃત્રિમ તળાવો બનાવી વૈકલ્પિક વિસર્જનની વ્યવસ્થા કરતા હોય છે. નદીમાં વિર્સિજત મૂર્તિઓ પાણીના અભાવે કાંઠે રઝળતી થઇ જાય છે. જ્યારે આવાં કૃત્રિમ તળાવોમાં વિર્સિજત મૂર્તિઓ સ્ક્રેપ કરવા જેસીબી જેવાં સાધનોનો ઉપયોગ કરવો પડે છે. આ મુદ્દે તે લોકોનો એક ટકા પણ વાંક કાઢી શકાય તેમ નથી, વાંક બધો જ આયોજકોનો છે. આટઆટલી વિનંતિ, સમજાવટ પછી પણ નાની મૂર્તિ સ્થાપિત કરતા નથી, જાણે ભગવાન ફૂટપટ્ટીથી શ્રદ્ધા માપતા હોય તેમ. અંકલેશ્વરમાં ૨૧ ફૂટની મૂર્તિની સ્થાપનાના ચક્કરમાં બે યુવાનો મોતને ભેટયા.

૨૩ જુલાઈ, ૧૮૫૬ના રોજ મહારાષ્ટ્રના ચીખલી ગામે જન્મેલા અને ‘લોકમાન્ય’ ના હુલામણા નામથી પ્રચલિત બાલ ગંગાધર તિલકે મહારાષ્ટ્રમાં ઘરેઘરે થતી ગણેશપૂજાને ઈ.સ. ૧૮૯૪માં સાર્વજનિક ગણેશોત્સવમાં ફેરવ્યો હતો, આઝાદીની લડતમાં લોકોને સામૂહિક રૂપે ભાગીદાર બનાવવાના આશયથી આ ગણેશ ઉત્સવને સાર્વજનિક રૂપ આપ્યું જેમાં સરઘસ આ તહેવારનું મુખ્ય અંગ હતું. તેમનો હેતુ મહદંશે સફ્ળ અને સાર્થક નીવડયો. સાર્વજનિક ગણેશોત્સવની પ્રથા કે પરંપરા આઝાદી પછી પણ ચાલુ રહી, પરંતુ મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાત આ ઉત્સવનાં મુખ્ય રાજ્યો બની રહ્યાં. મહારાષ્ટ્રના મુંબઈ-પૂના અને ગુજરાતના સુરત-બરોડા આ ઉત્સવમાં આગવો ભાગ લે છે.

લોકો નાની મૂર્તિ લાવીને ખૂબ જ પ્રેમથી, ભાવથી બાપાની પૂજા પોતાની ઇચ્છાશક્તિ પ્રમાણે એક દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ કે દસ દિવસ કરે જ છે.

સમય જતા સ્થાપનાના હેતુ બદલાતા ગયા છે. જેમજેમ લોકો પાસે પૈસા અને પાવર આવતા ગયા તેમતેમ દરેક સ્તરે મૂર્તિઓની સંખ્યા અને કદ વધતાં ગયાં છે. હવે એમાં શ્રદ્ધા ઓછી અને મદ વધારે જોવા મળે છે. સંગઠનો અને ખાસ કરીને ગણપતિ આયોજન સમિતિએ આવું ન બને એ માટે ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ. મૂર્તિ બનાવનાર તો વધુ પૈસા મેળવવા મોટી મૂર્તિ બનાવશે જ પરંતુ લોકો જ નહીં લે તો આપોઆપ એવી મૂર્તિનું ઉત્પાદન બંધ થશે.

ગણપતિની આરાધના કરતાં આવૃત્તિ, શ્રદ્ધા કરતાં મૂર્તિની સાઈઝ વધુ મહત્ત્વની થઇ પડે છે. આપણી ‘શ્રદ્ધા’ નહીં પણ ‘માનસિકતા’નું વિસર્જન કરીએ એ સૌ માટે હિતકારક નીવડશે. ગયા વર્ષે સુરત કોર્પોરેશન અને પોલીસતંત્રે તેમજ સુરતીઓએ ખૂબ જ સુંદર તેમજ પ્રસંશનીય કામગીરી બજાવી. સુરત ખાતેના એક પણ ઓવારે તાપી નદીમાં મૂર્તિ વિસર્જન નહીં કરવાનું.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન