ગણેશજીએ જાતે પસંદ કરેલા સ્થળે આવેલું મોટી ડુંગરી મંદિર - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ગણેશજીએ જાતે પસંદ કરેલા સ્થળે આવેલું મોટી ડુંગરી મંદિર

ગણેશજીએ જાતે પસંદ કરેલા સ્થળે આવેલું મોટી ડુંગરી મંદિર

 | 12:05 am IST

શ્રદ્ધા – યાત્રા

ગણેશચતુર્થી અને કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે રાજસ્થાનના જયપુર ખાતે આવેલા મોટી ડુંગરી ગણેશ મંદિરે ખૂબ ભીડ એકઠી થાય છે. અહીં આ તહેવારોએ અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. વિશ્વભરના અભ્યાસુઓ અને સ્થપતિઓ(આર્િકટેક્ટ્સ) આ મંદિરના પ્રાચીન બાંધકામનો અભ્યાસ કરવા અને ભારતની ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના રંગમાં રંગાઈ જવા માટે આવતા રહે છે.

ગણેશજીની મૂર્તિ  અનોખું આકર્ષણ

મંદિરના મુલાકાતીઓ માટે ભગવાન ગણેશની મૂર્તિ સૌથી મોટું આકર્ષણ બની રહે છે. એનાં બે કારણ છે, એક તો પ્રતિમા સિંદૂર રંગની છે અને બીજું, ગણેશજીની સૂંઢ અહીં જમણી બાજુ જોવા મળે છે. સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળાંક લેતી જ બનાવવામાં આવે છે. વળી ગણેશજી હનુમાનની જેમ કેસરિયા રંગમાં અન્ય ક્યાંય જોવા મળતા નથી.

અહીં આખું વર્ષ દર્શનાર્થીઓ આવતા જ રહે છે. એમના આકર્ષણ માટે દર બુધવારે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ગણેશ મંદિરની બીજી મહત્ત્વની વાત એ છે કે અહીં ગણેશજીની પૂજા-અર્ચના ગૌડિય વૈષ્ણવ( ચૈતન્ય વૈષ્ણવ) પરંપરા પ્રમાણે કરવામાં આવે છે. જેને આપણે હરે કૃષ્ણ પરંપરા પણ કહીએ છીએ.

સવાર-સાંજનાં દર્શનનો સમય

મોટી ડુંગરી ગણેશજી મંદિરે સવારના ૫-૩૦થી બપોરના ૧-૩૦ સુધી અને સાંજે ૪-૩૦થી રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકાય છે. આ દરમિયાન ગણેશજીનાં સાત પ્રકારે દર્શન કરવામાં આવે છે.

સાત પ્રકારે દર્શન

૧: સવારે ૪-૩૦થી ૪-૪૫ સુધી મંગળા

૨: સવારે ૭-૧૫થી ૮-૧૫ સુધી ધૂપ

૩: સવારે ૯-૧૫થી ૯-૪૫ સુધી શૃંગાર

૪: સવારે ૧૧-૦૦થી ૧૧-૧૫ સુધી રાજભોગ

૫: સાંજે ૬-૩૦થી ૬-૪૫ સુધી ગ્વાલ

૬: સાંજે ૭-૧૫થી ૭-૪૫ સુધી સંધ્યા

૭: રાત્રે ૯-૧૫થી ૯-૩૦ સુધી સાયંદર્શન કરવામાં આવે છે. તમામ શ્રદ્ધાળુઓ પોતાના અનુકૂળ સમય પ્રમાણે જેટલાં અનુકુળ આવે તેટલાં અથવા દરેક દર્શનમાં ભાગ લઈ શકે છે.

મોટી ડુંગરી મંદિરનો ઈતિહાસ

કહે છે કે ૧૭મી સદીમાં સવાઈ માધોસિંહજીએ ગણેશજીને ગુજરાતમાંથી મેવાડના મવાલી વિસ્તારમાં લાવી અહીં સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. સવાઈ માધોસિંહજી ગણેશજીના પરમ ભક્ત હતા.

તેઓ મૂળ તો ગણેશજીને જયપુર તેડાવીને આલીશાન મંદિર બનાવવા માગતા હતા. આ વાતની ખબર પડતાં મેવાડના મહારાણાએ પોતાના પલ્લીવાલ બ્રાહ્મણ પંડિતોને આદેશ કર્યો કે મારી સાથે આ શાહી યાત્રામાં તમે પણ જોડાઈ જાવ. આપણે બધા મળીનેે ગણેશજીને જયપુર લઈ આવીશું.

ગણેશ-મંદિરની કથા

પરંતુ જે બળદગાડામાં ગણેશજીની પ્રતિમા હતી એ બળદગાડું જયપુર નજીકની મોટી ડુંગરીની તળેટીમાં આ સ્થળે આવીને અટકી ગયું. બધા જાણકારોએ અનુભવીઓએ જાતજાતના પ્રયાસ કર્યા, પરંતુ બળદ એક તસુ આગળ-પાછળ ન થયા. ગાડું આ સ્થળે સ્થિર થઈ ગયું.

આખરે માધોસિંહજીને આદેશ કર્યો કે ભવ્ય મંદિરનું આ સ્થળે જ નિર્માણ કરવામાં આવે.

સવાઈ માધોસિંહજીએ મંદિર નિર્માણ માટે ખજાનો ખુલ્લો મૂકી દીધો. નિષ્ણાત કારીગરો રાત-દિવસ કામ કરતા રહ્યા. માત્ર ચાર મહિનામાં ૧૭૮૧ના વર્ષમાં મંદિર બનીને તૈયાર થઈ ગયું. એવી નોંધ જોવા મળે છે કે આ મંદિરના નિર્માણની દેખરેખનું કામ શેઠ જયરામ પાલીવાલને સોંપવામાં આવ્યું હતું. એમની સાથે મંદિરના મુખ્ય મહંત શિવનારાયણજી પણ હતા.

ગણેશજીની આ પ્રતિમાની ભલે ૨૬૦ વર્ષ પહેલાં મંદિરમાં સ્થાપના કરવામાં આવી હોય, પરંતુ એની રચના પાંચસો વર્ષ પહેલાં થઈ હોવાનું કહેવાય છે.

ગણેશજીને ભાવતા લાડુનો પ્રસાદ જ અહીં પણ ભાવિક ભક્તો ગણેશજીને અર્પણ કરે છે. અહીં દર વર્ષે ઓછામાં ઓછા ૧.૨૫ લાખ ભક્તો આવીને દર્શન કરે છે અને પોતાની શ્રદ્ધા ભાવના અનુસાર પૂજા-અર્ચના કરે છે.

ગણેશજી મંદિરની આસપાસ શું?

ગણેશજીના આ સુંદર મંદિરની આસપાસ વિશાળ પ્રાંગણમાં નજર કરીએ તો થોડેક દૂર મંદિર પરિસરની અંદર જ એક સ્થળે ભગવાન શિવનું પ્રતીક એવું એક લિંગ પણ જોવા મળે છે. જોકે મહાદેવના આ પ્રતીકની પૂજા-અર્ચના બારેય મહિના કરી શકાતી નથી. એ માત્ર મહાશિવરાત્રિના દિવસે જ પૂજા-અર્ચના માટે ખુલ્લું મૂકવામાં આવે છે. બાકીના દિવસોમાં માત્ર ગણેશજીની જ પૂજા-અર્ચના કરી શકાય છે.

મોટી ટેકરીના આ ગણેશજીના મંદિર પરિસરની બહાર નજર કરીએ તો અહીંથી દક્ષિણ દિશામાં થોડેક દૂર લક્ષ્મી-નારાયણ મંદિરનાં શિખર જોવા મળે છે. આ મંદિર બિરલા મંદિર પરિસર તરીકે પણ ઓળખાય છે. એમાં માત્ર લક્ષ્મી-નારાયણની જ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ત્યાં દર્શને જવા માટે તમારે મોટી ડુંગરીના ગણેશજીના મંદિર પરિસરમાંથી બહાર નીકળવું પડશે.

મંદિરનું બાંધકામ કેવું?

મોટી ડુંગરીના આ ગણેશ મંદિરના બાંધકામ વિશે નિષ્ણાત સ્થપતિઓ કહે છે કે તે પ્રાચીન નગર સ્ટાઈલથી બાંધવામાં આવ્યું છે. આ સ્ટાઈલ મૂળ સ્કોટલેન્ડના એક મહેલની ડિઝાઈન ઉપરથી વિકસાવવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાંથી અંદર જવા માટે થોડાંક પગથિયાં ચઢીને ઊંચા ઓટલા પર આવવું પડશે. અહીંથી મંદિરમાં જવાના ત્રણ દરવાજા દેખાય છે. આ બાંધકામ ચૂનાના પથ્થર અને આરસના ઉપયોગથી કરવામાં આવ્યું છે. ચાર જ મહિનામાં બાંધકામ સંપન્ન કરવામાં આવ્યું હોય તો આ મંદિરની રચના કરનાર સ્થપતિઓને અને કારીગરોને દાદ આપવી પડશે.

મંદિર શી રીતે પહોંચી શકાય?

આ મંદિર જયપુર શહેરથી છ કિલોમીટર દૂર છે. શહેરમાંથી જ અહીં આવવા માટે અનેક વાહનો મળી શકે છે. જયપુર તમે બસમાં કે ટ્રેનમાં જઈ શકો છો. તમારા ખાનગી વાહનમાં પણ જઈ શકો છો. નહીંતર વિમાનમાર્ગે આવીને જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરી શકો છો. જો ટ્રેનમાં આવો તો ગાંધીનગર સ્ટેશને ઊતરવું પડશે. ત્યાંથી મંદિરે આવવા માટે અનેક વાહનો મળી રહેશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન