Gang war Between Surya Marathi and Hardik Patel
  • Home
  • Featured
  • ગેંગવોરથી ધણધણી ઉઠ્યું સુરત, ગેંગસ્ટર સૂર્યા મરાઠી અને હાર્દિક વચ્ચે તલવાર-ચપ્પાં યુદ્ધ, બંનેનાં મોત

ગેંગવોરથી ધણધણી ઉઠ્યું સુરત, ગેંગસ્ટર સૂર્યા મરાઠી અને હાર્દિક વચ્ચે તલવાર-ચપ્પાં યુદ્ધ, બંનેનાં મોત

 | 3:03 pm IST

સુરતમાં ફરી એકવાર ગેંગવોરની ઘટના સામે આવી છે. નવા વર્ષની શરૂઆતમાં જ સૂર્યા મરાઠી ગેંગ વોરની ઘટના સામે આવી હતી. તેવામાં આજે પણ જેલની બહાર આવેલાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ સામ-સામે આવી ગયા હતા. બંને ગેંગ વચ્ચે થયેલી મારામારીમાં સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલનાં મોત નિપજ્યા છે. સુરતમાં ગેંગવોરમાં ડબલ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે.

મર્ડરના કેસમાંથી થોડા દિવસ પહેલાં જ બહાર આવ્યો હતો સૂર્યા

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, થોડા દિવસો પહેલાં જ મર્ડર કેસનો આરોપી સૂર્યા મરાઠી જેલની બહાર આવ્યો હતો. અને આજે તે વેડરોડ ખાતે આવેલી તેની ઓફિસમાં બેઠો હતો. આ સમયે સાત જેટલા અજાણ્યા ઈસમો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. અને તલવાર તેમજ ચપ્પુનાં ઉપરાઉપરી ઘા ઝીંકી સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. આ હુમલો અન્ય કોઈ નહીં પણ પહેલાં સૂર્યા મરાઠી સાથે કામ કરતાં અને હાલનાં દુશ્મન હાર્દિક પટેલ અને તેનાં માણસો દ્વારા કરાયો હતો.

સૂર્યાના જમણા હાથથી હાર્દિક બન્યો જાની દુશ્મન

એક સમયે સૂર્યાનો જમણો હાથ મનાતા હાર્દિક વચ્ચે કોઈ બાબતને લઈ દુશ્મનાવટ શરૂ થઈ હતી. અને જેલની બહાર આવેલાં સૂર્યાનું ઢીમ ઢાળી દેવા હાર્દિકે પ્લાન ઘડી કાઢ્યો હતો. પણ માથાભારે સૂર્યાએ પોતાના પર થયેલ જીવલેણ હુમલા દરમિયાન હાર્દિક પટેલ સાથે મારામારી થઈ હતી. બંને જણાએ એકબીજા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતાં બંને જણા લોહીમાં ફસડાઈ પડ્યા હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ બંનેનાં મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા કતારગામ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. તા. 17મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડાહ્યા જ્યારે દાઢી કરાવવા ગયા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરાઇ હતી.

સૂર્યાને બે દીકરીઓ અને એક દીકરો છે

સૂર્યા મરાઠી મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરીના વતની હતો. અને તેણે સુરતમાં માથાભારે શખ્સની છાપ ઉભી કરી હતી. કથિત રીતે ગેંગ ચલાવતો સૂર્યા મરાઠી અવારનવાર હત્યાથી લઈને ખંડણી સહિતના કામો કરતો હતો. કુખ્યાત બની ગયેલો સૂર્યો મરાઠી જમીન દલાલીની સાથોસાથ જમીનોના પ્રકરણમાં ધાકધમકીના જોરે ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. તે અંખડ આનંદ કોલેજ સામે આવેલી ત્રિભુવન સોસાયટી પાસે રહેતો હતો.  સૂર્યા મરાઠી પર અગાઉ પલિયા બારૈયા નામના ગેંગસ્ટરે ફાયરિંગ કરાવ્યું હતું, જેમાં સૂર્યા માંડ માંડ બચી ગયો હતો. રાજે ગ્રુપના સ્થાપક સૂર્યા મરાઠી દ્વારા ગણેશોત્સવના આયોજનો પણ કરવામાં આવતાં હતાં. માથાભારે સૂર્યા મરાઠીને બે દીકરીઓ અને એક દીકરા સહિત પત્ની પણ છે. અને તેના માતા પિતા વતનમાં રહે છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં ટિકટોક વીડિયો બનાવતા યુવક ઈજાગ્રસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન